“કુદરતી આપત્તિ કે સામાજીક આંદોલનો-તોફાનોના સમયે પોલીસદળના જવાનો જરા પણ ભેદભાવ વગર સમગ્ર સમાજના સુખ-શાંતિ અને સલામતી માટે ઝઝુમતા હોય છે
કોણ કર્મયોગી-૨
(તળાજા ફોજદાર જયદેવે લખેલ આર્ટીકલ “કોણ કર્મયોગી નું અનુસંધાન)
શ્રી મદ્ ભગવદ્ ગીતાના મુળ શ્ર્લોકોનું કોઈ વ્યકિત જે પરિસ્થિતી જે સમય અને જે સંજોગોમાં ચીંતન કરે તો તે વ્યકિતને તે પ્રમાણે જ જ્ઞાન અને વિચાર આવે જો મુશ્કેલીના સમયે ગીતાજીના શ્ર્લોકોનું ચીંતન કરવામાં આવે તો તે મુશ્કેલીનો ઉપાય અવશ્ય મળે છે તે મહાપુરૂષોનો અનુભવ પણ કહે છે.
આપણે અગાઉ સમતા યોગ અને કર્મયોગની દ્દષ્ટ્રિ એ ભૌતીક રીતે પોલીસદળ કેમ કામ કરે છે. તેની ચર્ચા કરી લીધી. કુરૂક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણએ મહાબાહુ અર્જુનને ગુણાતીત ની દૃષ્ટિએ કર્મ કઈ રીતે કરવુ તે સમજાવેલ હતુ. કુરૂક્ષેત્રમાં યુધ્ધનું કર્મ હતુ તો પોલીસદળનું કાર્ય પણ ગુનેગારો (અસત્ય) સામેનું યુધ્ધ જ હતુુ ને ?
ગુણાતિત:-
ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યુ
- સમ દુ:ખ સુખ: સ્વસ્થ: સમલોષ્ટાશ્મ કાંચન:
તુલ્યપ્રિયા પ્રિયો ધીરસ્તુલ્ય નિન્દાત્મ સંસ્તુતિ: ॥
- માનાપમાન યોસ્તુલ્યસ્તુલ્યો મિત્રારિપક્ષયો:
સર્વારમ્ભ પરિત્યાગી ગુણાતીત: સ ઉચ્ચતે ॥
- નિતાત્મન: પ્રશાન્તસ્ય પરમાત્મા સમાહિત:
` શિતોષ્ણ સુખદુ:ખેષુ તથા માનાપાનયો:
અર્થાત જે સુખદુ:ખને સમાન સમજે છે તેમજ પ્રિય કે અપ્રિયમાં પોતાની નિંદા કે સ્તુતિમાં માન અપમાનમાં અને મિત્ર કે શત્રુપક્ષમાં સમભાવે વર્તે છે. સર્વકર્મેામાં કર્તાપણાના અભીમાનથી રહિત થયેલો છે તે મનુષ્ય ત્રણ ગુણ (સત્વ, રજસ, તમસ) થી પર થયેલો ગુણાતિત કહેવાય છે. જણે સર્વ કાર્યના આરંભનો ત્યાગ કરેલ છેે તે ગુણાતિત છે.
(૧)સમસુખ દુ:ખ :-
જયારે દીવાળી કે અન્ય તહેવારોનો આમ જનતા આનંદ ઉત્સવ મનાવતી હોય છે ત્યારે મેળાઓમાં જનતા પોતાના બાળકો, કુટુંબ સાથે મોજ મનાવતા હંોય ત્યારે પોલીસ જવાન પોતે પોતાના કુટુંબથી દુર હોવા છતા આમ જનતાની સુરક્ષા સેવા માટે કાર્યશિલ હોય છે અને કયારેક આવા ઉત્સવો કે વીવીઆઈપી બંદોબસ્તમાં રોકાયેલ હોય તે દરમ્યાન પોલીસ જવાનના ઘરનું કોઈ સભ્ય બીમાર હોય છતા તેની સારવાર અને દેખરેખ બીજાને સોંપી પોતે પોતાની અગત્યની ફરજ બજાવતો હોય છે. આમ પોલીસે સુખ અને દુ:ખ બંને નો ત્યાગ કરવો જ પડે છે.
