સમય બળવાન છે માણસ નહીં.., ! આજે માનવજાતને તેના પ્રાણ કરતાં પ્રાણ વાયુ વધારે વહાલો છૈ..! જીહા, પોતાના પરિવાર જન માટે ઓક્સીજન સીલિન્ડરની વ્યવસ્થા કરવા માટે લોકો પોતાના જીવના જોખમે કલાકો સુધી શહેરની ગલીઓમાં ભટકતા ફરે છે. છેલ્લા એક મહિનામાં ભારતમાં દર્દીઓ માટેના ઓક્સિજનની માગમાં 600 ટકાનો અચાનક ઉછાળો જોવા મળ્યો છે. સરકાર રાત-દિવસ એક કરી રહી છે પણ આભ ફાટે ત્યાં થિગડાં કેટલા મારવા..!? .સરકાર, ડોક્ટરો અને સમાજના આગેવાનો જ્યારે હાથે-પગે લાગીને વિનંતી કરતા હતા કે માસ્ક પહેરો, સોશ્યલ ડિસ્ટન્સ જાળવો ત્યારે જો સૌએ શિસ્તમાં રહીને વ્યવહાર કર્યો હોત તો હાલત આટલી ખરાબ ન થાત. ખેર આજનો સમય ભૂલ શોધવાનો અને જવાબદાર કોણ છે તે નક્કી કરવાનો નથી, સમયને સાચવીને સમસ્યા દૂર કરવાનો છે. હાલમાં ઓકસીજનની ખેંચ છે, સૌ ઓક્સીજનની વ્યવસ્થા કરવા માટે રડારોળ કરે છે ત્યારે એક વાત જાણી લઇએ કે ઓક્સીજન પ્લાન્ટ પણ જુદી-જુદી રીતે બનતા હોય છે.
આજની ઘડીએ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી ઓક્સિજનને હોસ્પિટલમાં પહોંચાડવાની સૌથી મોટી સમસ્યા છે, ઘણા રાજ્યોમાં 600 થી 1000 કિલોમીટર સુધીનું અંતર કાપીને ટ્રકમાં ઓક્સીજન લઇ જવા પડે છે. જો હોસ્પિટલમાં પી.એસ.એ. પ્લાન્ટ નાખીને ઓકિસજન બનાવાય તો સિલીન્ડર વાળા ઓક્સીજન કરતા સસ્તો પડે છે. એક પ્લાન્ટ કે જે દિવસનાં 24 સિલીન્ડર જેટલો ઓક્સીજન પુરો પાડે તે 33 લાખ રૂપિયાનાં બજેટમાં બની જાય છે અને બે સપ્તાહમાં લગાવી શકાય છે. લગભગ 250 બેડની હોસ્પિટલમાં 40 આઇ.સી.યુ બેડ હોય તો સામાન્ય સંજોગોમાં એક મહિનામાં પાંચ લાખ રૂપિયાનો ઓક્સિજન વપરાય છે. હાલમાં ઓક્સિજન બનાવનારા નિષ્ણાંતો કહે છે કે 250 બેડની હોસ્પિટલોઐ 50 લાખ રૂપિયાનું મુડીરોકાણ કરીને આવા પ્લાન્ટ નાખા જોઇએ. દોઢ વર્ષમાં આ પ્લાન્ટનો રોકાણનો ખર્ચ નીકળી જાય અને ત્યારબાદ હસ્પિટલને કમાણી થવા માંડે છે.
