તમામના ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની પોસ્ટમાં ધરખમ વધારો, સૌથી અસરકારક માધ્યમથી લોકો સુધી પહોંચવા તમામ પક્ષોએ આખી ફૌજને કામે લગાડી
વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરવા ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રી પાખીયો જંગ ચાલી રહ્યો છે. તેમાંય ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર તો આ જંગ જામ્યો છે. તમામના ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની પોસ્ટમાં ધરખમ વધારો નોંધાયો છે. સૌથી અસરકારક માધ્યમથી લોકો સુધી પહોંચવા તમામ પક્ષોએ આખી ફૌજને કામે લગાડી દીધેલી છે.
એક અઠવાડિયામાં, બીજેપી ગુજરાતના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ્સમાં 72%નો વધારો થયો છે. જેમાં 12 મિનિટ દીઠ એક પોસ્ટના દરે 112 પોસ્ટ માત્ર રવિવારે જ આવી છે. તે દિવસે ભાજપે તેના ફેસબુક પેજ પર પીએમ નરેન્દ્ર મોદીના ભાષણો સહિત 36 વીડિયો અપલોડ કર્યા હતા.
અન્ય રાજકીય પક્ષો પણ તેમની સોશિયલ મીડિયાની સક્રિયતામાં વધારો કરી રહ્યા છે. કોંગ્રેસની સાપ્તાહિક પોસ્ટ ગત સપ્તાહની સરખામણીએ 40% અને આપની 50% વધી છે. 1 ડિસેમ્બરે ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલા માંડ 10 દિવસ બાકી છે ત્યારે પ્રચાર છેલ્લા તબક્કામાં પ્રવેશી ગયો છે. યુવા, ટેક-સેવી મતદારોને આકર્ષવા પક્ષો ત્રણેય મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ – ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે.
વિશ્લેષણ દર્શાવે છે કે મોટાભાગના સ્થાનિક રાજકીય નેતાઓએ રાષ્ટ્રીય નેતાઓ અથવા તેમના પક્ષોના સત્તાવાર હેન્ડલ્સની પોસ્ટને રીટ્વીટ કરી છે. ટ્વિટર પર, ભાજપે વર્ષોથી થયેલા કામોના આંકડા આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા અને મોંઘવારી પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જ્યારે આપએ પરિવર્તનની આવશ્યકતાની વાત કરી છે.
તાજેતરમાં સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો સામે આવ્યો ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંનેએ આપની ટીકા કરી હતી. આ વીડિયોમાં જૈનને દિલ્હીની તિહાર જેલમાં કથિત રીતે વિશેષ સારવાર મળી રહી છે. પરંતુ કોંગ્રેસ અને આપએ ભ્રષ્ટાચારના આરોપો સાથે ભાજપ પર પ્રહારો કર્યા છે.
પક્ષોએ અન્ય રાજ્યો જેવા કે પંજાબ અને રાજસ્થાનના ઉદાહરણોનો ઉપયોગ કાં તો અન્ય સરકારોની મજાક ઉડાવવા અથવા સત્તા પર ચૂંટાયા પછી સમાન યોજનાઓનું વચન આપવા માટે કર્યો હતો.
2017ની ચૂંટણીની સરખામણીમાં સોશિયલ મીડિયાનું ક્ધટેન્ટ નોંધપાત્ર રીતે પરિપક્વ થયું છે. પક્ષોના આઇટી ડિપાર્ટમેન્ટ હરીફોની ઝુંબેશ પર સતર્કતાપૂર્વક દેખરેખ રાખે છે અને પ્રતિ-દલીલો કે ખંડન કરે છે. અમદાવાદ સ્થિત એક સોશિયલ મીડિયા વિશ્લેષકે જણાવ્યું હતું. ભાજપમાં પીએમ નરેન્દ્ર મોદીમાં સ્ટાર પ્રચારક છે અને છેલ્લા કેટલાક દિવસોમાં મોટાભાગની પોસ્ટમાં તેમને દર્શાવવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે રાજ્યની ચૂંટણી માટે પ્રચારમાં ઉતર્યા હતા. તેને પણ હાઇલાઇટ કરવામાં આવી રહ્યા છે.
વિશ્લેષકે ઉમેર્યું: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં તેમના અભિયાનો વિશે ટ્વીટ કરવામાં અને સ્થાનિકોને પક્ષને તક આપવા માટે અપીલ કરવામાં સતત રહ્યા છે.
- 8.6 લાખ વૃદ્ધો અને દિવ્યાંગો ઘરે બેઠા કરશે મતદાન
- મતદાન મથક સુધી જવામાં અસક્ષમ મતદારોને પોસ્ટલ બેલેટથી મત અપાવવાની પ્રક્રિયા શરૂ
વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ઘરેથી મતદાન કરવાની મંજૂરી આપતી ભારતીય ચૂંટણી પંચની પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે. આ કેટેગરીના 12.26 લાખ મતદારોમાંથી 8.6 લાખ મતદાર ચૂંટણીમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરવા તૈયાર થયા છે.
મતદાન મથક સુધી જવામાં અસક્ષમ એવા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો ફોર્મ ડી દ્વારા નોંધણી કરીને તેમના ઘરેથી મતદાન કરી શકે છે. ચૂંટણી અધિકારીઓ નિરીક્ષકો સાથે તેમના ઘરની મુલાકાત લેશે અને તેમને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા સક્ષમ બનાવશે.
મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાતની ઑફિસે, તમામ ચૂંટણી અધિકારીઓને વરિષ્ઠ નાગરિકો કે જે 80 વર્ષથી વધુ ઉંમરના છે અને દિવ્યાંગો જે અસક્ષમ છે તેઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવા આદેશ અપાયો હતો. જે અંતર્ગત 8.60 લાખ લોકોએ ઘરેથી મતદાન કરવા માટે ફોર્મ ડી વિકલ્પ દ્વારા નોંધણી કરાવી છે.
સીઈઓના કાર્યાલયના સૂત્રોએ ઉમેર્યું, એવું જોવામાં આવ્યું છે કે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને મતદાન કરવા માટે બૂથ પર જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી તેઓ મતદાન કરવાનું ટાળે નહિ તે માટે ચૂંટણી અધિકારીઓ અને નિરીક્ષકોની ટીમો બનાવવામાં આવી છે જેથી આવા લોકો તેમના ઘરેથી મતદાન કરી શકે.