બોર્ડની પરીક્ષાના વાદળો ઘેરાઈ રહ્યા છે,ત્યારે સમગ્ર વર્ષ દરમિયાન ’પુરુષાર્થ એ જ પારસમણિ’ સૂત્રને આત્મસાત કરી,સુંદર આયોજન સાથે પરીક્ષાને આવકારવા થનગની રહેલા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને અઢળક શુભેચ્છાઓ.
પરીક્ષા એ મેળવેલ જ્ઞાન અને કેળવેલ કૌશલ્યને ઉપયોગમાં લેવાનું માધ્યમ છે.પરમાત્માએ આપણને ત્રણ સબળ સાધનો આપ્યા છે: હૈયું,મસ્તક ને હાથ.ત્યારે આપણે બીજું જોઈએ પણ શું ? પરીક્ષા કોઈ સાવજ દીપડો નથી કે તેનાથી ડરવાનું હોય ! આખું વર્ષ મહેનત કરીને તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો.તમારા માતા-પિતા,વાલી અને શિક્ષકો આ વાતના સાક્ષી છે.તમને એક માર્કનો જવાબ આપવા માટે તમને 2.25 મિનિટ અર્થાત્ લગભગ અઢી મિનિટ જેવો સમય મળશે.હેતુલક્ષી અને ટૂંક જવાબી પ્રશ્નોના જવાબ લખવામાં તો તમારે અઢી મિનિટનો સમય વપરાશે પણ નહીં.આમ જોઈએ તો અઇઈઉ એમ ચાર વિભાગ છે.આ ચાર વિભાગ માટે સમયનું આવી રીતે વિભાજન પણ કરી શકાય.અ વિભાગ 16 માર્કસના હેતુલક્ષી પ્રશ્ન માટે 20 મિનિટ ફાળવી શકાય.એવી જ રીતે ઇ વિભાગના ખૂબ ટૂંકા પ્રશ્નો માટે 40 મિનિટ ફાળવી શકાય.ઈ વિભાગના ટૂંકા પ્રશ્નો માટે 60 મિનિટ ફાળવી શકાય અને ઉ વિભાગના મોટા પ્રશ્નો માટે 60 મિનિટનો સમય ફાળવી શકાય.આમ પ્લાનિંગ મુજબ પેપર લખવાથી પરીક્ષાના ડરનો સવાલ જ ઉદ્ભવતો નથી.વળી મોટા ભાગના વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થતાં હોય છે.માર્ચ 2022ની પરીક્ષાથી બે ગણિત અમલમાં મૂકવામાં આવ્યા છે.બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત.આમ જોઈએ તો પાઠ્યપુસ્તક તો એક જ રાખવામાં આવ્યું છે,પરંતુ વેઇટેજની રીતે અલગ અલગ નામ આપવામાં આવ્યાં છે.આગળ જતાં વિજ્ઞાન ફેકલ્ટીની મેડિકલ બ્રાંચમાં જનાર ઇ ગ્રુપના વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત પસંદ કરવાનું હોય છે,જ્યારે એન્જિનિયરીંગ ફેકલ્ટીમાં જનાર અ ગ્રુપના વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરવાનું હોય છે.બેઝિક ગણિત પાસ થવા માટે સરખામણીમાં અનુકૂળ રહે છે.તેમાં આંકડશાસ્ત્ર, સંભાવના,પ્રમય અને રચના જેવા ચેપ્ટરનું વેઇટેજ વધુ આપવામાં આવ્યું છે,જેથી એવરેજ વિદ્યાર્થી પણ સહેલાઈથી પાસ થઈ જાય.આથી હવે ગણિત વિષયમાં નાપાસ થવાનો ભય ઘટી ગયો છે.સમગ્ર વર્ષ દરમિયાન શીખેલું તમારે માત્ર ત્રણ કલાકમાં રજૂ કરવાનું છે,તો પછી પરીક્ષાના ડર જેવું ક્યાં રહ્યું!
