Abtak Media Google News
  • આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ
  • વિશ્ર્વના અલગ અલગ દેશોમાં અલગ અલગ તારીખે ઉજવાય છે ડોક્ટર દિવસ : કોરોના મહામારી વખતે પોતાના જીવનની પરવા કર્યા વગર લાખો લોકોના જીવ બચાવ્યા હતા ડોકટરોએ
  • બંગાળના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ડો.બી.સી.રોયની માનવતાની સેવામાં આપેલ તેમના યોગદાનને સ્વીકારવા 1991 થી આજનો દિવસ ઉજવાય છે: દર્દીઓના મસીહા અને ધરતી પરના ભગવાન એટલે ડોક્ટર: આ વર્ષની થીમ “હીલિંગ હેન્ડ્સ , કેરિંગ હાર્ટ્સ” છે, જે તેની કરૂણા અને સમર્પણ પર ભાર મૂકે છે, તબીબોના અથાગ પ્રયત્નોને જાહેર આરોગ્ય અને સુખાકારી માટે મહત્વના ગણી શકાય

પૃથ્વી પર વસતા દરેક માનવી માટે શિક્ષક અને ડોક્ટરનું અનેરૂ સ્થાન તેના જીવનમાં રહેલું છે. આપણાં પરિવારના સભ્યો માટે નાની મોટી માંદગીમાં ઘરના સભ્ય સમા ફેમિલી ડોક્ટરનું વિશેષ મહત્વ છે. ડોક્ટરનો હસતો ચહેરો મોટા ભાગના દર્દો દૂર કરે છે, તેની સમજાવવાની શૈલી, માર્ગદર્શન આપણને મોટા રોગોની તકલીફથી બચાવે છે. આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ છે, ત્યારે સમગ્ર દેશમાં તેની અનેરી સેવાને સન્માન આપવા વિવિધ કાર્યક્રમો યોજાય છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા તળે પણ વિવિધ આયોજન યોજાય છે. દર્દ કા રિશ્તા સાથે ધરતી ઉપરનો આપણો ભગવાન કે મસિહા એટલે ડોક્ટર. આજના દિવસે ડોક્ટર અને મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ સ્ટાફને કરોડો સલામ

કોવિડ-19 ની મહામારી સામે પોતાના જીવની પરવા કર્યા વગર દર્દીની ટ્રીટમેન્ટ કરીને નવજીવન આપનાર તબીબની સેવા કોરોના વોરિયર જેવી હતી. જોખમી સ્થિતિમાં દિવસ-રાતનો 24ડ્ઢ,7 ની તેમની મહેનતને કારણે લાખો લોકોના જીવ બચ્યા હતા. હોસ્પિટલ સ્ટાફ અને તબિબનો સફેદ કલર જ આપણને દર્દમાં મુક્તિ અને શાંતી અર્પે છે. દર વર્ષે ઉજવણીમાં અપાતી થીમમાં આ વર્ષે હિલિંગ હેન્ડસ , કેરિંગ હાર્ટ્સ છે. સમગ્ર વિશ્ર્વમાં ડોક્ટર ડે અલગ-અલગ દિવસે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ડોક્ટર દિવસ એ સફેદ રંગના વાસ્તવિકતા જીવનના હીરોને સમર્પિત દિવસ છે. વ્હાઇટ કોટમાં આ હિરોનું દરેકના જીવનમાં મહત્વ છે. આપણા જીવન મરણ વચ્ચેની યાત્રામાં આ ડોક્ટર જ આપણને જીવાડે છે કે રોગ મુક્ત રાખે છે.

આજનો દિવસ સૌ પ્રથમ 1991માં બંગાળના પૂર્વ મુખ્યપ્રધાન ડો.બી.સી.રોયની મેડીકલ સાયન્સ માનવતાની સેવામાં તેમના યોગદાનની યાદગીરીમાં ઉજવાય છે. આજના દિવસે તેની જન્મ અને મૃત્યું તીથી બન્ને સાથે આવે છે. આ દિવસે દર વર્ષે તેમના નિસ્વાર્થ કાર્યો માટે આ ક્ષેત્રના અન્ય ડોક્ટરોનું પણ સન્માન કરવા માટે ડોક્ટર ડે ઉજવાય છે. અમેરિકામાં 30 માર્ચે તો ક્યુબા જેવા નાના દેશમાં 3 ડિસેમ્બરે આ દિવસ ઉજવાય છે. ડોક્ટર બની અને તેના દર્દીઓ માટે જીવન કે મૃત્યું વચ્ચે નિર્ણયો લેવાની સૌથી પડકારજનક વ્યવસાયોમાંનો એક છે. કોવિડ-19 , એઇડ્સ જેવા વિવિધ ચેપી રોગોમાં દર્દીની ટ્રીટમેન્ટ સૌથી વધુ જવાબદારી માંગી લે છે , તે પણ એક માણસ છે, તેને પણ ચેપ લાગવાની પૂરતી શક્યતા હોવા છતા, ડોક્ટર પોતાની ચિંતા કર્યા વગર દર્દીની સેવા કરે છે. ડોક્ટરનો વ્યવસાય તેઓ તેમના દર્દીઓને તેમની સુખાકારી અને પીડામાંથી રાહત આપવાની અનેરી સેવા છે. કોરોના કાળમાં દરેકના જીવનના વાસ્તવિક જીવનના નાયકો બન્યા હતા. આજનો દિવસ આ અસલી હીરોનો આભાર માનવાનો દિવસ છે. આપણો દેશ એ સૌથી જૂની ઔષધીય પધ્ધતિમાંથી એકનું જન્મસ્થળ છે. ભારતમાં આદીકાળથી સર્જરી, પ્લાસ્ટીક સર્જરી જેવી તમામ સર્જરી કરવામાં આવતી હતી. સુશ્રુત કે જે  8 મી સદીમાં થઇ ગયા, તેને ભારતીય ચિકિત્સાના શસ્ત્રક્રિયાના સ્થાપક પિતા ગણવામાં આવે છે. આપણાં દેશમાં સૌથી કુશળ અને કાર્યક્ષમ ડોક્ટરો છે. જેમનું વિશ્ર્વભરમાં નામ છે. આજની આપણી મેડીકલ સવલતોને કારણે વિદેશીઓ પણ સર્જરી કે ટ્રીટમેન્ટ માટે ભારત આવે છે.

આજના યુગમાં મેડીકલ સાયન્સની પ્રગતિ અને અદ્યતન સાધનો, ટ્રીટમેન્ટ, ટેસ્ટીંગ વિગેરે સુવિધાને કારણે લોકોનું આયુષ્ય વધ્યું છે. જેને માટે ડોક્ટરોની ભૂમિકા અહંમ છે. આજે તો શરીરના તમામ અંગો જેવા કે હૃદય, બ્રેઇન, આંખ, કીડની, હાડકા વિગેરેના નિષ્ણાંત તબીબો ઉપલબ્ધ છે. ટેસ્ટીંગની અદ્યતન સુવિધાથી ડોક્ટરને રોગ પકડવામાં ઘણી રાહત થતી હોવાથી દર્દીની ફાસ્ટ રીક્વરી જોવા મળે છે. સમગ્ર દિવસ દરમ્યાન સતત કાર્ય માટે તેમનો અમુલ્ય સમય, કૌટુબિંક સમય અને પરિવારનો આનંદ ગુમાવીને પણ તેના દર્દીની સેવા કરે છે. આજના ગતિશીલ યુગમાં મેડીકલ સાયન્સની સાથે ડોક્ટરે કાયમ માટે અપડેટ રહેવું પડે છે. તેમનો વ્યવસાય સેવા વ્યવસાય સાથે જોડાયેલો છે. સમાજમાં તેમના પુષ્કળ યોગદાન માટે ડોક્ટરો પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનો આ રાષ્ટ્રીય દિવસ છે.

ડોક્ટરો તારણહાર છે, તેથી ઘણા તેમને તેમના ઉમદા કાર્યો માટે ભગવાનનો દરજ્જો આપે છે. આપણાં સમાજમાં ડોક્ટરની મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ બિમારી અથવા અન્ય કોઇપણ આરોગ્યની સ્થિતિઓમાંથી ઝડપી પુન:પ્રાપ્તિ સાથે દર્દીઓની સારવાર અને મદદ કરવા તેમનું જીવન અર્પણ કરે છે. ડોક્ટરો આપણને, જીવનને વધુ સારી રીતે જીવવામાં મદદ કરે છે. દેશના મહાન તબીબ ડો.બી.સી.રોયને બ્રિટીશ મેડીકલ જર્નલ ભારતના એવા પ્રથમ મેડીકલ ક્ધસલ્ટન્ટ તરીકે ઓળખે છે કે જેને અનેક ક્ષેત્રોમાં તેમનાં સમકાલીન તબીબો કરતાં વધુ સફળતા અને સમર્પણ કરેલ હતું.

આજના દિવસે વર્ષોથી સરકારી અને બિનસરકારી આરોગ્ય સંભાળ સંસ્થાઓ ડોક્ટરના યોગદાનને સન્માન આપીને આ દિવસ ઉજવે છે. આજના દિવસે તબીબો પણ લોકોને ગુણવત્તાયુક્ત તબિબી સેવા વિનામૂલ્યે મળે તેવા સંદેશ સાથે વિનામૂલ્યે મેડીકલ કેમ્પનું આયોજન કરીને સમાજનું ભલું કરી રહ્યા છે. રોગ નિવારણ, નિદાન, સારવાર અને તેના મહત્વ વિશે પ્રજાને જાગૃત કરે છે. ગરીબ, વૃધ્ધોની આરોગ્ય સારવાર, પરામર્શ સાથે આરોગ્ય પોષણની શિબિરો પણ યોજે છે. આપણા બ્રહ્માંડના સાચા હીરો ડોક્ટર જ છે. 1928માં સ્થપાયેલ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન-1930 માં ઇન્ડિયન મેડીકલ એસોસિએશન (ઈંખઅ) બન્યું હતું.

ડોક્ટરો આપણી બીમારીઓનું નિદાન, સલાહ અને સારવાર કરે છે. તેઓ શરીર વિશેના તેમના જ્ઞાનનો ઉપયોગ કરીને આપણું જીવન બચાવે છે અને કાયમી  શારીરીક અને માનસિક ક્ષતિઓ ધરાવતા લોકોને મદદ કરતાં હોવાથી તેને જાહેર સેવકો ગણવામાં આવે છે. તેઓ આપણાં સમગ્ર પરિવાર સાથે સમુદાયની સંભાળ રાખે છે, તેમની સેવા નિ:સ્વાર્થપણાની છે. આજના યુગમાં ડોક્ટરોના પોઝીટીવ એપ્રોચ અને સકારાત્મક વલણથી દર્દી ઝડપથી સાજો થતો જોવા મળે છે. દુનિયામાં 1800 ની સાલમાં એલિઝાબેથ બ્લેકવેલ યુનાઇટેડ સ્ટેટ્સમાં મેડીકલ સ્કુલમાંથી સ્નાતક થનારી પ્રથમ મહિલા હતી, અને તેણે પછી ફક્ત મહિલાઓ માટે જ મેડિકલ કોલેજની સ્થાપના કરી હતી. વિશ્ર્વભરમાં ભારતીય ડોક્ટરો ખૂબ જ અદ્યતન છે, જે આજે જટીલમાં જટીલ ઓપરેશનો કરીને સફળતા મેળવે છે.

આજનો દિવસ તબીબી ક્ષેત્રે થયેલી પ્રગતિની ઉજવણી કરવાનો દિવસ છે. ડોક્ટરોમાં સૌથી કપરી જવાબદારી સાવ નાના બાળકની સર્જરીમાં હોય છે, જેને અડતા પણ ડર લાગે તેવા ટેણીયા ઉપર સર્જરી કરતી વખતે તેને ભગવાનનું રૂપ જ ગણી શકાય.

વિદેશીઓ પણ કરાવે છે આપણાં દેશમાં સર્જરી !!

બધા સુપર હીરો કેપ નથી પહેરતા, કેટલાક સફેદ કોટ અને મોજા પહેરે છે. જેને આપણે ડોક્ટર કહીએ છીએ. વિશ્ર્વમાં સૌથી શ્રેષ્ઠ તબીબો ભારતમાં છે તેથી જ વિદેશોમાંથી લોકો અહીં ટ્રીટમેન્ટ અને ઓપરેશન કરાવવા આવે છે. આજના દિવસે આ વ્હાઇટ કોટ વોરિયર્સને કરોડો સલામ, ભગવાન જોઇ શકતો નથી પણ તેનું માનવીય રૂપ ડોક્ટરના ચહેરામાં જોઇ શકાય છે, કે જેઓ આપણને બચાવે છે. દરરોજ જીવન બચાવવા માટે સખત મહેનત કરતાં તમામ તબીબોને ડોક્ટર ડે ની શુભેચ્છા.

આપણા પરિવારની સંભાળ લે છે, એટલે જ તેને ફેમિલી ડોક્ટર કહેવાય છે

ડોક્ટરએ વ્યવસાય નથી પણ સેવા ક્ષેત્ર છે. શિક્ષક અને ડોક્ટર આ બન્ને વ્યક્તિ દરેકના જીવનમાં અગત્યનું સ્થાન ધરાવે છે. તેજ આપણને જીવન જીવવાની પધ્ધતિ શીખવે છે. ડોક્ટરએ આપણો એવો સાથીદાર છે જે જન્મ અને મૃત્યુ સાથે જીવનની બધી શારીરીક મુશ્કેલીમાં સાથ આપે છે, પરિવારની સંભાળ લે છે એટલે જ તેને ફેમીલી ડોક્ટર કહેવાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આજના યુગમાં તેને ભગવાનના દરજ્જો મળ્યો છે. આ એક જ વ્યક્તિ એવી છે જેને આપણે મન મોકળું કરીને છૂટથી વાત કરીએ છીએ. આપણને આપણા ડોક્ટર ઉપર વિશ્ર્વાસ અને શ્રધ્ધા હોય છે, તેથી આપણે તેની સલાહ લઇએ છીએ કે માનીએ છીએ. ડોક્ટરના ભરોસા ઉપર જ આપણે દર્દીમાંથી મુક્તિ મેળવીને દોડતા થઇએ છીએ. ડોક્ટર જ કોઇ વ્યક્તિને નવો જન્મ આપે છે અને તેને મૃત્યુના મુખમાંથી પણ તે જ બચાવે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.