અબતક, રાજકોટ

પદવીદાન સમારોહ સ્નાતક થઈ રહેલા વિદ્યાર્થીના જીવનનાં રૂપાંતરણનો મહત્વનો આયામ છે.  વ્યક્તિ જીવનભર કઇંક ને કઇંક શીખતી રહે છે.  જ્ઞાન અને કૌશલ્યમાં વૃધ્ધિ કરતાં રહીને વિદ્યાર્થી જીવનનાં ઉચ્ચત્તમ લક્ષ્યને પામવા સજ્જ થતો રહે છે. ઉચ્ચ શિક્ષણનાં સંસ્થાનો વિદ્યાર્થીનાં વ્યક્તિત્વને નવો ઘાટ આપે છે. આ યુવાશક્તિ દેશની તાસીર અને તસ્વીર છે. એવો અભિપ્રાય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મીય યુનિવર્સિટીના દ્વિતીય દીક્ષાંત સમારોહ માટે પાઠવેલા સંદેશમાં વ્યક્ત કર્યો હતો.

જ્ઞાન અને કૌશલ્યની જુગલબંધી સફળતાની પ્રથમ શરત છે : વિનયકુમાર સક્સેના આત્મીય યુનિ.નો દ્વિતીય દીક્ષાંત સમારોહ યોજાયો

આત્મીય યુનિવર્સિટીના મુદ્રાલેખ સુહ્રદમ સર્વ ભૂતાનામ્નો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ તેને આત્મસાત કરીને દરેકના નિ:સ્વાર્થ મિત્ર બની વંચિતોની આશાઓ પૂરી કરવા વિનમ્રતાથી તત્પર રહેવા  વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું છે.  આ દીક્ષાંત સમારોહ વિદ્યાર્થીઓ, તેમના પરિવાર અને યુનિવર્સિટી માટે અવિસ્મરણીય બની રહે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ અને સમૃધ્ધ બને તેવી શુભકામનાઓ પ્રધાનમંત્રીએ સંદેશના અંતમાં વ્યક્ત કરી હતી.

આત્મીય યુનિવર્સિટીના આ દ્વિતીય દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન વિનયકુમાર સક્સેનાએ ઉપસ્થિત રહીને દીક્ષાંત પ્રવચન આપ્યું હતું.  તેમણે જ્ઞાન અને કૌશલ્યની  જુગલબંધીને સફળતા માટેની પ્રથમ શરત ગણાવી હતી.  વિદ્યાર્થીઓ રોજગારી પ્રાપ્ત કરવાને બદલે રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય રાખે તે આજના સમયની જરૂરિયાત છે.  આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકર કરવા આ અભિગમ જરૂરી છે.

યોગી ડિવાઇન સોસાયટીના અધ્યક્ષ  પ્રેમસ્વરૂપ સ્વામીજીએ આ પ્રસંગે પાઠવેલા વિડીયો સંદેશમાં કહ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીજી મહારાજ જેવા પ્રભુના ધારક સંતના આશીર્વાદથી ચાલતી આત્મીય યુનિવર્સિટીમાં તમને અભ્યાસ કરવાની તક મળી એટલે જીવન નિર્વાહની સાથે જીવનનિર્માણ પણ થયું.  શિક્ષણની સાથોસાથ સંસ્કાર મળ્યા.  અત્યારે તમને કદાચ ખ્યાલ નહીં આવે,  પણ જીવનમાં જ્યારે એવા સંજોગો ઊભા થશે ત્યારે આ સંસ્કારો તમારી રક્ષા કરશે તે ચોક્કસ છે.  આત્મીય યુનિવર્સિટીના અધ્યક્ષ  ત્યાગવલ્લભ સ્વામીએ દીક્ષાંત સમારોહમાં સંબોધન કરતાં કહ્યું હતું કે, વ્યક્તિથી સમષ્ટિ સુધી સહુ માટે શ્રેયસ્કર હોય તેવી શિક્ષણ પ્રણાલી આત્મીયની વિશેષતા છે.

નવી શિક્ષણ નીતિ -2020, સ્થાયી વિકાસ લક્ષ્ય -2030, ભારતીય જ્ઞાન પ્રણાલી તેમજ શૈક્ષણિક અને ઔદ્યોગિક માનક સંસ્થાનોની ભલામણો પ્રમાણે વિદ્યાર્થીઓમાં જ્ઞાન સાથે કૌશલ્યનો વિકાસ થાય તેવો અભિગમ આત્મીય યુનિવર્સિટીમાં અપનાવવામાં આવ્યો છે.  પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ પરિવર્તનના વાહક, સ્થાયી વિકાસના સાધક, શાંતિદૂત તેમજ સત્ય અને ન્યાયના પૂજક બનીને નવી પેઢી માટે આદર્શ રચશે તેવી શ્રધ્ધા તેમણે વ્યક્ત કરી હતી.  આ દીક્ષાંત સમારોહમાં કુલ 1328 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

જેમાં 960ને સ્નાતક, 310ને અનુસ્નાતક અને 58ને ડિપ્લોમા એનાયત થયેલ.  જુદીજુદી વિદ્યાશાખાના  કુલ બાવીસ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.   સમારોહના પ્રારંભે કુલપતિ ડો. શિવકુમાર ત્રિપાઠીએ વર્ષ દરમિયાનની ગતિવિધિઓ અને ભવિષ્યનાં આયોજનોની રૂપરેખા આપવાની સાથે સ્વાગત ઉદબોધન કર્યું હતું.  આભારદર્શન કુલસચિવ ડો. દિવ્યાંગ વ્યાસે કર્યું હતું.  આ પ્રસંગે પ્રો. સમીર વૈદ્ય,  વિવિધ ફેકલ્ટીઝના ડીન, પ્રો-ચાન્સેલર ડો. શીલારામચંદ્રનાં માર્ગદર્શનમાં વાઇસ ચાન્સેલર ડો. શિવકુમાર ત્રિપાઠી, રજીસ્ટ્રાર પ્રો. ડી.ડી. વ્યાસ, ડે. 2જીસ્ટ્રાર ડો. આશિષ કોઠારી, નાયબ પરીક્ષાનિયામક ડો. હિતેન્દ્ર દોંગા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.