અમદાવાદથી સાણંદ બદલી થતા ફરજ પર હાજર થવા ગયા અને પત્ની પિયર જતા તસ્કરોએ રૂ.૧.૪૫ લાખની મત્તાનો કર્યો હાથફેરો
શહેરના એરપોર્ટ રોડ પર આવેલા ગીતગુર્જરી સોસાયટીમાં આરટીઓ ઇન્સ્પેકટરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રિવોલ્વર સહિતની ચીજ વસ્તુનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગીત ગુજરી સોસાયટી શેરી નંબર ૧માં મંજુલ નામના મકાનમાં રહેતા આરટીઓ ઇન્સ્પેકટર અમર જયંતકુમાર વ્યાસના બંધ મકાનના દરવાજાના તસ્કરોએ તાળા તોડી તિજોરીમાંથી રિવોલ્વર, કારતુસ, ઘરેણા અને રોકડ મળી રૂ.૧.૪૫ લાખની મત્તા ચોરાયાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
અમરકુમાર વ્યાસ અમદાવાદ આરટીઓમાં ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે તેઓની સાણંદ ખાતે બદલી થતા તેઓ સાણંદ ખાતે હાજર થવા માટે ગત તા.૯મીએ ગયા હતા જ્યારે તેમના પત્ની પિયર આટો દેવા ગયા હતા ત્યારે બંધ રહેલા મકાનના દરવાજાના તાળા તુટેલા હોવાથી કામવાળી મહિલાએ ફોન કરી અમરકુમાર વ્યાસને જાણ કરી હતી.
મકાનમાં ચોરી થયાની જાણ થતા અમરકુમાર વ્યાસ સાણંદથી રાજકોટ આવ્યા બાદ તિજોરીમાં તપાસ કરતા રિવોલ્વર, કારતુસ, સોનાનું મંગલસુત્ર, બ્રેસલેટ, લેપટોપ અને રોકડ મળી રૂ.૧.૪૫ લાખની મત્તા ચોરી થયાનું ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. આર.એસ.પટેલ સહિતના સ્ટાફે ગુનો નોંધી સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથધરી છે.