વિદ્યાર્થી મિત્રો ! ઉપર જણાવ્યું તેમ હવે તો પરીક્ષાનું માળખું અને વ્યવસ્થા જ એટલી સરળ બનાવી દીધી છે કે,હવે પરીક્ષા એક ઉત્સવ જેવી બની ગઈ છે.હવે તો નાપાસ થવું પણ અઘરું થઈ પડે એમ છે ! તમારો આત્મવિશ્વાસ વધે એટલા માટે હું તમને ભૂતકાળની પરીક્ષા સિસ્ટમ વિશે થોડી વાત કરવા ઈચ્છું છું.મેં અને મારા સમકાલીન લોકોએ જ્યારે પરીક્ષા આપી,(1972) ત્યારે જિલ્લા મથકે એક જ જગ્યાએ પરીક્ષા કેન્દ્ર હતું.અર્થાત જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો પોરબંદરના વિદ્યાર્થીઓએ પણ જુનાગઢ પરીક્ષા આપવા જવાનું થાય,ઉના અને કોડીનારના વિદ્યાર્થીઓએ પણ જુનાગઢ પરીક્ષા આપવા જવાનું થાય,માંગરોળના વિદ્યાર્થીઓએ પણ જુનાગઢ પરીક્ષા આપવા જવાનું થાય.આવી જ રીતે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ઉપલેટા અને ભાયાવદરના વિદ્યાર્થીઓએ પણ રાજકોટ પરીક્ષા આપવા જવાનું થાય,માળીયા મીયાણાના કે મોરબીના વિદ્યાર્થીઓએ પણ રાજકોટ પરીક્ષા આપવા જવાનું થાય,વીંછિયા અને જસદણના વિદ્યાર્થીઓએ પણ રાજકોટ પરીક્ષા આપવા જવાનું થાય.(ત્યારે જિલ્લાના સીમાંકન નહોતા થયેલા.)આ જિલ્લા મથકની અલગ અલગ શાળામાં નંબર ફાળવેલા હોય તે પેટા કેન્દ્ર પણ શોધવાના.અજાણ્યો જિલ્લો અને અજાણ્યું પરીક્ષા કેન્દ્ર.બીજું,એ સમયે તો પ્રવેશિકા (રીસીપ્ટ)માં પરીક્ષાના બ્લોક નંબરની કોઈ વિગતો જ છાપવામાં આવતી નહોતી.પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા પછી એ બધું જાણવા મળે.જે તે સમયે દરરોજ બે વિષયની પરીક્ષા આપવાની થતી.દરરોજ બપોરે 11 થી 2 અને 3 થી 6 એમ,રોજ બે વિષયની પરીક્ષા આપવાની થતી.બે દિવસ વચ્ચે પણ કોઈ બ્રેક નહોતો.સળંગ પરીક્ષા ચાલે.સોમવારે પરીક્ષા શરૂ થાય અને ગુરુવારે પૂરી થઈ જાય.અત્યારની સિસ્ટમમાં તો જુઓ.દરરોજ એક જ પેપર.બે પેપર વચ્ચે એક કે બે દિવસનો બ્રેક.14 માર્ચે શરૂ થનારી આગામી પરીક્ષા છેક 25મી અથવા 29 મી માર્ચે પૂરી થશે.વચ્ચે કેટલી બધી રજા આવશે.અગાઉથી પૂરતી તૈયારી ના કરી શક્યા હો તો પણ,તમોને પરીક્ષા દરમિયાન તૈયારી કરવાનો પૂરતો અવકાશ મળશે.પરીક્ષા કેન્દ્ર તમારી શાળા કે ઘરની બિલકુલ નજીક આપવામાં આવે છે.તમારી પ્રવેશિકા (રીસીપ્ટ)માં તમારું પરીક્ષા સ્થળ,બ્લોક નંબર,પરીક્ષાની તારીખ અને સમય આ બધું જ પ્રિન્ટેડ હોય છે.નો ટેન્શન ! નો પ્રોબ્લેમ ! પરીક્ષાનું માળખું પણ કેવું સરળ થઈ ગયું છે.ઉત્તરવહીની વિગત ભરવા માટે અને પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવે છે.(આવી કોઈ જોગવાઈ અગાઉ નહોતી.)પ્રશ્નોની વાત કરીએ તો,હેતુલક્ષી 16 માર્કના,ખૂબ ટૂંકા પ્રશ્નો 20 માર્કના,ટૂંકા પ્રશ્નો 24 માર્કના અને ચાર થી પાંચ લીટીના લાંબા પ્રશ્નો 20 માર્કના.કેટલું સરળ થઈ ગયું છે.આમ,હવે 100 માર્ક્સ ને બદલે 80 માર્કની જ પરીક્ષા આપવાની થાય છે.તેમ છતાં સમય તો પૂરો 3 કલાકનો મળશે.આ 80 માર્કસમાંથી તમારે પાસ થવા માટે માત્ર 26 માર્ક જ મેળવવાના થાય છે.બાકી 20 આંતરિક માર્કસ તો તમારી પ્રથમ કસોટી, પ્રિલિમીનરી પરીક્ષા,લેસન બુક, વર્તન અને વ્યાહરના આધારે મૂકવામાં આવે છે.જેમાંથી તમારે પાસ થવા માટે 7 માર્કસ જરુરી હોય છે.આમ કુલ 33 માર્કસ પાસ થવા માટે જરૂરી હોય છે.પરીક્ષાનું આનાથી વધુ સરળ માળખું બીજું કયું હોઈ શકે ? જે તે સમયે હેતુલક્ષી પ્રશ્નો ખૂબ જ મર્યાદિત મૂકવામાં આવતા.ઓપ્સન પણ ખૂબ જ મર્યાદિત આપવામાં આવતા.
