અન કવોલીફાઇડ શિક્ષકે જ શિક્ષણની ઘોર ખોદી
આપણેજે બધુ ડીગ્રી લેવા ભણીએ તે વ્યવસાયલક્ષી શિક્ષણ છે, બાકી તો જીવન ઘડતર માટે વ્યવહાર લક્ષી શિક્ષણ જ મેળવવું જોઇએ: સૌથી શ્રેષ્ઠ મૂલ્યો આધારીત શિક્ષણ પધ્ધતિ છે
વર્ગખંડમાં ચાલતી શિક્ષણ પ્રક્રિયાની અસરકારતા માટે શિક્ષક જ્ઞાની-તાલિમબધ્ધ અને સજ્જતા સભર હોવો જોઇએ: સરકારી કે ખાનગી શાળાની કોઇ સરખામણી નથી, પરંતુ તેમાં શિક્ષણ આપવાની પધ્ધતિમાં અને આપનારની પધ્ધતિમાં ઘણો તફાવત જોવા મળે છે તે દૂર થવો જોઇએ
શિક્ષકની ડીગ્રી લીધા વગર ભણાવનાર વર્ગખંડમાં ક્યારેય સારૂ ભણાવી ન શકે: શિક્ષક પાસે વ્યવસાયિક લાયકાત હોય તો જ વિષય વસ્તુંના ઘણા કઠિન મુદ્ાઓને સરળ કરીને વિદ્યાર્થીને સમજાવી શકે છે: અન ક્વોલીફાઇવ શિક્ષક પાસે જ્ઞાન હશે પણ તેને કેવી રીતે પીરસવું, કઇ પધ્ધતિથી ભણાવવું તેની સમજ હોતી નથી
થોડા ગાળામાં જ નવી શિક્ષણ પધ્ધતિ-2020 લાગુ પડી જશે. પ્રાથમિક ગાળામાં ફરજીયાત માતૃભાષામાં શિક્ષણ અપાશે. જ્ઞાન-વિદ્યા અને શિક્ષણ – આ ત્રણ શબ્દનો ઉપયોગ જુદી-જુદી જગ્યાએ જુદી-જુદી રીતે આપણે કરીએ છીએ. આપણા પ્રાચિન શાસ્ત્રો મુજબ દરેક શબ્દની પાછળ જ્ઞાન જોડવામાં આવતો હોવાથી બ્રહ્મજ્ઞાન, અધ્યાત્મજ્ઞાન અને આત્મજ્ઞાન જેવા વિવિધ શબ્દો સાથે મધ્યકાલીન યુગમાં વિદ્યા શબ્દ જાણીતો થયો હતો. એ સમયમાં આશ્રમ શાળામાં ઋષી મુનીઓ અસ્ત્રવિદ્યા, શસ્ત્રવિદ્યા જેવા શબ્દો પ્રયોજતા. આમ જોઇએ તો જ્ઞાન અને વિદ્યા એ બન્ને સમાનરૂપથી વપરાયા છે.
અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ છાત્રમાં રેલાવે તે સાચી વિદ્યા. આજનો યુગ શિક્ષણ યુગ છે, ચારે કોર શિક્ષણની બોલબાલા છે. શેરી, ગલીએ નાનકડા મકાનોમાં શાળા શરૂ થઇ ગઇ છે. અચરજની વાત તો એ છે કે આવી શાળામાં ક્વોલીફાઇડ સ્ટાફ જ હોતો નથી. સરકારના ધારા ધોરણ મુજબ પ્રાથમિકમાં પી.ટી.સી. અને હાઇસ્કુલમાં બી.એડ.કોર્ષ કરેલ જ શિક્ષક બની શકે કે તેને જ નોકરી મળે છે. સરકારી શાળા તમામમાં આવા ક્વોલીફાઇડ ડિગ્રીવાળા કે વિષય નિષ્ણાંત શિક્ષકો જ ભણાવતા હોય છે. ઉચ્ચ ટકાવારી હોય ત્યારે જ તેને મેરીટ વાઇઝ ટીચરમાં સિલેક્ટ થયા હોય છે. ખાનગી શાળામાં આવું કશું જ હોતું નથી. સંચાલકો ગમે ત્યારે ગમે તેને શિક્ષક રાખી દે અને છુટ્ટા પણ કરી દે છે.
