તસ્કરોને પડધરીમાં છુટો દોર અપાયો હોય તેવો માહોલ
પડધરીમાં તસ્કરોએ ફરી એક દુકાનના તાળા તોડીને રૂ.૧ લાખનાં મોબાઈલ ફોનની તસ્કરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં અડધા ડઝનથી પણ વધુ દુકાન અને મકાનનાં તાળા તુટતા તસ્કરોને પડધરીમાં જાણે છુટો દોર અપાયો હોય તેવો માહોલ સર્જાયો છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ પડધરીમાં મોવૈયા સર્કલ પાસે આવેલી રાધિકા મોબાઈલ શોપને મોડીરાત્રીનાં સમયે તસ્કરોએ નિશાન બનાવીને રૂ.૧ લાખની કિંમતનાં મોબાઈલ ફોનની ચોરી કરી હતી. આ ઘટનાની પોલીસને જાણ કરાતા પોલીસે દર વખતની જેમ આ વખતે પણ નોંધ કરીને આગળની કાર્યવાહી દેખીતી રીતે હાથધરી છે.
નોંધનીય છે કે છેલ્લા દોઢ મહિનાની અંદર તસ્કરોએ પડધરીમાં અનેક સ્થળોએ કળા કરી છે. દોઢ માસ જેટલા ટુંકા સમયમાં તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેંકયો હોય તેમ અડધા ડઝનથી પણ વધુ દુકાનો અને મકાનોના તાળા તોડયા છે. હાલ પોલીસ પેટ્રોલીંગ ઓન પેપર તો બોલે છે પરંતુ તસ્કરોને જાણે છુટો દોર આપી દેવામાં આવ્યો હોય તેવો માહોલ સર્જાયો છે.