વિરાણી ટ્રસ્ટના તઘલખી નિર્ણય સામે વિરોધનો જુવાળ તેજ
મેદાન વેચવાથી મોટી રકમ મળવાની છે જે બિલ્ડીંગના ખર્ચથી ખૂબ વધુ : માત્ર વિરાણી ટ્રસ્ટે જ નહિ પણ કોર્પોરેશન કે કોઈ સંસ્થાએ પણ શહેરી વિસ્તારમાં પોતાનું ગ્રાઉન્ડ ન વેચવું જોઈએ, જો શહેરનાં ગ્રાઉન્ડ આ રીતે વેચાવા લાગશે તો શહેરીજનોએ કોઈ પ્રસંગ, કાર્યક્રમ કે અન્ય એકટીવીટી માટે શહેરની બહાર જવું પડશે તેવો બિલ્ડર એસો. પ્રમુખનો મત
શહેરની મધ્યમાં આવેલ વિરાણી હાઈસ્કુલની અતિ કિમંતી જમીન ટ્રસ્ટે વેચવા કાઢતા ભારે વિવાદ થયો છે. વિદ્યાર્થી સંગઠને જમીન વેચવા સામે વિરોધ ઉઠાવ્યાબાદ વિરોધનો જુવાળ તેજ બની રહ્યો છે. બિલ્ડર એસો.એ પણ ગ્રાઉન્ડ વેચવા સામે વિરોધ દર્શાવ્યો છે. હજુ પણ બીજા એસોસીએશનો આ જમીન વેચાણ સામે વિરોધ કરે તો નવાઈ નહીં
શામજી વેલજી વિરાણી ટ્રસ્ટે વિરાણી હાઈસ્કુલની ૩૪૧૯૧.૮૭ ચો.મી. જમીનમાંથી ૫૭૩૩.૬૯ ચો.મી.જમીન વેચવા કાઢી છે. આ માટે અપસેટ કિંમત ૫૧.૫૧ કરોડ નકકી કરવામાં આવી હતી અને ટ્રસ્ટને એવી આશા હતી કે જમીન લેવા માટે રીતસર પડાપડી થશે અને જમીનનાં રૂા.૧૦૦ કરોડથી વધુ ઉપજશે. પરંતુ આવું થવાના બદલે વિદ્યાર્થી સંગઠનના વિરોધને ધ્યાને લઈને ટ્રસ્ટની જમીન ખરીદવામાં કોઈએ રસ લીધો ન હતો. અને એક માત્ર ગોપાલભાઈ ચુડાસમાએ જમીનને ખરીદવામાં રસ લઈને ટેન્ડર ભર્યું છે. તેઓએ અપસેટ કિંમતથી માત્ર રૂા.૭૦ લાખ વધુનું ટેન્ડર ભર્યું છે. આમ વિવાદને પગલે ટ્રસ્ટને જમીનનાં પૂરતા ભાવ મળવાના નથી.
શામજી વેલજી વિરાણી ટ્રસ્ટે રીનોવેશન અને બીલ્ડીંગ બનાવવા ટ્રસ્ટને આર્થિક ભંડોળની જરૂરીયાત હોવાનું કારણ દર્શાવીને જમીન વેચવા કાઢી છે જમીન વેચવા સામે વિદ્યાર્થી સંગઠ્ઠને ડો. પુરૂષોતમ પીપળીયાની આગેવાનીમાં સૌ પ્રથમ વિરોધ દર્શાવ્યો છે. બાદમાં હવે બિલ્ડર એસોસીએશને પણ સામે આવીને જમીન વેચવું અયોગ્ય જણાયું છે.
બિલ્ડર એસોસીએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં કહ્યું કે ટ્રસ્ટ ભંડોળ એકત્ર કરવા માટે ડોનેશન લઈ શકે છે. નવા ટ્રસ્ટી ઉમેરી શકે છે. આમ ભંડોળ એકત્ર કરવાનાં અનેક રસ્તા છે. પરંતુ ભંડોળ મેળવવા ગ્રાઉન્ડને વેચવા કાઢવું અયોગ્ય છે. વધુમાં ગ્રાઉન્ડ વેચવાથી ખૂબ મોટી રકમ મળવાની છે. બિલ્ડીંગ માટે આટલી મોટી રકમની જરૂર નથી.
ટ્રસ્ટે પોતાનું મેદાન ન વેચવું જોઈએ. તેઓએ અંતમાં પોતાનું મંતવ્ય જણાવતા કહ્યુંં કે તેઓના મત મુજબ શહેરી વિસ્તારમાં તો કોર્પોરેશને, સંસ્થાએ કે કોઈ ખાનગી પેઢીએ પોતાનું ગ્રાઉન્ડ વેચવું ન જોઈએ જો બધા ગ્રાઉન્ડ શહેરી વિસ્તારમાંથી વેચાઈ જશે તો શહેરીજનોને પ્રસંગ, કાર્યક્રમ કે કોઈ એકટીવીટી કરવા માટે હાલાકી પડશે. તેઓને શહેરની બહાર કોઈ પણ ઈવેન્ટ કે એકટીવીટી ગોઠવવાની ફરજ પડશે અને અનેક સમસ્યાઓ સર્જાશે.