જો કે જ્યારે રિટર્ન ઓ ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ત્યારે શું? કદાચ ત્રણ મહિના પછી કોવિડ-19 કંટ્રોલમાં આવી જાય અને લોકોની ઓક્સીજનની જરૂરિયાત બંધ થઇ જાય તો આ હોસ્પિટલોને ખર્ચો માથે પડે..! આવા સંજોગોમાં પછી હોસ્પિટલોને જે દર્દીને જરૂર ન હોય તેને પણ ઓક્સીજન ચાલુ રાખીને પોતાના ખર્ચા કાઢવા પડશે. એવું પણ કહે છે કે આ પ્રક્રયા દ્વારા ઉત્પાદિત કરાયેલો ઓક્સિજન 93 ટકા પ્યોર હોય છે જ્યારે લિક્વીડ ઓક્સિજન 99 ટકા પ્યોર હોય છે. આવ સંજોગોમાં સરકાર જો સબ્સીડીની કોઇ યોજના ઓફર કરે તો હોસ્પિટલોને આવા પ્લાન્ટ નાખવા પરવડી શકે. ડોક્ટરો કહે છે કે જો કોઇ હોસ્પિટલમાં પ્રાણવાયુનો પુરવઠો 20 મિનીટ બંધ થઇ જાય તો દર્દીનાં પ્રાણ ઉડી જાય..! બેશક માનવજાતને બચાવવા માટે માળખાકિય સુવિધાઓ ઉભી કરવી જ પડે. તેથી જ હવે સરકારે પ્રધાનમંત્રીની ભંડોળમાંથી દેશની 551 સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવાની જાહેરાત કરી છે. જેની ખરીદી સીધી આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ એક સરકારી જાહેરાત છે જેનો અમલ કેટલો ઝડપી થાય તેના ઉપર પણ ઘણો મદાર છે. એમ તો ઓક્ટોબર-20 માં સરકારે 150 ઓક્સિજન પ્લાન્ટ માટે ટેન્ડરો મંગાવ્યા હતા. તથા 201 કરોડ રૂપિયાની જોગવાઇ પણ કરવામાં આવી હતી. ત્યારે પણ પી.ઐસ.એ પ્રક્રિયાથી બનેલા ઓક્સીજન અંગે મુદ્દા ઉભા થયા હતા. વળી નવેમબર-20 પછી ભારતમાં કેસ ઘટવા માંડ્યા એટલે સરકારની પ્રક્રિયા પણ શિથીલ થઇ હતી. આજે આ 150 નાં ક્વોટેશન માંથી 33 પ્લાન્ટ જ કાર્યરત થયા છે.
જો તમામ પ્લાન્ટ ઓપરેશનમાં હોત તો દર મિનીટે 80500 લિટર ઓક્સીજન બનતો હોત અને આજના સંકટમાં ઘણી રાહત થઇ હોત. આ વિલંબમાં માત્ર સરકારનો જ વાંક છે ઐવું પણ નથી. એવું કહે છૈ કે જ્યારે કોન્ટ્રાક્ટરો સરકારી હોસ્પિટલોમાં પ્લાન્ટ લગાવવા ગયા ત્યારે તેમને સ્થાનિક વહિવટદારોનો વિરોધ સહન કરવો પડ્યો હતો. ઘણી હોસ્પિટલોમાં જગ્યા જ નથી એવા બહાના હેઠેળ કામ અટકાવી દેવાયા હતા, જ્યારે હકિકતમાં ઓક્સિજન સપ્લાયરોની લોબી આ કામ અટકાવીને પોતાની મલાઇ ચાલુ રાખવા માંગતા હતા. હવે એવું કહેવાય છે કે 60 પ્લાન્ટ એપ્રિલ-21 નાં અંત સુધીમાં અને બાકીના 80 પ્લાન્ટ મે-21 નાં અંત સુધીમાં કાર્યરત થઇ જશે. આ દાવા ક્યારે હકિકત બને છે તો જોવાનું રહ્યું.આ ઉપરામત હવે ઇફ્કો 30 કરોડ રૂપિયાનાં બજેટ સાથે રાયબરેલી, પ્રયાગરાજ, પેરાદિપ તથા ગુજરાતનાં કલોલમાં એક-એક પ્લાન્ટ શરૂ થશે. જો આ આયોજન સફળ થાય તો જુન-21 થી આ કંપનીઓ પણ ઓક્સીજનનો મોટો જ્થ્થો આપવા માંડશે. આ તમામ વિવાદો વચ્ચે અમુક રાજ્યોમાં સરકાર વિરોધિઓ ફરજિયાત લોકડાઉનની માગણી કરી રહ્યા છે કદાચ આ એજ લોકો હશે જે ગત વષે લોકડાઉનની માગણી ફગાવી દેતા હતા. યાદ રાખો કે પ્રાણવાયુ વિના માણસ રઘવાયો થયો છે પરંતુ પેટનો ખાડો પુરવા રોજી ન મળે તો ગરીબ વર્ગ કેવો ઉચાળા ભરતો હોય છે અને હાઇવે કેવા પગપાળા જતા લોકોથી ઉભરાય છે તે આપણે પ્રથમ લોકડાઉન વખતે જોઇ લીધું છે. શું આ ગરીબ વર્ગને લોકડાઉન પોષાય તેમ છૈ? દેશની ઇકોનોમીને પોષાય તેમ છે?
વધતી બિમારી અને તુટતા શ્વાસ વચ્ચે આજે ભારત અથડાઇ રહ્યું છે. દેશના ઘણા રાજ્યો લોકડાઉન માં છે જે નથી તૈ રાજ્યોમાં કોવિડ-19ના કારણે લોકો ડાઉન છે. આ સ્થિતીનો સ્વીકાર કર્યા વિના છુટકો નથી.