(૨) જે સ્વસ્થ છે:-
પોલીસ ખાતામાં જે વ્યકિત સંપુર્ણ તંદુરસ્ત (સ્વસ્થ) હોય તેની જ ભરતી કરવામાં આવે છે અને પછી તાલીમ પણ એવી કઠોર આપવામાં આવે છે કે પછી તે ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ સ્વસ્થ રહી પોતાની ફરજ બજાવી શકે. હવે તો તાલીમ દરમ્યાન પરેડ વિ. ઉપરાંત યોગા અને આસનો વિગેરે તંદુરસ્તીના પાઠો ભણાવવામાં આવે છે જેથી ભવિષ્યે તેનો ઉપયોગ કરી પોતે તંદુરસ્ત રહી શકે અને તેઓ વિપરીત સંજોગોમાં કુદરતી આફ્તો તેમજ સખત ઠંડીમાં રાત્રે અને ખુબ જ ગરમી અને તડકામાં પણ કલાકો સુધી ખડેપગે ઉભા રહી ફરજ બજાવે છે. સતત મુસાફરી પણ કરતા રહે છે. બહારગામ હોય ત્યારે હોટલ ધાબા કે પછી જે મળે તે ખાઈ પી લે અને છતા તંદુરસ્ત રહે !
(૩) વહાલા દવલા:-
કાયદેસરની કાર્યવાહી દરમ્યાન ફરજમાં કેટલીક વખત પોતાના મિત્ર સગા સંબંધી વિરૂધ્ધ પણ ફરીયાદો આવે ત્યારે તેણે જે કાયદેસર હોય તે કાર્યવાહી તો કરવી જ પડે છે. પોલીસ માટે તો ગમે તે રાજકીય પક્ષ ગમે તે જ્ઞાતિ કે વ્યકિત હોય જયારે કાર્યવાહી કરવાની આવે ત્યારે તે કરવી જ પડે છે આમ પોલીસ માટે તમામ સમાન જ છે.
(૪) ધીરજ:-
પોલીસ માટે આ બાબત તો બહુ જ અગત્યની છે. વણશોધાયેલ ગુન્હા શોધવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે. અને તે પણ ધીરજ સાથે ઉપરી અધિકારીઓ, વર્તમાનપત્રો ભલે ટીકાઓ કરે પણ પોલીસ અધિકારીએ ન્યાયીક તપાસ કરવા માટે ધીરજ રાખવી જ પડે છે. અન્યથા કોઈ નીર્દોષને અન્યાય થવાની પુરી શકયતા રહે છે. બંદોબસ્ત દરમ્યાન અખુટ ધીરજથી ભુખ્યા તરસ્યા પણ વીવીઆઈપી તેમના કાર્યક્રમમાં ભલે મોડા આવે પણ પોલીસે તો સુરક્ષા માટે હાલીચાલી શકાતુ નથી ધીરજપુર્વક જગ્યા ઉપર ઉભુ જ રહેવુ પડે છે.
(૫)નિંદા અને વખાણ:-
લોકશાહીમાં જનતા મુકત અભિવ્યકિતના હકકના કારણે ગમે તે અભિપ્રાય કે ટીકા કરે પરંતુ પોલીસદળના જવાનો ખાતાની શિસ્તના નીયમોને કારણે આ ખોટી ટીકાઓના પણ પ્રત્યુત્તર આપી શકે નહી. પોલીસને તો સમાજમાં કાયદેસરની થતી કાર્યવાહી કરવી જ પડે. એક બાજુ ફરીયાદી અને બીજી બાજુ આરોપી, કાયદેસર ની (ન્યાયીક ) કાર્યવાહીને કારણે બે માંથી એક પક્ષ તો નારાજ થવાનો જ ! વળી આ નારાજ થયેલ પક્ષ સાથે સંકળાયેલા રાજકિય પક્ષો, જ્ઞાતિઓ સંગઠનો કેમીડીયા વાળા પણ જો તેમનું ધાર્યુ થાય તો ખુશી અને ન થાય તો નારાજ થઈ ટીકા કરે કે પોલીસ આમ છે તેમ છે વિગેરે પરંતુ પોલીસ શું કરી શકે ?
અનીવાર્ય ફરજો: બદલીઓ, રજાના પ્રતિબંધોને કારણે પોલીસ અધિકારી કેટલીક વખત પોતાના સગા-વ્હાલાના સામાજીક પ્રસંગોમાં જઈ શકેલ ન હોય તો અનેક પ્રકારની ટીકા કે વ્યંગ કે ઘણી વખત અવગણના રૂપી અપમાન પણ તા હોય છતાં તે મક્કમપણે જીવન જીવ્યે જાય છે.