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દરેક શાળામાં સ્ટાફની માહીતીનું બોર્ડ કે જેમાં ફોટા, લાયકાત, સરનામું, મોબાઇલ નંબર ભણાવતા ધોરણની વિગત, શાળામાં કે ખાતામાં દાખલ તારીખ જેવી વિવિધ વિગતો સૌને દેખાય તે રીતે રખાય છે આવું એકપણ ખાનગી શાળામાં જોવા મળતું નથી. શિક્ષાનો અધિકાર અધિનિયમ-2009 મુજબ શાળામાં ક્વોલીફાઇડ જ શિક્ષકો છાત્રોને ભણાવતા હોવા જોઇએ તેવો નિયમ છે, જો આમ ન જોવા મળે તો દંડની જોગવાઇ કે માન્યતા રદ્ થઇ શકે છે. ગત 2019માં રાજ્યમાં આવા 8 હજાર શિક્ષકો અયોગ્ય છે તેવી વાત ખુલી હતી. શિક્ષણ આપતી દરેક શાળાને આ નિયમ લાગુ પડે છે પણ હજી ઘણી શાળામાં આવા ડિગ્રી વગરનાં માસ્તર જોવા મળે છે. જેને કારણે જ શિક્ષણની ‘ઘોર’ ખોદાય છે.
શિક્ષણ શબ્દ પરથી ‘શિક્ષા’ શબ્દ આવ્યો. શિક્ષા શબ્દનો અર્થ દંડ થાય પણ શિક્ષણનો હેતું દંડ નહી પણ ફરજીયાતપણે સામી વ્યક્તિને સામાજીક ઘડતર-સુટેવો સાથે શ્રેષ્ઠ નાગરીક નિર્માણનો છે. આજે તો સરકારી શાળાનાં શિક્ષકોનાં સંતાનો જ ખાનગી શાળામાં ભણે છે. ઘણીવાર આપણને પ્રશ્ર્ન થાય કે શિક્ષકો ભણાવવાના પૈસા લે તો તેને યોગ્ય શિક્ષક કહેવાય કે નહી? પણ અંતે જીવન નિર્વાહની વાત આવે છે. શિક્ષણમાં ખાનગીકરણ થતાં ખૂબ જ પ્રાઇવેટ શાળા ખૂલવા લાગી છે પણ આ શાળાઓનાં શિક્ષકોની સજ્જતા કેટલી તે એક પક્ષ પ્રશ્ર્ન છે.
શિક્ષકો બે પ્રકારના હોય એક વ્યવસાયલક્ષી અને બીજો વ્યવહારલક્ષી. હાલમાં આપણે જે બધુ ડીગ્રી લેવા ભણીએ તે વ્યવસાયલક્ષી શિક્ષણ છે, બાકી તો જીવન ઘડતર માટે વ્યવહારલક્ષી શિક્ષણ જ મેળવવું જોઇએ. આ પ્રકારના શિક્ષણથી ભણતર સાથે ગણતર થાય છે. બાલમંદિરમાં શિક્ષણ આપતાં શિક્ષકો માટે પ્રિ.પી.ટી.સી.નો કોર્ષ ફરજીયાત છે. આજે કેટલા પ્લે હાઉસમાં આવા તાલિમબધ્ધ ગુરૂઓ ટબુકડાનો ભણાવે છે? જે ચિંતા અને ચિંતનનો વિષય છે. શિક્ષણનો મુખ્ય ઉદ્ેશ સંસ્કાર સિંચનનો છે, બાળકોમાં રહેલી વિવિધ છુપી કલાને પ્રોત્સાહિત કરીને તેનો સંર્વાગી વિકાસ શિક્ષકે કરવાનો હોય છે અત્યારે તો ગોખણ પટ્ટીનો યુગ છે. 10 વર્ષનો બાળક પુરૂ ગુજરાતીમાં સરખું વાંચી પણ નથી શકતો.
