અબતક, દર્શન જોશી
જુનાગઢ
વિસાવદર ખાતે કારખાનામાં થયેલા હીરા ચોરીનો ભેદ પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી ગણતરીના દિવસોમાં ઉકેલી પાંચ આરોપીઓને ૧૯૩૧ હીરા તથા અન્ય ચોરીના સાધનો મળી કુલ રૂ. ૬,૧૫,૫૮૦ નો મુદ્દામાલ કબજે કરી, રાજ્યના લાખો રૂપિયાની હીરા ચોરીના ૩ ગુનાનો ભેદ જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો છે.
૧૭૮૨ હિરા અને રોકડ મળી કુલ રૂ . ૬.૧૫ લાખો મુદામાલ કબ્જે
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા ભાષણ શેટ્ટીએ પત્રકારોને આપેલી માહિતી મુજબ વિસાવદરમાં પરસોત્તમભાઈ ગાડુભાઈ વિરડીયાના ખોડીયાર ડાયમંડ નામના હીરાના કારખાનેથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ રૂ. ૪,૨૪,૯૫૧ ની કિંમતના હીરા નંગ ૧,૭૮૨, હીરા નો વજન કાંટો તથા રોકડા રૂપિયા ૭૩ હજાર મળી કુલ રૂ. ૫,૧૫,૯૫૧ ની ચોરી થઇ હોવની વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.જે અનુસંધાને જુનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાના સુપરવિઝન હેઠળ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આઇ. ભાટી તથા પીએસઆઈ ડી.જી. બડવા તથા વિસાવદરના પીઆઇ. એન.આર. પટેલ તથા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ સુધી પહોંચવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.
દરમિયાન બનાવ સ્થળની આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ સેલ તથા ખાનગી બાતમીદારો મારફત ચોક્કસ હકીકત મળેલ કે, આ ચોરીમાં એક રીક્ષાની સંડોવણી હતી ત્યારે રિક્ષાના માલિક અંગે પોકેટ કોપ એપ્લિકેશનથી તપાસ કરતા વાહન માલિક મળી આવેલ અને આ રીક્ષા ચલાવતા રાજકોટના સંજય હીરાભાઈ ભરવાડ રિક્ષા સહિત જૂનાગઢની ભેસાણ ચોકડીએ હોવાનું જાણમાં મળતા પોલીસ વોચ દરમિયાન રીક્ષા ચાલક સહિત કુલ પ ઇશમો રીક્ષા માંથી મળી આવ્યા હતા અને પાંચેય શખ્સોને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ હતા.
આ શખ્સો પોલીસ તપાસ દરમિયાન કરતાં પોલીસ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશનમાં તપાસ કરતા વેરાવળ સાપુરનો પરેશ હીરા મંગળપરા, રાજકોટનો સુરેશ રમણીકભાઈ વડગામા, સાપર વેરાવળનો ભાસ્કર રામભાઇ મકવાણા તથા સાપર વેરાવળનો હિતેશ પ્રદીપભાઈ દાસાણી હોવાનું અને આ ઈશામો વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં હીરાની ઘરફોડ ચોરી, મારામારી, જાલી નોટ સહિતના ગુન્હાહિત ઇતિહાસ મળી આવતા પોલીસ દ્વારા યુંક્તિ પ્રકૃતિથી પૂછપરછ કરતાં તમામ શખ્સો ભાંગી પડ્યા હતા અને તેમણે વિસાવદરની હીરા ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
આ સિવાય આ પાંચે ઈસમોએ અમરેલી જિલ્લાના કુકાવાવ તથા સુરેન્દ્રનગરના ભાંભર મુકામે પણ લાખોની હીરા ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. જિલ્લા પોલીસ વડાના વધુમાં જણાવ્યા અનુસાર, પકડાયેલા શખ્સોમાં પરેશ હીરાલાલ મંગળપરા સામે રાજકોટ, ઉપલેટા, ભાવનગર, વલસાડ, સુરત, ગીર સોમનાથના ઉના પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આ શખ્સો પાસેથી રૂ. ૩.૭૧ લાખના હીરા નંગ ૧૯૩૨, હીરાનો વજન કાંટો, ૭ મોબાઇલ, ૧ રીક્ષા તથા રોકડા રૂ. ૫,૫૮૦ મળી કુલ રૂ. ૬,૧૫,૫૮૦ નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.