પર્યાવરણમાં ફેરફારો, તાપમાનમાં વધારો,વરસાદના કેલેન્ડરમાં પરિવર્તન કપાસ માટે ઘાતક
પર્યાવરણમાં સતત થઈ રહેલા પ્રતિકુળ ફેરફારો અને ગ્લોબલ વોર્મિંગના કારણે ભારત સહિતના કપાસ ઉત્પાદક દેશોમાં કપાસના ઉત્પાદનમાં ભારે ઘટાડો થઈ જવાની શકયતા છે. તાપમાનમાં ફેરફારો, વરસાદના કેલેન્ડરમાં પરિવર્તન અને આકરા સખત હવામાનના કારણે કપાસના ઉત્પાદનને જબરો ફટકો પડવાની શકયતા છે. વિશ્ર્વના કુલ ઉત્પાદન દેશો પૈકીના અડધાથી વધુ ઉત્પાદકોને પર્યાવરણની અસરોના કારણે ફટકો પડવાની શકયતા છે.
સાદા શબ્દોમાં કહીએ તો કપાસના ઉત્પાદનને ફટકો પડ્યો હોવાથી અડધી દુનિયા કપડા વગરની થઈ જશે તેવું કપાસ ઉત્પાદક નિષ્ણાંતો કહી રહ્યાં છે. 2040 સુધીમાં વાતાવરણમાં થનારા ફેરફારો અને હવામાનના રૂખ અંગે એક ખાસ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેના તારણો ચોંકાવનારા રહ્યાં છે. વાતાવરણમાં ફેરફારોના કારણે કપાસના ઉત્પાદન પર મોટુ જોખમ ઉભુ થઈ રહ્યું છે.
ખાસ સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું છે કે, વિશ્ર્વના તાપમાનમાં એકધારો વધારો થઈ રહ્યો છે જેના કારણે કપાસનું ઉત્પાદન થાય છે તે વિસ્તારોમાં વાતાવરણના કોઈપણ એક ફેરફારના કારણે કપાસના ઉત્પાદન પર ખતરો ઉભો થઈ શકે તેમ છે. મોટાભાગના દેશોમાં પર્યાવરણની સુરક્ષા અંગેના સંકલ્પ અને લક્ષ્યાંકોને હજુ સુધી પરિપૂર્ણ કરવામાં આવ્યા નથી. ભારતમાં પણ પર્યાવરણને લગતા કાર્યક્રમો પુરા થયા નથી જેના કારણે સદીના અંત સુધીમાં વિશ્ર્વનું તાપમાન 3 ડિગ્રી વધી જવાની શકયતા છે.
કાર્બનનું પ્રમાણ ઓછુ થાય તો જ આ પરિસ્થિતિમાં ફેરફાર થઈ શકે તેમ છે. જો કાર્બન ઉત્સર્જન ઘટાડી નહીં શકાય તો પર્યાવરણમાં ફેરફારો અને સમગ્ર ઋતુચક્રમાં પ્રતિકુળ ફેરફારો રોકી શકાશે નહીં. સમાજ પર તેની ઘાતક અસરો મર્યાદિત કરવા માટે અત્યારથી જ પ્રયાસો શરૂ કરી દેવા પડશે. વિશ્ર્વની ટેક્ષટાઈલ્સ બજારમાં કાચા માલ તરીકે કપાસનો 31 ટકા જેટલો ઉપયોગ થાય છે. જો કપાસના ઉત્પાદન પર અસર થાય તો વાર્ષિક વૈશ્ર્વિક અર્થતંત્ર પર 600 અબજ ડોલરની પ્રતિકુળ અસર થઈ શકે તેમ છે. વિશ્ર્વના કપાસનું સૌથી વધુ ઉત્પાદન ભારત કરે છે. લગભગ 6 કરોડ લોકોને આ વ્યવસાયમાંથી રોજીરોટી પ્રાપ્ત થાય છે.
4 થી 5 કરોડ લોકોને કોટનના વ્યાપાર અને પ્રોસેસીંગ ઉદ્યોગમાં રોજગારી મળે છે. કપાસનું ઉત્પાદન ભારતમાં મોટાભાગે નાના કદના ખેતરોમાં થતું હોય છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગણામાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન અને પ્રોસેસીંગ થાય છે. પર્યાવરણમાં ફેરફારો માત્ર કપાસને અસર કરે તેવું નથી સમગ્ર કૃષિ વ્યવસ્થા પર તેની ગંભીર અસરો થઈ શકે તેમ છે. એટલે જોખમો નિવારવા માટે પહેલેથી જ અસરકારક પગલા લેવામાં આવે તે જરૂરી છે તેમ વિશ્ર્વભરના કૃષિ નિષ્ણાંતો કહી રહ્યાં છે.