યુપીની પોલીસે સ્થાનિક પોલીસની મદદથી યુવતીને પરિવારજનોને સોંપી : યુવકની ધરપકડ
સોશિયલ મીડિયા દ્વારા ઉત્તર પ્રદેશના ઇટાવાની યુવતી જૂનાગઢ ખાતેના યુવકના પ્રેમમાં પડેલી અને ત્યાથી કંઈપણ વિચાર કર્યા વિના પોતાના પ્રેમીને મળવા, પોતાનું ઘર છોડીને ગુજરાતના જૂનાગઢમાં આવીને પોતાના પ્રેમી સાથે રહેવા લાગેલાની ઘટના હાલના યુવાન યુવતી તથા તેના માતપિતા કુટુંબના સભ્યો માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થયેલ છે.
ઉત્તરપ્રદેશ રાજ્યના ઇટાવા, રતન નગર ખાતે રહેતા સુંદરસિંગ યાદવની ૨૧ વર્ષીય પુત્રી રીંકી પોતાના ઘરેથી કોઈને કહયા વગર નીકળી જતા, સુંદરસિંગ યાદવ દ્વારા ઇટવા પોલીસ સ્ટેશન ખાતે પોતાની દીકરી રીંકીના અપહરણ અંગે ફરિયાદ કરવામાં આવેલ હતી, જેની તપાસ યુ.પી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવતા ટેક્નિકલ સોર્સ આધારે માહિતી મળેલ કે, અપહૃત યુવતી રીંકી હાલ જૂનાગઢ ખાતે મધુરમ વિસ્તારમાં છે.
આ માહિતી આધારે યુપી પોલીસ અપહૃત રીંકી યાદવના ઘરના સભ્યો સાથે જૂનાગઢ ખાતે તપાસમાં આવી, સી ડિવિઝન પોલીસને માહિતી આપતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એન.કે.વાજા તથા પોલીસની ટીમ યુપી પોલીસની મદદમાં રહી દિપાંજલી સોસાયટી ખાતે રહેતા આરોપી હેમંત વાસુદેવભાઈ જાની (ઉવ. ૨૯) તથા ભોગ બનનાર રીંકી સુંદરસિંગ યાદવ (ઉવ. ૨૧) સાથે પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી.
પકડાયેલ આરોપી હેમંત વાસુદેવભાઈ જાનીની પૂછપરછ કરતા, પોતે મોબાઈલ ફોન દ્વારા સ્ટાર મેકર એપ્લિકેશન મારફતે ઉત્તર પ્રદેશની યુવતી રીંકી યાદવ સાથે સંપર્કમાં આવ્યો હતો. સ્ટાર મેકર એપ્લિકેશન મારફતે ચેટિંગ કરતા, આરોપી હેમંત જાનીને રીંકી યાદવ સાથે પ્રેમ થઈ ગયેલો હતો. રીંકી યાદવ દ્વારા આરોપી હેમંત જાનીને પોતે તેના વિના રહી શકે તેમ નહીં હોવાનું જણાવી, પોતાના પ્રેમી હેમંત જાની ને મળવા, ઇટાવા ઉત્તરપ્રદેશ ખાતેથી અમદાવાદ ગુજરાત આવવા નીકળી ગયેલ હતી. હેમંત પણ રીંકીના સંપર્કમાં હોઈ, અમદાવાદ લેવા પહોંચી ગયો હતો અને અમદાવાદથી રીંકી યાદવને જૂનાગઢ પોતાના ઘરે લાવેલ હતો. આમ, ઇટાવા ઉત્તર પ્રદેશની યુવતી રીંકી યાદવ જૂનાગઢ પહોંચી હતી.
યુ.પી.પોલીસ જૂનાગઢ પહોંચ્યા બાદ જૂનાગઢ પોલીસની મદદથી આરોપી તથા ભોગ બનનાર યુવતી સુધી પહોંચી હતી, અને હાલ યુપી પોલીસ બંનેને લઈને યુ.પી. જવા રવાના થયેલ છે.