ત્રણ સ્થળોએ ગઠિયા મોબાઈલ ઉઠાવી ગયા
જામનગરમાં અલગ-અલગ ચાર સ્થળોએ ચોરીની ફરિયાદ નોંધાતાં પોલીસ હરકતમાં આવી હતી. જેમાં દિવ્યમ પાર્ક ખોડિયાર કોલોનીમાં રહેતા કારખાનેદારનાં મકાનમાં ઘુસી તસ્કરો સોનાનાં દાગીનાં સહિત રૂ.૨ લાખનો હાથફેરો કરી ગયાની ઘટના પોલીસમાં નોંધાઈ છે. જયારે શહેરનાં જુદા-જુદા ત્રણ સ્થળોએ ગઠિયા મોબાઈલની ઉઠાંતરી કરી ગયાનું પ્રકાશમાં આવ્યું છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરનાં દિવ્યમ પાર્ક ૧૧૬ ખોડિયાર કોલોની સંજીવની મેડિકલવાળી શેરીમાં રહેતા કારખાનેદાર રાજેશભાઈ ગીરધરભાઈ રાણીપાએ સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા.૩૦મીનાં પોતે પરિવાર સાથે બહારગામ ગયા હતા.
ત્યારે કોઈ અજાણ્યો ઈસમ મકાનની પાછળની સાઈડથી પ્રવેશ કરી મેઈન દરવાજાનો નકુચો તોડી કબાટનું લોકર ખોલી તેમાં રહેલા રૂ.૧.૯૭ લાખનાં સોનાનાં દાગીના અને રૂ.૮૦૦૦ રોકડા ચોરી ગયાનું જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં સી ડીવીઝન પોલીસ મથકનાં પીએસઆઈ પી.વી.રાણા સહિતનાં સ્ટાફે ઘટનાસ્થળ પર પહોંચી અજાણ્યા ઈસમ વિરુઘ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે.
જયારે જામનગર જીલ્લાનાં ધ્રોલનાં ચામુંડા પ્લોટ ખાતે દુકાનનાં થડા પરથી ગઠિયો મોબાઈલ ઉઠાવી ગયાની પણ ફરિયાદ નોંધાઈ છે. જયારે શહેરમાં રામમંદિર પાસે મેઈન બજાર પંચ અને ધોરીવાવ ગામે બંને સ્થળોએ પણ દુકાનમાંથી ગઠિયો મોબાઈલ ઉઠાવી ગયાનું પોલીસમાં નોંધાયું છે.