આજનો માણસ માનવતા વિહોણો બનીને ઘણે ભાગે નિતાંત અધર્મી બનતો ગયો છે: અને ફરી માનવતાની જડીબુટ્ટિ પ્રદાન કર્યા વિના આ દેશ કદાપિ સુવર્ણયુગ નહિ પામે !
મહારાષ્ટ્રમાં નીતિ-અનીતિ, સત્ય-અસત્ય, ન્યાય-અન્યાય, લોકશાહી-તાનાશાહી અને પાપાચાર-પૂણ્ય વચ્ચેની લડાઈનું કોકડું હજુ ઠરીને ઠામ થયું નથી ત્યાં રાજગાદીલક્ષી એક વધુ કોકડું સર્જાવાનાં ચિહનો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે.
આ નવા ડોકાતા કોકડાની ભીતરમાં પણ રાજકીય અને ગાદીલક્ષી કંકાસનો ઓછાયો છે.
ચૂંટણીઓએ આપણા દેશમાં જેટલો પાપાચાર પેદા કર્યો છે, એ અન્ય તમામ પાપાચારોને પાછળ રાખી દે એટલો છે.
ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે.
આ જાહેરાત ફફડાટ સર્જક બની છે. આની સાથે એક એવી ઘોષણા થઈ છે કે, ભાજપ પ્રેરિત એનડીએ મોરચાનો વધુ એક કાંગરો ખડયો છે.
ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએમાં તિરાડ પડી ગઈ છે. લોકજનશકિત પાર્ટી (એલજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ પાસવાને જાહેરાત કરી છે કે એલજેપી આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે. પાર્ટી દ્વારા તેના ૫૦ સીટ માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને કહ્યું હતુ કે પાર્ટી પોતાની તાકાત મુજબ આગળ વધવા માટે ઈચ્છુક છે. ઝારખંડમાં કુલ ૮૧ સીટો પર પાંચ તબકકામાં વિધાનસભાની ચૂંટણી યોજાનારા છે. આ પ્રક્રિયાની સાથે રાજકીય આંટીઘૂંટીઓ, દંભ અને છેતરપીંડી પણ આવ્યા વિના નહિ રહે…
ઉમેદવારોની પસંદગી, ખેંચતાણ, નફરત, કડવાશ વગેરે બધુ આવશે. અન્ય પક્ષોની ધકકામૂકકી પણ આવશે. ભગવાનને ગમતું અને અણગમતું બને આવશે.
મહારાષ્ટ્રમાં રાજગાદીની લાલસામાં ભાજપ અને શિવસેનાએ તેમની એકંદર ગાઢ ગણાતી રહેલી દોસ્તીને નેવે મૂકી દીધી.
દોસ્ત દોસ્ત ના રહા
પ્યાર પ્યાર ના રહા
યે જિન્દગી હમે તેરા
ઐતબાર ના રહા…
ફિલ્મી જગતની આ વાત રાજકારણની વાત બની ગઈ.
દોસ્તી એટલી હદે તૂટી કે વિશ્વાસ ન રહ્યો એકબીજામાં, ને જિન્દીગમાં !
ઝારખંડની આ ચૂંટણી ભાજપ પ્રેરિત ‘એનડીએ’ મોરચાના બે ભાગીદાર પક્ષો સામેસામા લડવા તૈયાર થઈ ગયા.
હવે એ લડશે એકબીજાને નિંદશે… આક્ષેપોના વિખોડિયા ભરશે અને કદાચ લોહી કાઢવા સુધી પહોચશે !
આવી લડાઈઓ આ દેશની પ્રજાને અને નેતાઓ-આગેવાનોને સાર્થક પુરૂષાર્થ કરતાં અવરોધે છે. તેમને પૂરૂષાર્થહીન બનાવી દે છે.
આવી પૂરૂષાર્થહીનતાના પાપે આપણો દેશ પાયમાલ થયો છે. અને અનર્થકારી પુરૂષાર્થ તરફ કે અવળી દિશાના પુરૂષાર્થ તરફ વળે છે, જે પુરૂષાર્થહીનતાને કારણે સર્જાતી પાયમાલી કરતાંયે અનેકગણી વધારે પાયમાલી સર્જે છે.
આપસ આપસના વેરઝેર સાચું સુઝવા દેતા નથી અને પાપાચાર તરફ ખેંચી જાય છે, જે પાયમાલી નોતરે છે.
કોઈએ સાચુ કહ્યું છે કે, મિત્ર જયારે શત્રુ બને છે ત્યારે એ વધુ હાનિકર્તા બની જાય છે.
આપણા ઘેર આપણો મિત્ર આવતો બંધ થઈ જાય તો તે સ્થિતિ આપણને ખટકે છે. પછી ભલે ને એની ઉપયોગીતા કશી જ ન હોય !
આ બધુ એમ દર્શાવે છે કે, આપણા સમાજને, આપણા દેશને અને મનુષ્યોને પુરૂષાર્થહીનતા છોડીને પ્રમાણિક સાર્થક અને તપભીના પુરૂષાર્થમાં રચ્યાપચ્યા રહ્યા છૂટકો નથી.
ચૂંટણીઓ અને રાજગાદીની લાલસાએ આપણા દેશને પાયમાલ કર્યો છે. પછી એ મહારાષ્ટ્રના હોય કે ઝારખંડના હોય! આપણે ઈચ્છીએ કે ઝારખંડની ચૂંટણી મહારાષ્ટ્રના જેવી ન બને !