મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી પીજીવીસીએલને મોટી નુકસાની
સૌરાષ્ટ્રમાં 365 ફીડર બંધ, 545 વીજ પોલ ધરાશાયી હાલતમાં : રાજકોટ ગ્રામ્ય અને જામનગરમાં મોટા પ્રમાણમાં અસર
પીજીવીસીએલની યુદ્ધના ધોરણે કામગીરી, એક રાતમાં 75 ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો, 80 ફીડરો ચાલુ કર્યા
અબતક, રાજકોટ : મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી પીજીવીસીએલને મોટી નુકસાની થઈ છે. રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢના 145 ગામોમાં હજુ પણ અંધારપટ્ટ સર્જાયો છે. સૌરાષ્ટ્રમાં 365 ફીડર બંધ થયા છે. સાથે 545 વીજ પોલ ધરાશાયી હાલતમાં છે. રાજકોટ ગ્રામ્ય અને જામનગરમાં મોટા પ્રમાણમાં અસર થઈ છે. જેને લઈને પીજીવીસીએલે યુદ્ધના ધોરણે સમાર કામની કામગીરી હાથ ધરી છે.
ભારે વરસાદને પગલે પીજીવીસીએલને મોટી નુકસાની થઈ છે. જેમાં અત્યારે 145 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયેલો છે. રાજકોટ ગ્રામ્યમાં 23, પોરબંદરના 25, જૂનાગઢના 12 અને જામનગરના 85 ગામોનો સમાવેશ થાય છે. જો કે પીજીવીસીએલે યુદ્ધના ધોરણે કામગીરી કરી ગત રાત્રીના 75 ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરાવ્યો હતો.
સૌરાષ્ટ્રમાં વિવિધ 445 ફીડરો હાલ બંધ હાલતમાં છે. જેમાં રાજકોટ ગ્રામયમાં 9 જ્યોતિગ્રામ, 15 એગ્રીકલ્ચર, મોરબીમાં 34 એગ્રીકલ્ચર, પોરબંદરમાં 6 જ્યોતિગ્રામ, 18 એગ્રીકલ્ચર, જામનગરમાં 28 જ્યોતિગ્રામ, 124 એગ્રીકલ્ચર અને 2 અર્બન, ભુજમાં 1 જ્યોતિગ્રામ, 87 એગ્રીકલ્ચર, અંજારમાં 59 એગ્રીકલ્ચર, બોટાદમાં 9 એગ્રીકલ્ચર અને સુરેન્દ્રનગરમાં 47 જ્યોતિગ્રામ, 396 એગ્રીકલ્ચર અને 2 અર્બન મળી કુલ 445 ફીડર બંધ હાલતમાં હતા. જો કે પીજીવીસીએલે ગત રાત્રીના કામગીરી કરીને બંધ રહેલા 80 ફીડર ચાલુ કરી દીધા હતા.
વધુમાં વીજપોલને પણ વ્યાપક નુકશાન થયું છે. જેમાં રાજકોટ સિટીમાં 8, રાજકોટ ગગ્રામ્યમાં 266, પોરબંદરમાં 41, જૂનાગઢમાં 18, જામનગરમાં 180, ભુજમાં 20, અંજારમાં 10, ભાવનગરમાં 2 મળી કુલ 545 વીજપોલ ધરાશાયી થયા છે.
વીજકર્મીઓએ જીવ સટોસટીના દાવ ખેલ્યા, ક્રેનમાં લટકાઈને ફોલ્ટ રીપેરીંગ!!
કુદરતી આપતિઓ વખતે પીજીવીસીએલની કામગીરી હમેશા પ્રસંશનીય રહી છે. લોકોને વીજળીના અભાવે હાલાકી ન પડે તેટલા માટે વીજકર્મીઓ ફોલ્ટ રીપેરીંગ કરવામાં પોતાની જાનની બાજી પણ લગાવી દેતા હોય છે. તેનું વધુ એક ઉદાહરણ ગોંડલમાં જોવા મળ્યું છે. ગોંડલની ભગવતપરામાં જતી લાઇન રીપેર કરવામાં નદીનો ધસમસતો પ્રવાહ બાધારૂપ બન્યો હતો. ત્યારે ગોંડલના વીજ કર્મચારી ભરતભાઇ સાવલિયાએ જાનના જોખમે ક્રેનમાં લટકાઈને આ ફોલ્ટને રીપેર કર્યો હતો.