સુરતના પુણા સીતાનગર ચોકડી પાસે નશામાં યુવક અર્ધનગ્ન થઈ સિટી બસ સામે ઉભો રહ્યો હતો. આ દરમિયાન પોલીસે તેની વિરૂદ્ધ નશો કરી હંગામો કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે યોગી ચોક રૂટની સીટી બસ નંબર 403 પૂણાગામ સીતાનગર ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી. તે વખતે અચાનક એક અર્ધનગ્ન યુવક ધસી આવ્યો હતો. બસ આગળ ઉભા રહી બસને રોકી દેતાં ડ્રાઇવરે બસ રોકી દેવાની ફરજ પડી હતી. અવનવા ત્રાગા કર્યા બાદ આ યુવક બસ આગળ રોડ પર જ સૂઇ ગયો હતો. બસ આગળ અર્ધ નગ્ન યુવક સૂઇ જતાં ટ્રાફિક જામ થયો હતો.
તમાશાને તેડું ન હોય તેમ અહીં મોટી સંખ્યામાં ટોળું ભેગું થયું હતું. લોકોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બેફામ વર્તન કરતો હોઈ ટોળાં પૈકી કોઈએ પોલીસને કોલ કરતાં પૂણા પોલીસની પી.સી.આર. વાન ત્યાં ધસી ગઈ હતી. ચિક્કાર પીધેલાં આ શખ્સને ટીંગા ટોળી કરી વાનમાં નાંખી ટોળું વિખેરી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.
પોલીસ મથકે લવાયેલાં યુવકની પૂછપરછમાં તેનું નામ નયન રમેશ હીરપરા (રહે, તુલસી દર્શન સોસાયટી, યોગીચોક) હોવાનું બહાર આવ્યું હતું. નશામાં આ કૃત્ય કરવાનું તેણે પોલીસ સમક્ષ કબુલ કર્યું હતું. પોલીસે તેની વિરુદ્ધ નશો કરી હંગામો કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો. યુવકની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. તેની પૂછપરછમાં તેનું નામ નયન રમેશ હીરપરા હોવાનું બહાર આવ્યું હતું. નશામાં આ કૃત્ય કર્યું હોવાનું તેણે પોલીસ સમક્ષ કબુલ્યું હતું. જેથી પોલીસે તેની વિરુદ્ધ નશો કરી હંગામો કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય