- પરમધામ સાધના સંકુલના પ્રાંગણે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબનો થયો ચાતુર્માસ મંગલ પ્રવેશ
- અબોલ ઘાયલ પશુ-પંખીઓની સારવાર અર્થે બે કરોડ રૂપિયાનું અનુદાન સમસ્ત મહાજનને થયું અર્પણ
શહેરી ગતિવિધિથી દૂર વહેતી ભાત્સા નદીના તટે મનને શાંત – સ્થિર અને પવિત્ર કરનાર પરમધામ સાધના સંકુલના પ્રાંગણે ચાતુર્માસ અર્થે પધારેલ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ 6 સંતો તેમજ પૂજ્ય પ્રબોધિકાબાઈ મહાસતીજી આદિ 30 મહાસતીજીના ચાતુર્માસ મંગલ પ્રવેશના હર્ષ ઉલ્લાસે વધામણાં થયા અને દેશ-વિદેશના હજારો ભાવિકોએ ગુરૂ ચરણોમાં શ્રદ્ધા-ભક્તિ સમર્પણ કરી ગુરુપૂર્ણિમાનો અવસર ઉજવ્યો.
આ અવસરે શુભેચ્છા વંદના અને ભક્તિભાવની અર્પણતા કરવા ભારત જૈન મહામંડલના પ્રમુખ સી. સી. ડાંગેજી, સમસ્ત મહાજન સમાજના ગિરીશભાઈ, ઝાલાવાડી સમાજના સી.વી શાહ, હિંગવાલા સંઘના પ્રમુખ બીપીનભાઈ સંઘવી, જૈન જાગૃતિના રમેશભાઈ મોરબીયા, પૂર્વભારત સંઘના અશ્ર્વિનભાઈ દેસાઇ, દિલ્લી સંઘના દિલિપભાઇ ધોળકિયા, સમગ્ર મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, પૂર્વ ભારત આદિ અનેક ક્ષેત્રોના માત્ર જૈન નહિ પણ વૈષ્ણવ, ક્ષત્રિય, પટેલ આદિ વિવિધ ગુરુભક્તોની પ્રત્યક્ષ ઉપસ્થિતી સાથે લાઈવના માધ્યમે પણ દેશ વિદેશના હજારો ગુરુભક્તો ભક્તિભાવે જોડાયા હતા.
આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું કે, ધર્મ ક્ષેત્રમાં કોઈ પણ કાર્ય કરવામાં અને અનુભવવામાં ફરક હોય. કરવાપણું હોય ત્યાં ફરજ હોય અને બીજી તરફ આનંદ હોય, ઉત્સાહ હોય, કાઇ કરવું છે તે ભાવની અનુભૂતિ હોય- જેને કહેવાય છે સંવેગ. ધર્મ તે ફરજ નહિ પણ અંતરભીના ભાવે થાય તે ધર્મ. આકાશના વાદળાની જેમ ઘણા પાસે ઘણું હોય પણ વરસવાની તૈયારી બધા વાદળ પાસે હોતી નથી તેમ સામર્થ્યતા તો અનેક પાસે હોય, પણ સમર્પણતાની તૈયારી સંવેગભાવ હોય તેની પાસે જ હોય. સતનિમિત્તોની ઉપસ્થિતિમાં ઉમળકો હોય પણ અનુપસ્થિતિમાં ઉદાસીનતા હોય. આ કાળમાં, સંસારમાં મિસગાઇડ કરવા વાળા લોકો અનેક છે, પણ તેવા સમય જે ગુરુને મિસ કરનારા હોય તે મિસગાઇડ થતાં બચી જાય છે. સતનિમિત્તોનો યોગ થાય તો સંવેગ જાગે, સદગુણો પ્રગટે પણ અસત નિમિત્તનો યોગ થાય તો અવગુણો જાગે.
ઇતિહાસના પાનાં પર અંકિત થઈ તે ક્ષણો, જ્યારે 2024 સમગ્ર ચાતુર્માસની અનુમોદનાનો અમૂલ્ય લાભ લેનારા માતુશ્રી કંચનબેન રમણિકલાલ શેઠ પરિવારના જિગરભાઈ શેઠને, અવંતિભાઈ કાંકરીયાજીએ ગૌરવવંતી પાઘડી પહેરાવીને સન્માનિત કર્યા.
વિશેષમાં, સમસ્ત મહાજનના ગિરીશભાઈ શાહના સહયોગથી છેલા 2 વર્ષ અંતર્ગત 55 હજારથી પણ વધારે પશુ- પંખીઓના સારવાર કરવામાં આવેલ, તેમના આ કરુણા સંવેગની અનુમોદના કરતા અર્હમ ટ્રસ્ટ તરફથી સમસ્ત મહાજનને બે કરોડનો ચેક અર્પણ કરવામાં આવતા પરમાર્થનું એક મહાસત્કાર્ય આરંભાયું હતું. ત્યાર બાદ, પરમ ગુરુદેવની આત્મધરાથી પ્રગટ થતી જ્ઞાનવાણીના અક્ષર દેહસ્વરૂપ ઇંગ્લિશ પુસ્તક – ‘ઇનસાઇડ આઉટ’નું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.