ઉત્તરપ્રદેશના આંગણવાડી કેન્દ્રોમાં ૧૪ લાખ બાળકોની માત્ર કાગળ ઉપર જ નોંધણી

ઉતરપ્રદેશમાં આંગણવાડી કેન્દ્રોમાં મોટો ગોટાળો સામે આવ્યો છે. તપાસ દરમિયાન ૧૪ લાખથી પણ વધુ ભૂતીયા લાભાર્થી બાળકો હોવાનું સામે આવ્યું છે. જેમના નામ માત્ર કાગળો ઉપર જ જોવા મળી રહ્યા છે. આ અંગે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જ જાણકારી આપી છે. મંત્રાલયે જણાવ્યું કે લગભગ ૧,૮૮,૨૫૯ આંગણવાડી કેન્દ્રોમાં ૧૮ લાખ બાળકો જ આ યોજના અંતર્ગત જોડાયા છે.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય પોષણ પરીષદની એક બેઠકમાં ૧.૮૮ લાખ આંગણવાડીઓમાં લગભગ ૧૪.૫૭ લાખ ભૂતીયા લાભાર્થી હોવાનું સામે આવ્યું. ગ્રામીણ બાળ દેખભાળ કેન્દ્ર, આંગણવાડીની સ્થાપના સરકાર દ્વારા છ વર્ષ સુધીની ઉંમરના કુપોષણથી પીડાતા બાળકોનો વિકાસ કરવાનું કામ આંગણવાડીઓને સોંપાયું હતું.

વધુમાં અધિકારીએ જણાવ્યું કે, ભૂતીયા લાભાથીઓનો ગોટાળો લાભાર્થીઓની ગણતરી કરતા સામે આવ્યો. સરકારી આંકડાઓ પ્રમાણે ઉતર પ્રદેશમાં આંગણવાડીમાં કુલ ૧.૦૮ કરોડ બાળકોને સામેલ કરાયા હતા અને આ વર્ષમાં આ કેન્દ્રોમાં ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી કુલ ૨૧૨૬ કરોડ રૂપિયા આપવામાં આવ્યા. અધિકારીએ કહ્યું કે દરેક બાળકના ભોજન પાછળ કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિદિન ૪.૮ રૂપિયા આપવામાં આવે છે. જયારે રાજય સરકાર દ્વારા ૩.૬ રૂપિયા આપવામાં આવે છે. ભૂતીયા લાભાર્થીઓની હકિકત સામે આવતા એવું પણ જાણવા મળ્યું કે ઉતર પ્રદેશમાં એક મહિનામાં ૨૫ કરોડ રૂપિયા બચી શકે છે. આ સ્કીમ પ્રમાણે પ્રતિદિન એક બાળક પાછળ રૂપિયા ૮ ખર્ચ કરાય છે.

અધિકારીના જણાવ્યા પ્રમાણે આંગણવાડીના લાભાર્થીઓ પાછળ ૬૦ ટકા કેન્દ્ર સરકાર દ્વારા જયારે ૪૦ ટકા રાજય સરકાર દ્વારા આપવામાં આવે છે અને આ ભૂતીયા લાભાર્થીઓને પગલે રાજય સરકારને રૂ.૭૦ લાખ પ્રતિદિનનું ભારણ થાય છે. મહત્વનું છે કે આ જ વર્ષે આસામમાં પણ ૧૪ લાખ ભૂતીયા લાભાર્થીઓની ઘટના સામે આવી હતી અને હવે ઉતરપ્રદેશમાં પણ ભૂતીયા લાભાર્થીઓ સામે આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રીએ દરેક રાજયની સરકારોને નિર્દેશ આપ્યો હતો કે એજ બાળકોને આ સ્કીમમાં જોડવામાં આવે જેને ખરેખર ભોજનની આવશ્યકતા છે આમ છતાં ઉતરપ્રદેશમાં ભૂતિયા લાભાર્થીઓનો રાફડો ફાટી નિકળ્યો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.