- 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, સ્માર્ટ સિટી, મવડી, મોટા મવા આ વિસ્તારોમાં જંત્રી દર સૌથી વધુ રહેશે, સૌથી ઓછો ભાવનગર રોડ ઉપર રહેશે
ચૂંટણી પત્યા બાદ નવા રાજકોટના જંત્રી દરમાં 3થી 4 ગણો વધારો આવવાની શક્યતા સેવાઈ રહી છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, સ્માર્ટ સિટી, મવડી, મોટા મવા આ વિસ્તારોમાં જંત્રી દર સૌથી વધુ રહેશે. જ્યારે સૌથી ઓછો ભાવનગર રોડ ઉપર રહેશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં સિટી સર્વેએ 300 ટિમ બનાવી નવા જંત્રી દર માટે સર્વે કર્યો હતો. તેમાં 1500 જેટલા વેલ્યુઝોનનો સર્વે કર્યો હતો. આ સર્વે બાદ તમામ ટીમોએ અંતે કલેકટર તંત્રને રિપોર્ટ કર્યો હતો. જે બાદ સમગ્ર રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવ્યો હતો. સરકાર તરફથી દિવાળી બાદ નવા જંત્રી દર જાહેર કરવાની વિચારણા હતી. પરંતુ આવુ કરવાનું માંડી વાળવામાં આવ્યું હતું. હાલ ચૂંટણી માથે હોય જંત્રી દરની જાહેરાતને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાની ચૂંટણી પત્યા બાદ જ નવા જંત્રી દર જાહેર કરવામાં આવશે. જો કે હાલ જુના જંત્રી દર કરતા બે ગણો જંત્રી દર લેવામાં આવે છે.
રાજકોટ સિટી અને જિલ્લામાં જંત્રીદરમાં સૌથી વધુ 4 ગણા વધારાની દરખાસ્ત કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જેમાં 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, સ્માર્ટ સિટી, મવડી, મોટા મવા આ વિસ્તારોમાં વર્તમાન દરથી 3થી 4 ગણો જંત્રી દરનો વધારો સુચવ્યો છે. સૌથી લો રેટ વિસ્તારમાં એકમાત્ર ભાવનગર રોડ રહેશે. આ વધારો ચૂંટણી પૂર્ણ થયા બાદ લાગુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 2011ની સ્થિતિએ કોર્પોરેશન વિસ્તારમાં જંત્રી રાજકોટ સિટીમાં ખુલ્લા પ્લોટમાં 1150થી 2750
રહેણાંક, ફ્લેટ, એપાર્ટમેન્ટમાં 5000થી લઈને 7350, ઓફિસમાં 7000થી લઈને 8900, દુકાનમાં 9100થી લઈને 11050 છે. 2011ની સ્થિતિએ નગરપાલિકા વિસ્તારમાં જંત્રી ખુલ્લા પ્લોટમાં 2350થી 4000, રહેણાંક, ફ્લેટ, એપાર્ટમેન્ટમાં 6500 લઈને 11000, ઓફિસમાં 7500થી લઈને 20000 , દુકાનમાં 9500 લઈને 40000 છે.
2011ની સ્થિતિએ ખેતીની જમીનના જંત્રી બિન પિયતના 1,13,320થી લઈ 2,01,440, બિનખેતી વાણિજ્યના રહેણાંકમાં 103થી લઈને 480, બિનખેતી વાણિજ્યના 135થી લઈને 225, બિનખેતી ઔદ્યોગિકના 185થી 520 છે.