માસીજીના મકાનમાંથી રોકડ અને ઘરેણા મળી રૂ.૧૬.૫૦ લાખની મત્તાનો હાથફેરો કર્યાની કબુલાત
યુનિર્વસિટી રોડ પર આવેલા પૂષ્કરધામ સોસાયટીમાં ચાર દિવસ બંધ રહેલા માસીજીના મકાનને નિશાન બનાવી સાગરીત સાથે રૂ.૧૬.૫૦ લાખની મત્તાનો હાથફેરો કરવાના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે માધાપર ચોકડી પાસેથી ઝડપી તેની પાસે રૂ.૫.૧૧ લાખની રોકડ અને બે મોબાઇલ કબ્જે કર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પુષ્કરદામ સોસાયટીમાં રહેતા ઇમરાન ઇસ્માઇલભાઇ મેતરનો પરિવાર ગત તા.૧૧-૧૧-૧૮ થી તા.૧૪-૧૧-૧૮ દરમિયાન કચ્છ ફરવા ગયા હતા તે દરમિયાન બંધ રહેલા મકાનમાં સોના-ચાંદીના ઘરેણા અને રોકડની ચોરી થયાનું યુનિર્વસિટી પોલીસમાં જાહેર કરાયું હતું. પરંતુ ચોરીમાં પોતાના પરિચીતની સંડોવણી હોવાની શંકા સાથે ઘરમેળે તપાસ કરતા હોવાતી ફરિયાદ નોંધાવી ન હતી. પણ ચોરીની ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.
દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડ કોન્સટેબલ પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, શોકતખાન ખોરમ સહિતના સ્ટાફે બાતમીના આધારે માધાપર ચોકડી પાસેથી ખંભાળીયાના સલાયા ચાર રસ્તા પાસેથી ચંદુ બચુ લુણાવીયા અને અમદાવાદ ચાંદખેડાના અને જામનગર રહેતા રવિ કાનજી ભટ્ટ નામના શખ્સોને ઝડપી લીધા છે.
બંને શખ્સોની પૂછપરછ દરમિયાન ચંદુ લુણાવીયાની માસીએ ઇમરાન સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેને ત્યાં અવાર નવાર જતો હોવાથી ઇમરાન મેતરના મકાનમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યા બાદ રવિ ભટ્ટની મદદથી ચોરી કર્યાની કબુલાત આપી છે. બંને શખ્સોની સંડોવણી અંગે ઇમરાન મેતરના પરિવારને જાણ થતા બંને શખ્સો છેલ્લા કેટલાક સમયથી રાજકોટ આવવાનું ટાળતા હોવાથી ચોરીના ગુનામાં બંનેની સંડોવણીની શંકા વધુ દ્રઢ બન્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની મદદથી બંને શખ્સોને ઝડપી લીધા હતા. બંને શખ્સો પાસેથી રૂ.૫.૧૧ લાખનો મુદામાલ કબ્જે કરી બંનેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.