(૬) જેને માન અપમાન સમાન છે:-
ઉપર જણાવ્યા પ્રમાણે કયારેક કોઈ અપમાન કરે ટીકા કરે તે તો ઠીક પરંતુ કેટલીક વખત સત્તાધારી, રાજકીય નેતાઓ પોલીસકર્મીઓને બદલી કરવાની કે પટ્ટા-ટોપી ઉતારી લેવાની ધમકીઓ પણ આપતા હોય છે છતાં પણ પોલીસ દળ તેવી વાતો ગળે ઉતારીને (ગળી જઈને) પોતાની ફરજોમાં જ લાગ્યા રહે છે. અગાઉ જયારે ભાવનગરના મહેન્દ્રભાઈ ત્રીવેદી રાજયના ગૃહમંત્રી હતા ત્યારે તેમણે અમરેલી ખાતે એક મીટીંગમાં જાહેરમાં મંતવ્ય આપેલ કે મારો પોલીસ જવાન કચેરીમાં જાય ત્યાં અધિકારી ખખડાવે અને ઘેર જાય ત્યાં બૈરૂ ખખડાવે (ઠપકો સાથે) તેમ છતા પોલીસ તમામ માન-અપમાન ગળી જઈને સંકટના સમયે જનતા સાથે જ હોય છે.
(૭)મિત્ર અને શત્રુ સમાન:-
જયારે પોલીસ અધિકારી પોતાની ફરજ ઉપર હોય ત્યારે તેના કોઈ ટીકાકાર કે વિરોધી પણ પોલીસ તરીકે તેની મદદ માંગે ત્યારે તે કોઈ ભેદભાવ વગર મદદ કરતા જ હોય છે. ફરીયાદ લેતા હોય છે તેમને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરતા જ હોય છે.
(૮) સર્વ કાર્યોના આરંભનો ત્યાગ કરે છે:-
સામાન્ય રીતે જયારે કોઈ પ્રથમ માહિતી (એફ.આઈ.આર) આપે છે કે કોઈ અપકૃત્ય કે ગુન્હો કરે તે પછી જ પોલીસ કાર્યવાહી કરતી હોય છે. આમ બહારથી કોઈ આરંભ કરે તે પછી જ પોલીસનું કાર્ય શરૂ થતું હોય છે. પોલીસ સામાન્ય રીતે આરંભ કરતી નથી.
ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે
યા નિશા સર્વ ભુતાનાં ; તસ્યાં જાગ્રતિ સંયમી
યસ્યાં જાગ્રતિ ભુતાની ; સા નિશા પશ્યતો મુને: ॥
જયારે સમગ્ર જગતના પ્રાણીઓની રાત્રી હોય છે. ત્યારે સંયમી (યોગી) પુરૂષ જાગતો હોય છે અને જયારે સમગ્ર જગત જાગતુ હોય (દિવસ) ત્યારે આ મુની કે યોગી (અહિં પોલીસ ) તેને રાત્રી જુએ છે એટલે કે સુતા હોય છે. વાસ્તવમાં ભલે પોલીસ જવાનો સાધના કરવા માટે નહી કે જ્ઞાન કે ચીંતન માટે નહી પરંતુ પોતાની રાત્રી ફરજ માટે સખત ઠંડી કે વરસાદમાં પણ રાત્રીના જાગતા હોય છે અને સમય મળે તો દિવસે સુતા હોય છે
ભગવાન આગળ કહે છે
પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે ॥
સજજનોની મદદમાં (બચાવવા) અને દુષ્ટ લોકોના વિનાશ માટે ધર્મની સ્થાપના માટે (પોલીસ બંધારણીય કાયદાના અમલ માટે) હું યુગે યુગે અવતાર ધારણ કરુ છુ. પોલીસ હંમેશા સજજ્નોની મદદમાં હોય છે અને ગુનેગારોને અંદર કરતી હોય છે કેમ કે તેને ધર્મ (કાયદો-બંધારણ)નો અમલ કરવાનો હોય છે.
સન્મીત્રાર્યુદાસીન, મધ્યસ્થ, દ્વેષ બંધુ
સાધુષ્યમિસ્ય પાપેષુ સમબુધ્ધિ વિશિષ્યતે ॥
સહ્રદય મિત્ર કે શત્રુ ; તટસ્થ મધ્યસ્થિ, વિરોધીઓ કે પોતાના બાંધવો કે સજજનો અને પાપીઓમાં પણ સમબુધ્ધિવાળો (મનુષ્ય) શ્રેષ્ઠ છે.
અગાઉ વિભુતીયોગમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે.
દણ્ડો દમયતામસ્મિ
દમન કરનારાઓનો દંડ-શિક્ષા હુ છું. પોલીસ જવાનો સમાજમાં વ્યવસ્થા માટે દંડ ધારણ કરે જ છે.
