ગાયના છાણમાંથી રમકડા, મોબાઇલ કેશ, સ્ટેન્ડ, મંદિરો, ગણેશ-લક્ષ્મીની મૂર્તિઓ વગેરેનું સર્જન
અબતક,વારિશ પટ્ટણી
ભૂજ
આત્મનિર્ભર ભારતની પહેલને સમર્થન આપતી એક નવી પહેલ અનેક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં ગાયના ગોબરમાંથી દિવડા બનાવીને પ્રકૃતિની જાળવણી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત ગૌવંશના સંવર્ધન માટે પણ આ વિચાર ખુબ જ યથાર્થ છે.
આ અંગે વધુ માહિતી આપતા ગોબરમાંથી દિવડા ઉપરાંત અન્ય ઉત્પાદ બનાવતા કચ્છના કર્તવ્ય ગૃપના હંસરાજ કીરી જણાવે છે કે, દિપાવલીના પ્રકાશના પર્વની ઉજવણી આપણે સૌ ગૌમાતાના ગોબરમાંથી બનાવેલા દિવડા પ્રગટાવી વાતાવરણને રોગ મુક્ત બનાવીને નવી ઉર્જાનો સંચાર કરીએ. ઉલ્લેખનિય છે કે, ગાયના છાણમાંથી માત્ર દિવા જ નહીં પરંતુ બાળકોના રમકડાં, મોબાઈલ કેસ, સ્ટેન્ડ, મંદિરો, ગણેશ-લક્ષ્મીની મૂર્તિઓ, ઘડાઓ જેવા અનેક ઉત્પાદનો પણ આવી સંસ્થાઓના પરિસરમાં બનાવવામાં આવી રહ્યા છે.
ગુજરાતના કચ્છ પ્રદેશમાં આવી 30 જેટલી સંસ્થાઓ કાર્યરત છે. સૌરાષ્ટ્રમાં પણ 120 થી વધુ સંસ્થાઓ ગાયના છાણના ઉત્પાદનોના વેચાણનો વ્યવસાય સફળતાપૂર્વક ચલાવી રહી છે. જેથી પ્રકૃતિના સંવર્ધનની સાથે ગાયોની જાળવણી પણ થાય છે.