સૌથી શ્રેષ્ઠ મૂલ્યો આધારિત શિક્ષણ પધ્ધતિ છે. શિક્ષણએ મનુષ્યની વિશિષ્ઠ ગુણવત્તા છે. તેના થકી જ કોઇપણ પ્રગતિના શિખરો સર કરે છે. આપણે કોઇપણ વસ્તુ કે કંઇ પણ ખરીદી કરીએ ત્યારે તેની ગુણવત્તા જાણીએ છીએ પણ આપણાં બાળકને ભણાવતા ટીચર કેટલું ભણ્યો છે તે કોઇએ ક્યારેય પૂછ્યું નથી. શિક્ષણએ એક ઉપયોગી અને મૂલ્યવાન પ્રક્રિયા છે. યુગોથી માનવજાતે શિક્ષણનું મહત્વ સ્વીકાર્યું છે. આજે શિક્ષકને પોતાના એટલા બધા પ્રશ્ર્નો જીવનમાં હોય ત્યાં તે બાળકની મનોદશા ક્યાંથી સમજે.
શિક્ષણએ ત્રિધ્રૃવિ અને સતત ચાલતી પ્રક્રિયા છે. જે બે ધ્રૃવ બાળક અને શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. ત્રીજો ધ્રૃવ અભ્યાસક્રમ છે. જેને સારી રીતે ભણાવવાની જવાબદારી શિક્ષકની હોય છે. હવે જો અહીં શિક્ષક જ સજ્જતા વગરનો હોય તો બાળકને નુકશાન કરી શકે છે. હાલમાં કોવિડ-19ને કારણે ઓનલાઇન શિક્ષણનું કામ કેટલાય શિક્ષકોને આવડતું જ ન હતું. ક્લાસરૂમ ક્લાયમેટને સમૃધ્ધ કરવા માટેની જે ટેકનીક તાલિમબધ્ધ શિક્ષકમાં હોય તે અન કવોલીફાઇડ ટીચરમાંથી હોતી નથી. સરવાળે આખા વર્ગનું નિકંદન નિકળે છે. ખાનગી શાળામાં તો ધો.10/12 પાસ કે નાપાસ પણ શિક્ષક તરીકે ભણાવતા જોવા મળે છે ત્યારે આપણને પ્રશ્ર્ન રમકડા સાથે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની સમજ નથી હોતી ત્યાં બાળકનું ડેવલપમેન્ટ ક્યાંથી કરી શકે.
શિક્ષણએ મનુષ્યની વિશિષ્ઠ ગુણવત્તા છે
પૃથ્વી પરનો કોઇપણ માનવી શિક્ષણ થકી જ પ્રગતિના શિખરો સર કરે છે. આપણે કોઇપણ વસ્તુ ખરીદી કરીએ ત્યારે તેની ગુણવત્તા ચકાસીએ છીએ, પણ આપણાં બાળકને ભણાવતાં શિક્ષક કેટલું ભણ્યા છે, શિક્ષકની ડીગ્રી મેળવી છે કે નહીં તેવું ક્યારેય જોતા નથી ને પૂંછતા પણ નથી. શિક્ષણએ એક ઉપયોગી અને મૂલ્યવાન પ્રક્રિયા છે, યુગોથી માનવ જાતે શિક્ષણનું મહત્વ સ્વીકાર્યું છે. શિક્ષણએ ત્રિધ્રૃવિ અને સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં બે ધ્રૃવ બાળક અને શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વની છે.