- અહી ભગવાન પણ સુરક્ષીત નથી !!
- મંદિરોમાં ચોરીની ઘટનામાં રૂ.4,93,72,247નો મુદામાલ ચોરાયો: રાજય સરકાર પર કોંગ્રેસના આકરા પ્રહારો
ગુજરાતમાં સામાન્ય નાગરિકની વાતતો એક બાજૂ રહી ભગવાન પણ સુરક્ષીત નથી. રાજયમાં છેલ્લા ત્રણ વર્ષમાં 501 મંદિરોમાં ચોરી થઈ છે. જેમાં આભુષણ અને રોકડ રકમ સહિત રૂ.4,93,72247ના મુદામાલને તસ્કરો ઉઠાવી ગયા છે. મંદિરોમાં થતી ચોરી અટકાવવા તાત્કાલીક અસરથી ટાસ્ક્ફોર્સની રચના કરવાની માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોરી, લૂંટ-ધાડના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છે ત્યારે હિન્દુત્વની દુહાઈ દેતી ભાજપ સરકારમાં મંદિરો-ભગવાનો પણ સલામત ન હોવાની વિગતો સાથે ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કરે જણાવ્યું હતું કે કરોડો ગુજરાતીઓના આસ્થાનું સ્થાન શક્તિપીઠ પાવાગઢ સહીત રાજ્યના અનેક ધાર્મિક સ્થાનોમાં ચોરી-લુંટ-ધાડની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં માત્ર રહેણાંક-વ્યવસાયિક વિસ્તારો જ બેફામ પણે ચોરી- લુંટ-ધાડને ચોરો ટાર્ગેટ કરે છે પણ હવે તો મંદિરોમાં પણ બેફામ પણે લુંટ-ચોરીની ઘટનાઓ બની રહી છે. હિન્દુત્વની દુહાઈ દેતી સરકાર મંદિર-ભગવાનને પણ સલામતી આપવામાં નિષ્ફળ પુરવાર થઇ રહી છે. ગુજરાતમાં છેલ્લા ત્રણેક વર્ષમાં મંદિરોમાંથી ચોરીમાં કુલ રૂા.4,93,72,247ની રોકડ રકમ અને મુદામાલની ચોરી ભાજપ સરકારમાં થઈ છે. ગુજરાતમાં વર્ષ 20-21માં 151 મંદિરોમાં, વર્ષ 21-22માં 178 મંદિરોમાં અને વર્ષ 22-23માં 172 એમ કુલ મળીને 501 ચોરીની ઘટનાઓ બની છે. હથિયાર સાથે ધાડની પણ પાંચ ઘટનાઓ બનેલ છે જે અત્યંત ચિંતાજનક બાબત છે. અને સરકારના સલામતના મોટા મોટા દાવાની પોલ છતી કરે છે.
ગુજરાતના નાગરીકોના આસ્થાના પ્રતિક એવા મંદિરોમાં થઇ રહેલી લૂંટ ધાડ-ચોરીની ઘટના માત્ર મંદિરોમાં સીસીટીવી લગાવી સુરક્ષાની સાંત્વના સરકાર આપી રહી છે. ભગવાનના નામે રાજનીતિ કરતી ભાજપ માત્ર મતનું તરભાણું ભરાયની ચિંતા કરે છે? નવરાત્રીના પાવન પર્વમાં પણ બહેન-દીકરીઓ પર થતા બળાત્કાર,વ્યાજખોરો-બુટલેગરો બેફામ,ખુલ્લેઆમ દારૂ-ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે ત્યારે ગુજરાતની સુરક્ષા ભગવાન ભરોસે છે. રાજ્યમાં પ્રજાની સુરક્ષા-સલામતી સાથે સબ સલામતના દાવો કરતી ભાજપ સરકારના રાજમાં વાસ્તવિકતા કંઇક જુદી જ છે. ગુજરાતમાં પોલીસ કર્મીઓની મોટા પાયે ઘટ છે પોલીસકર્મીઓની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછી છે ત્યારે નાગરીકોની સુરક્ષા-સલામતી માટે ચુસ્ત વ્યવસ્થાપન માટે સત્વરે ભરતી કરવામાં આવે, ગુજરાતના તમામ નાના મોટા મંદિરોની સુરક્ષા વધારવામાં આવે અને મંદિરની સુરક્ષા માટે સ્પેશીયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.