કોરોનાના બીજા વેવનો હવે અંત આવી રહ્યો હોવાની સાથે રસીકરણની કામગીરીની બાબતમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ફેલાઈ રહેલી જાતજાતની અફવાઓના કારણે રસીકરણનું વાતાવરણ ડહોળાઈ રહ્યું છે. પરિણામે પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. એક તરફથી ત્રીજા વેવની સંભાવનાનો ખતરો દૂર થયો નથી તો બીજી તરફ વેક્સિનની અછત અથવા તો અણધડ આયોજન પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનાવી રહ્યાં છે. બીજી તરફ વેક્સિન અંગે તેની અસરકારકતા વિશે જેટલા માણસો એટલી વાતો સંભળાતી હોવાથી વાતાવરણમાં અનિશ્ર્ચિતતા ઉભી થઈ રહી છે. અનેક અંધશ્રદ્ધાળુ લોકો અફવાથી દોરાયને વેક્સિનથી દૂર ભાગતા દેખાયા છે. સરકારી તંત્ર હવે આવા અફવાબાજો પર લાલ આંખ કરી રહ્યું છે અને પગલા લઈ રહ્યું છે.
ગઈકાલે અને રવિવારે વડોદરામાં વેક્સિન અંગે જાત-જાતની અફવાઓ ફેલાવા બદલ સયાજીબાગ વિસ્તારમાંથી પોલીસે બે મહિલા સહિત 8 શખ્સોની ધરપકડ કરી લીધી હતી. આ તમામ શખ્સો માસ્ક પહેર્યા વગર એકઠા થયા હતા. અને વેક્સિન વિરોધી ઝુંબેશ શરૂ કરવાની તૈયારી કરી રહ્યાં હતા. ગુજરાતીઓ જાગો અને વડોદરાવાસીઓ જાગો એવા રૂપાળા શિર્ષક હેઠળ આ ટોળકીએ વેક્સિનની વિરુધ્ધ ઝેર ઓકતી રહી હતી અને શહેરભરમાં ઝુંબેશ ચલાવવાની તૈયારી કરી રહી હતી તે પહેલા પોલીસે આ આખી ટોળકીને પકડી લીધી હતી.
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, થોડા મહિનાઓ પહેલા એટલે કે 2021ના પ્રારંભે પણ આ ટોળકીએ વેક્સિનની વિરુધ્ધમાં પત્રીકાઓ વહેંચી હતી એવું ફરી કરવા જઈ રહ્યાં હતા ત્યાં પોલીસે ઉપાડી લીધા હતા. માસ્ક પહેરવાનું પણ આ ટોળકીએ બંધ કર્યું હતું અને લોકોને ભરમાવી રહ્યાં હતા.
આ ટોળકીના તમામ 8 સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ તેમજ ગુનાહિત કાવતરાની કલમો લગાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલી ટોળકી પૈકીના ચાર તો એન્જીનીયર છે છતાં લોકોમાં ભ્રમ ઉભો કરવાની મેલી રમત કરી રહ્યાં હતા. આ ટોળકીના નરેન્દ્ર પરમાર, ચંદ્રકાંત મીસ્ત્રી, વિશાલ ખેરવાણી, કેવલ પાટડીયા, જગવીન્દરસિંગ, ઈરફાન પટેલ, અવની ગજ્જર અને ભુમીકા ગજ્જરને પોલીસે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.