કોમ્પ્યુટર ઓપરેટરોએ રાત્રે ૩ વાગ્યા સુધી પ્રધાનમંત્રી સન્માનનિધિ યોજનાની કામગીરી કરી હોવાથી ચાલુ શનિવારે રૂટીન કામ ખોરવાયું
ઝોનલ કચેરીમાં માત્ર મેન્યુઅલ કામગીરી જ ચાલુ હોવાથી રજા જેવો માહોલ સર્જાવા પામ્યો છે. ગત રાત્રે ૩ વાગ્યા સુધી કોમ્પ્યુટર ઓપરેટરોએ પ્રધાનમંત્રી સન્માનનિધિ યોજનાની કામગીરી કરી હોવાથી આજે ચાલુ શનિવારે ઝોનલ કચેરીનું રૂટિન કામકાજ ખોરવાઈ ગયું હતું.
હાલ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી સન્માનનિધિ યોજનાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તા.૧૭ સુધીમાં પ્રધાનમંત્રી સન્માનનિધિ યોજનાની અરજીની કાર્યવાહી પૂર્ણ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેના પગલે વહિવટી તંત્રના કર્મચારીઓ રાત-ઉજાગરા કરીને ઉંધા માથે થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી સન્માનનિધિ યોજનાનું ફોર્મ ભરવામાં દિવસે સર્વરની તકલીફ રહેતી હોવાથી તંત્ર દ્વારા ફોર્મ ભરવા માટે રાતનો સમય પસંદ કરવામાં આવ્યો છે. અગાઉ કર્મચારીઓ અને અધિકારીઓએ રાતભર જાગીને અરજીની કાર્યવાહી કરી હતી ત્યારે ફરી ગતરાત્રે પણ ૩ વાગ્યા સુધી કર્મચારીઓએ જાગીને ઝોનલ કચેરી ખાતે અરજીની કાર્યવાહી કરી હતી.
ઝોનલ કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરોએ ગતરાત્રે મોડે સુધી કામ કર્યું હોવાથી આજે ચાલુ શનિવારે રૂટિન કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. ફકત મેન્યુઅલ કામગીરી જ ચાલુ રાખવામાં આવી હતી. કોમ્પ્યુટર ઓપરેટરોની ગેરહાજરીમાં માત્ર મેન્યુઅલ કામગીરી જ ચાલી રહી હોવાથી ઘણા અરજદારોને આજે ધકકા પણ થયા હતા.