ગીર-સોમનાથ જિલ્લામાં ૯૪૧ સ્થળોએ યોગ દિવસની ઉજવણીમાં ૩.૨૫ લાખ લોકો જોડાયા
ગીર-સોમનાથ જિલ્લામાં પાંચમા વિશ્વ યોગ દિવસની સવારનાં ખુશનુમાં વાતાવરણમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન સોમનાથનાં સાનિધ્યે ઝાલરના નાદ સાથે સોમનાથ પરિસર ખાતે રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. પુર્વ મંત્રી જશાભાઈ બારડ, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધમેન્દ્રસિંહ રહેવર, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, અધિક કલેકટર એચ.આર.મોદી, નાયબ કલેકટર નીતીન સાંગવાન સહિતના અધિકારીઓ જિલ્લાકક્ષાની યોગ દિવસની ઉજવણી જોડાયા હતા.
જિલ્લામાં કુલ ૯૪૧ સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શૈક્ષણિક સંસ્થાઓમાં માસ્ટર ટ્રેનરો દ્વારા યોગ નિદર્શન કેન્દ્રો પર ગામડે-ગામડે, તાલુકા મથકે શાળા-કોલેજોનાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો સહિત ૩.૨૫ લાખથી વધુ લોકો વિશ્વ યોગ દિનમાં જોડાઇને યોગને દૈનિક જીવન સાથે જોડવા સંકલ્પબધ્ધ થયા હતા. જિલ્લાકક્ષાની ઉજવણી સોમનાથ સંસ્કૃત યુનિ., આદિત્ય બિરલા પબ્લિક સ્કુલ, ચોપાટી, કોસ્ટગાર્ડ જેટી, ભાલકા તીર્થ, તાલુકાકક્ષાએ ૧૨ સ્થળોએ અને નગરપાલિકા કક્ષાએ ૧૦ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાએ જણાવ્યું હતું. યોગના માધ્યમથી બાળકો અને યુવાનોમાં પડેલી શુસુપ્ત શકિતઓ પ્રજવલિત થાય છે. આપણી પ્રાચીન અને ઋષિ પરંપરામાં યોગનું આગવું મહત્વ છે. આજના સમયમાં યોગની ખાસ જરૂરીયાત છે. યોગને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં આહવાનથી વિશ્વમાં સ્વકૃતિ મળી છે ત્યારે આપણા સૈા માટે ગૈારવપ્રદ છે. ચીફ ઓફિસર જતીન મહેતાએ લોકોને સ્વચ્છતા રાખવા અપીલ કરી જણાવ્યું હતું કે, વેરાવળ શહેરના લોકોએ ગમે ત્યાં રોડ પર કચરો ફેકવો નહિ તેમજ ખુલ્લામાં શૌચક્રિયા કરવી નહિ અને શહેરની સ્વચ્છતા જાળવવામાં લોકોએ સહકાર આપવા તેઓએ વધુમાં જણાવ્યું હતું.