સીસીટીવી ફુટેજના આધારે મળી મહત્વની સફળતા: સાગરીતની શોધખોળ: 5 લાખનો મુદામાલ કબ્જે
અબતક,રાજકોટ
શહેરના જાગનાથ પ્લોટમાં તબીબના બંધ ફલેટમાંથી એક સપ્તાહ પૂર્વે થયેલી રૂા.20 લાખની ચોરીના ગુનાનો પ્ર.નગર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ભેદ ઉકેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા જૂનાગઢના રીઢા તસ્કરને રૂા.5 લાખના મુદામાલ સાથે ઝડપી લીધો છે. રીઢા તસ્કરના સાગરીતની પોલીસે શોધખોળ હાથધરી છે.
જાગનાથ પ્લોટ શેરી નંબર 1માં આવેલા રાજ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને પીડીયુ મેડિકલ કોલેજમાં 23 વર્ષથી લેકચરર તરીકે ફરજ બજાવતા ડો.સેજુલભાઇ કાંતીલાલ પટેલ ગત તા.27 ડિસેમ્બરે અમરેલી સાસરે ગયા હતા અને યુ.કે.થી આવેલા માતા-પિતા અને બેગ્લોરથી આવેલો નાનો ભાઇ પોતાના વતન ધોરાજી ગયા હોવાથી ત્રણ દિવસ દરમિયાન બંધ રહેલા ફલેટમાંથી સોનાના ઘરેણા, રોકડ અને બ્રિટીશ પાઉન્ડ મળી આશરે રૂા.20 લાખની મત્તાની ચોરી થયાની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
પ્ર.નગર પી.આઇ. એલ.એલ.ચાવડા, પી.એસ.આઇ. કે.ડી.પટેલ, એએસઆઇ સંજયભાઇ દવે, મહાવીરસિંહ જાડેજા અને અશોકભાઇ હુંબલ સહિતના સ્ટાફે જાગનાથ પ્લોટની આજુ બાજુના રહીશો અને દુકાનના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતા તા.27મીએ રાતે સફેદ કલરના એક્ટિવા પર આવેલા બે શખ્સોએ ચોરી કરી હોવાનું અને એક્ટિવા માલવીયા ચોક, ગોંડલ ચોકડી, માલધારી ફાટક થઇ કોઠારિયા સોલવન્ટ પાસે આવેલી સિતારામ સોસાયટી સુધી ગયું હોવાથી ચોરીના ગુનામાં સિતારામ સોસાયટીનો રહીશ હોવાની દ્રઢ શંકા સાથે તપાસ શરૂ કરી હતી તે દરમિયાન ગઇકાલે સફેદ કલરના એક્ટિવા પર એક શખ્સને શંકાસ્પદ રીતે પસાર થતો હોવાથી પોલીસે તેનો પીછો કરી ગોંડલ રોડ પર શિવ હોટલ પાસેથી મુળ જૂનાગઢના નવતની અને સિતારામ સોસાયટીમાં રહેતા ડાડા ઉર્ફે ઇકબાલ મામદ ઉર્ફે મહંમદ ઠેબાને ઝડપી પૂછપરછ કરતા તેને જાગનાથ પ્લોટમાં ચોરી કર્યાની કબુલાત આપી છે.
ડાડા ઉર્ફે ઇકબાલ ઠેબા પાસેથી રૂા.1.50 લાખ રોકડા, 1680 પાઉન્ડ, રૂા.1.10 લાખની કિંમતનો સોનાનો ઢાળીયો, એક્ટિવા, ચાંદીની લક્કી, ચાર કેમેરા, મોબાઇલ, 10 ઘડીયાળ અને બ્લુટુથ મળી રૂા.5 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. જ્યારે બાકીનો મુદામાલ તેની સાથે ચોરીના ગુનામાં સંડોવાયેલા હિરેન ઉર્ફે નિતિન લઇ ગયો હોવાની કબુલાત આપી છે.
ડાડો ઉર્ફે ઇકબાલ સામે જૂનાગઢમાં લૂંટ, ચોરી અને તડીપારના 21 જેટલા ગુના નોંધાયા છે. જ્યારે હિરેન ઉર્ફે નિતિન પણ જૂનાગઢમાં એક ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો હોવાનું બહાર આવ્યું છે.
ડાડો ઉર્ફે ઇકબાલે રાજકોટમાં વધુ ચોરી કરી હોવાની શંકા સાથે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.