પરીક્ષાર્થી મિત્રો ! તમારી પ્રિલિમીનરી પરીક્ષા પૂરી થઈ ગઈ છે.હવે 14મી માર્ચે શરુ થનારી બોર્ડની પરીક્ષા નજીક છે,ત્યારે પ્રેક્ટિસ પેપર (ટેસ્ટ પેપર) લખવાનું શરૂ કરી દીધું હશે.બોર્ડની પરીક્ષા સુધીમાં તમો મુખ્ય વિષયના ત્રણ – ત્રણ પેપર આરામથી લખી શકશો.મિત્રો તમે જ્યારે રૂટ ટેસ્ટ આપો છો,ત્યારે પણ બોર્ડની પરીક્ષાના સમય પત્રકને જ અનુસરજો,અર્થાત ધોરણ 10 ના વિદ્યાર્થીઓ સવારના 10 થી 1:15 મુજબ પરીક્ષા આપે અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ સવારના 10:30 થી 1:45 અને 3 થી 6:15 મુજબ પરીક્ષા આપે.એટલું જ નહીં બોર્ડની પરીક્ષા વખતે તમે જે ખોરાક ખાઈને કે જે લિક્વિડ પીને જવાના હો,એ સિસ્ટમ મુજબ જ રૂટ ટેસ્ટમાં પણ અનુસરજો.જેથી હવામાનની રીતે અને તમારી પ્રકૃતિની રીતે કેવું અનુકૂળ આવે છે,તેની સમજણ આગોતરી થઈ જાય.
મિત્રો ! પેપર લખતી વખતે રાખવી જોઈતી જરૂરી કાળજી માટે થોડી ટિપ્સ તમને આપું છું : પ્રશ્નપત્ર આપવામાં આવે ત્યારે વાંચવા માટે ભલે તમને 15 મિનિટનો સમય અલગ આપવામાં આવતો હોય તો પણ,તમારે આખું પ્રશ્નપત્ર વાંચવાની જરૂર નથી.પ્રશ્નપત્રનું આગોતરું પ્લાનિંગ કરી લો કે,તમારે ઉત્તરવહીમાં કયા ક્રમમાં ઉત્તરો લખવા છે.ઉદાહરણ તરીકે એમસીક્યુના ઉત્તરો સરળ હોવાથી શરૂઆત તેનાથી કરી શકાય.પછી ટૂંક જવાબી ઉત્તરો વગેરે. તમો વધુ સારા આત્મવિશ્વાસથી લખી શકો એવા ઉત્તરોને અગ્રતા આપી શકાય.આમ,તમારા મગજમાં દરેક વિષયના ઉત્તરો લખવાનું ફ્રેમિંગ અગાઉથી કરી રાખો.તમારા હાથમાં પ્રશ્નપત્ર આવે ત્યારે તમે અગાઉથી નક્કી કરેલા ક્રમ મુજબના પ્રશ્નને જ જુઓ,વાંચો અને લખો.બીજા પ્રશ્નો સામે નજર પણ નાખવાની નથી.એટલા માટે કે જો તમે આખું પ્રશ્નપત્ર વાંચશો અને તેમાં કોઈ પ્રશ્ન અજાણ્યો હશે કે ઓછો અદકો આવડતો હશે તો તમે પ્રેસરમાં આવી જશો.એની નેગેટિવ અસર તમારા બીજા પ્રશ્નો ઉપર પડશે.આમ,અગાઉથી નક્કી કરેલ ફ્રેમિંગ મુજબ જ એક પછી એક પ્રશ્ન ઉપાડો,નહીં કે પ્રશ્ન પત્રના ક્રમ મુજબ.લખતાં લખતાં અટકી જવું પડે,કોઈ જવાબ યાદ ન આવે,તો ગભરાયા વિના ઊંડા શ્વાસ લો,સ્વસ્થતા રાખો.તેમ છતાં યાદ ના આવે તો જવાબની જગ્યા છોડી,તમારી સિસ્ટમ મુજબ આગળ વધો.આગળનો જવાબ લખવા માંડો.એવું પણ બનશે કે આ રીતે બીજો જવાબ લખતા લખતા પાછળના પ્રશ્નનો જવાબ યાદ પણ આવી જાય! આવું બને તો ત્યાં જઈને એ જવાબ લખી કાઢો.