અશોક થાનકી, પોરબંદર: શહેરના એક યુવાને પેટ્રોલના બદલે પાણીથી ટુ વ્હીલર વાહન ચાલે તેવી કીટ બનાવી હોવાનો દાવો કયો છે. જેમાં મેટલ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરી પાણીને ગેસમાં પરિવતર્તિ કરી, બાઈક સ્ટાર્ટ કરી આ યુવાને ડેમો પણ બતાવ્યો હતો. પોરબંદરમાં રહેતો ભાવિન અશ્વનિભાઈ જોગીયા નામનો બાવીસ વષીય યુવાન બીએસસી ફિઝિક્સ સુધીનો અભ્યાસ ધરાવે છે. આ યુવાનને તેના મામાએ એક વિચાર આપ્યો હતો કે પાણીથી બાઈક ચાલે તેવી કીટ બનાવી શકાય. જેથી આ યુવાને જહેમત ઉઠાવી બાઈકમાં પાણીથી એન્જીન ચાલી શકે તેવી કીટ બનાવી છે.
બાઈકમાં પેટ્રોલની જરૂર ન પડે અને પાણીથી બાઈક ચાલે તેવી કીટ આ યુવાને તૈયાર કરી હોવાનો દાવો કયો હતો. જેમાં મેટલ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને પાણીને ગેસમાં પરિવતર્તિ કરી શકાય તેવી આ કીટ છે જે ટુ વ્હીલર વાહનમાં ફિટ કરવામાં આવતા જેમ પેટ્રોલ, ડીઝલ, એલપીળ, અને સીએનજીથી વાહન ચાલે તેમ આ કિટથી પણ શુઘ્ઘ પાણીથી બાઇક ચલાવી શકે છે તેવો ડેમો આ યુવાને બાઇકમાં બતાવ્યો હતો. જેમાં બાઈકના એન્જીનમાંથી પેટ્રોલ અને ગેસની નળી કાઢીને પોતે બનાવેલી કીટ ફિટ કરી પાણી નાખી બાઇક સ્ટાર્ટ કર્યું હતું.
ભાવીનએ જણાવ્યું હતું કે સરકાર પાણીથી બાઇક ચાલે તે માટે મંજૂરી આપે નહિ. એટલે પચાસ ટકા ફ્યુઅલ કેપેસિટી વધારનાર હાઈબ્રીડ કીટ બનાવવી પડે. આ યુવાને છ માસ પહેલા કીટ બનાવી ટ્રાય કરી હતી પણ બાઇક શરૂ થયું ન હતું. બાદ છ માસ દરમ્યાન આ યુવાને પચાસ વખત કેમિકલ, અલગ અલગ મેટલ ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોલાઈડમા પ્રયોગ કરી જહેમત ઉઠાવી આ કીટ બનાવી હતી. અને આ પ્રયોગ સફળ રહ્યો હોવાનું પણ આ યુવાને જણાવ્યું હતું.