૧૧ સાવજોના મોતથી સફાળુ જાગતુ તંત્ર
એશિયાટીક લાયનોનું હબ ગણાતા ગુજરાતમાં તાજેતરમાં જ દલખાણીયા અને જશાધાર રેન્જમાં ટપાટપ ૧૧ સિંહોના મોતથી તંત્ર જાગૃત થયું છે તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ એશિયાટીક લાયનોના મૃત્યુ અંગેની સ્પષ્ટતા વન વિભાગ પાસેથી માંગી હતી. જેને પગલે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ૬૪ સરકારી ટીમોને ગિરના જંગલમાં રહેલા બિમાર તેમજ નબળા સિંહોની સારવાર માટે મોકલી છે. ઘાયલ થયેલા સાવજોમાં બે સિંહોના મોત બિમારીના કારણે થયા હોવાનું પણ સામે આવ્યું હતું.
ગુજરાત પર્યાવરણ અને વન વિભાગના ચિફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલા સાવજોના દેહના સેમ્પલ પુને સ્થિત નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વિરોલોજીમાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. હાલના આંકડા મુજબ ગિર જંગલમાં ૫૨૩ એશિયાટીક લાયનો છે. જેમાંથી ૧૦૯ નર અને ૨૦૧ માદા છે તો ૧૪૦ સિંહના બચ્ચાઓ છે.
આ અંગે ચિંતા વ્યકત કરતા સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશનના લોકોએ પણ વન્ય જીવન બચાવવા માટેના જરૂરી પગલા લેવાની વાત કહી હતી. જંગલમાં સિંહોની સંખ્યા ઘટી રહી છે જેને પગલે પોલીસી ફ્રેમવર્ક અને સિંહના સંરક્ષણ માટેના જરૂરી કાયદા ઘડવાની તાતી જરૂરી છે.