નવાનગર નેચર ક્લબ દ્વારા આર્ટિસ્ટની મદદથી તૈયાર કરાયેલી રંગોળી બે દિવસ સુધી નગરજનો નિહાળી શકશે

75માં આઝાદી દિન નિમિત્તે નવાનગર નેચર કલબ દ્વારા જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં તાજેતરમાં જ ટોકિયો ઓલમ્પિક મેડલ વિજેતાઓને અભિનંદન પાઠવતા સંદેશરૂપે નગરના જાણીતા રંગોળી આર્ટિસ્ટ મિત્તલ ગોરેચા દ્વારા ઓલમ્પિક વિજેતા મીરાબાઈ ચાનુ, લવલીના બોર્ગોહેન, પી.વી. સિંધુ, રવિ કુમાર દહિયા, બજરંગ પુનિયા, નિરજ ચોપરા તથા ભારતીય હોકી ટીમના પોટ્રેટ ચિરોળી રંગોથી દોરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

પ્રથમ નાગરિક બીનાબેન કોઠારી તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ રંગોળીના સ્થળે મુલાકાત લઇ પોટ્રેટ આર્ટિસ્ટ અને નગર રત્ન એવા મિત્તલ ગોરેચાને અભિનંદન પાઠવ્યા હતા અને પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. ઉપરાંત નવાનગર નેચર ક્લબ સંસ્થાના વિજયસિંહ જાડેજા ઉપરાંત અન્ય હોદ્દેદારોનું પણ અભિવાદન કર્યું હતું.

આર્ટિસ્ટ મિત્તલ ગોરેચા દ્વારા પોટ્રેટ રંગોળી તૈયાર કરવા માટે 48 કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો. આ ભવ્ય રંગોળી નિહાળવા માટે મનપાની કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને આજે 16 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ સુધી બે દિવસ માટે આ રંગોળી જામનગરના શહેરીજનો નિહાળી શકશે, જે માટે શહેરની નવાનગર નેચર કલબ સંસ્થા દ્વારા જનતાને નિમંત્રણ પાઠવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.