શહેરમાં સ્વાઈન ફલુનો નવો એક પણ કેસ ન નોંધાતા તંત્રમાં હાશકારો: વાદળછાંયા વાતાવરણમાં રોગચાળાએ માથુ ઉંચકયું
સતત વાદળછાંયા વાતાવરણના કારણે રાજકોટમાં રોગચાળાએ માથુ ઉંચકયું છે. જો કે છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં સ્વાઈન ફલુનો નવો એક પણ કેસ ન નોંધાતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. ડેન્ગ્યુના નવા બે કેસ અને મેલેરીયાના ત્રણ કેસો મળી આવતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આરોગ્ય શાખાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં સામાન્ય શરદી ઉધરસ અને તાવના ૧૭૯, ઝાડા-ઉલ્ટીના ૧૫૨, ટાઈફોઈડના ૫, ડેન્ગ્યુના ૨, મરડાના ૧૬, મેલેરીયાના ૩, કમળાના ૨ અને અન્ય તાવના ૩૧ કેસો મળી આવતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૧૩૩ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૪૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી ૧૪ આસામીને નોટિસ ફટકારવામાં આવી હતી. જયારે મચ્છરની ઉત્પતિ સબબ ૧૨૮ આસામીઓને નોટિસ ફટકારી રૂ૨૦૭૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.