ગિરામસ્ય મામેક્ષરમ્
એટલે કે વાણીમાં એકાક્ષર પ્રણવં ૐ કાર હુ છું. આપણે તમામ જાણીએ જ છીએ કે
ૐ Has over hundred meaning
one of them is peace for allઅર્થાત્
ૐ કારના સો ઉપરાંત અર્થ છે તે પૈકી એક અર્થ એવો છે કે તમામ માટે શાંતી…(કોઈ ભેદભાવ વગર)
સમાજમાં દરેક વ્યકિત દરેક પ્રકારની શાંતી અને સલામતી ઈચ્છે છે આ શાંતિ પછી પોતાની જાત માટે હોય કે સંપતિની સમલામતી માટે હોય કે પછી કુદરતી આફતો પુર, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડા, અતિવૃષ્ટના સમયે કે પછી જાહેર અશાંતીઓ જેવી કે કોમી તોફાનો અને અન્ય ચળવતો વખતે જયારે મારામારી, આગજની હોય, કફર્યુ લદાયો હોય ત્યારે તમામના જીવ ઉંચા થઈ ગયા હોય ત્યારે લગભગ તમામની દૃષ્ટિ અને અપેક્ષાએ હોય છે કે પોલીસદળ કેટલુ સક્રિય રહેશે. એવા અનેક ઉદાહરણો છે કે પોલીસદળથી નફરત કરતા એવા પદાધિકારીઓ પણ મુશ્કેલી અને સંકટ સમયે પોલીસદળ પ્રત્યે નફરત હોવા છતાં એવા ખ્યાલથી મદદ માટે પોલીસનો પોકાર કરે છે કે આ સંકટમાંથી પોલીસ સિવાય હવે તેને કોઈ નહી બચાવે તેથી પોલીસ પોલીસ એમ બોલીને પોલીસની મદદ માંગે જ છે (જુઓ પ્રકરણ ૧૪૨- સત્તાપરિવર્તન-ચુંટણી)
કુદરતી આપત્તિ કે સામાજીક આંદોલનો-તોફાનો વખતે પણ પોલીસદળના જવાનો સમગ્ર સમાજના સુખ શાંતિ અને સલામતી માટે પોતાનું ધરબાર છોડીને ખાવા-પીવા ઉંઘવાનું પણ છોડીને ગુનેગારો કે કુદરતી આપત્તિ સામે ઝઝુમતા હોય છે અને પોતાની ફરજ ઉપર અડગ હોય છે આમ સમગ્ર બાબતોનું સંકલન કરતા એવુ સમીકરણ બેન છે કે
police for peace & peace for all ૐ એટલે કે બ્રહ્મ આથી એ જાણી શકાય કે પોલીસદળના જવાનો “કર્મયોગી જ કહેવાય.
પીઢ અને જુના લોકો જાણે છે કે ગુજરાત રાજયમાં એવા કેટલાયે બનાવો બન્યા છે જેમાં વિકટ અને વીચીત્ર સંજોગોમાંપણ કુરૂક્ષેત્ર માફક પોલીસ અર્જુનની જેમ કાયદાના શાસન માટે યુધ્ધ કર્યુ છે કાયદાની કડક અમલવારી કાર્યવાહીમાં અનેક પ્રશ્ર્નો ઉદ્ભવ્યા છે કેટલીક વખત તો હુમલા અને અપમાનો પણ થયેલા છે. તો ઘણી વખત રાજકીય રીતે મતરૂપી રોટલા શેકવા માટે અનેક ખોટા કેસો, કાર્યવાહીઓ અને જેલવાસ પણ નીર્દોષ જવાનો અને અધિકારીઓ ઉપર થવા છતા પોલીસ ગીતામાં જણાવેલા સ્થિત પ્રજ્ઞ સ્થિતી મુજબ પોતાની કાર્યવાહી કર્યે જાય છે આથી જ આવા સંજોગો છતા ગુજરાત પોલીસદળનું નામ સમગ્ર દેશમાં ફરજ પરસ્તીમાં પ્રથમ હરોળમાં રહેલુ છે.
ફોજદાર જયદેવનો આ ” પોલીસ સુવેનીયર નો આ આર્ટીકલ આમ તો તમામને ખુબ જ પસંદ પડયો પરંતુ ખાસ બુધ્ધીજીવઓએ જયદેવને અભીનંદન પાઠવ્યા. આથી જયદેવનો કામ કરવાનો ઉત્સાહ પણ ઘણો વધી ગયો.