આમ સમગ્ર પેપર લખાઈ ગયા પછી ફરી વખત પ્રશ્નપત્ર સાથે ઉત્તર પેપર ટેલી કરી જુઓ.બધા જ પ્રશ્નો લખાઈ ગયા છે.અધૂરા મૂકેલા જવાબ પણ લખી નાખ્યા છે.હેતુલક્ષી પ્રશ્નના ઉત્તરમાં માત્ર શબ્દ નહીં લખતાં,આખું વાક્ય લખજો.ઉદાહરણ તરીકે: ભારતનું પાટનગર ———— છે. જવાબ દિલ્હી છે.તો પ્રશ્નનો ક્રમ આપીને માત્ર ’દિલ્હી’ લખવાના બદલે ખાલી જગ્યામાં ’દિલ્હી’ લખીને આખું વાક્ય લખવું જરૂરી છે.આવી જ રીતે ’જોડકાં જોડો’ માં પણ માત્ર ક્રમ અંક મૂકીને જવાબ નહીં લખતા.હવે સમય ઘટવાની તો કોઈ સમસ્યા છે જ નહીં,પછી શા માટે લખવામાં આમ આળસ કરવી ? આમ કરવાથી પરીક્ષક ઉપર તમારી અવળી અસર થાય છે.જે તમને માર્ક મેળવવામાં નુકસાન કરી શકે. કોઈપણ
ઉત્તર લખો,ત્યારે પ્રશ્નને સમજવામાં ઉતાવળ ન કરશો.ઉતાવળા અર્થઘટનથી ખોટા જવાબ લખાઈ જવાના પ્રસંગો બને છે.
મિત્રો ! તમને ડર હશે કે ઓછા ટકા આવશે તો સારી કોલેજમાં પ્રવેશ નહીં મળે.યાદ રાખજો મિત્રો!
કોલેજનું કામ માત્ર પ્રમાણપત્ર આપવાનું છે.બધી જ કોલેજમાંથી મળતા પ્રમાણપત્રની કિંમત સરખી જ હોય છે.ને વળી,માત્ર પ્રમાણપત્રના આધારે થોડી નોકરી મળી જવાની છે ? નોકરી માટે તો અક્કલ, આવડત અને અનુભવ જોવામાં આવે છે.નોકરી માટે તો સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની થશે.તો પછી ભલા આ પરીક્ષાનો ડર શા માટે ?
મિત્રો ! ટકાની ઝંઝટમાં પડતા નહીં.ટકાના ત્રાજવે તો તમોને બહુ તોળ્યા.તમારામાં રહેલા સંસ્કાર, સમજણ, સૌજન્યશીલતા, સાદગી ચારિત્ર્ય, પ્રમાણિકતા, પરિશ્રમ, બહાદુરી, આજ્ઞાંકિતપણું જીવદયા અને અનુકંપા જેવી બાબતોની તો કોઈ કિંમત જ નહીં ? આ સિદ્ધિઓના ટકા નહિ ગણવાના ? જે તમને વારસામાં મળ્યા છે ! અને હા, તમારી માર્કેશીટમાં આ ગુણ મૂકવાનું તો કોઈ ખાનું જ નથી આપ્યું…?….!
ગુજરાતી થાળીના વિવિધ સ્વાદની જેમ જિંદગીમાં દરેક આવડત કામ લાગે છે.માત્ર રિપોર્ટ કાર્ડના ટકા નહીં.વાસ્તવિક જગતમાં પરફોર્મન્સ જોવાય છે,ગુણ જોવાય છે,ગુણાંક નહીં.પરિણામનો ગ્રોસ ટોટલ નહીં.
યાદ રાખજો મિત્રો ! આ પરીક્ષા છેલ્લો પડાવ નથી.આગળના અભ્યાસ માટેના પ્રવેશનું જરૂરી પ્રમાણ પત્ર છે.
પરીક્ષા પ્રમાણિક પણે આપવી.ચોરી કરીને કે કાપલી લઈ જઈને પાસ થવાની લાલચમાં ન પડશો.
એન્જોય કરો. આનંદ કરો. હંમેશા પ્રફુલ્લિત રહો.