દાવાનળને કારણે જૈવ વિવિધતા જોખમમાં મુકાઈ: આગ માનવસર્જિત હોવાનું પ્રાથમિક અનુમાન
ગોવાના જંગલો સતત છઠ્ઠા દિવસે પણ સળગતા રહ્યા અને દુર્લભ જૈવવિવિધતા પણ સળગતી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વિશ્વના આઠ જૈવવિવિધતાના હોટસ્પોટ્સમાંથી એક પશ્ચિમ ઘાટનો આ વિશાળ વિસ્તાર રાજ્યના ઈતિહાસની સૌથી ભીષણ આગથી તબાહ થઈ રહ્યો છે. અધિકારીઓ અને અગ્નિશામકોને હાલ કોઈ રાહત દેખાઈ રહી નથી. દૂરસ્થ સ્થાનો અને સીધા ચઢાણને કારણે જંગલની આગને ઓલવવામાં સોમવાર સુધીનો સમય લાગી શકે છે.
અધિકારીઓએ કહ્યું, જંગલમાં છેલ્લા છ દિવસથી આગ લાગી છે અને અમે આગને આંશિક રીતે કાબૂમાં લઈ લીધી છે. આ સંજોગોમાં જો ફરીથી કોઈ નવી આગ નહીં લાગે તો અમે આશા રાખીએ છીએ કે અમે આવતા સપ્તાહની શરૂઆતમાં તેને સંપૂર્ણ રીતે કાબુમાં કરી શકીશું. સમાચાર અનુસાર વન વિભાગે 14 માર્ચ સુધીમાં અસરનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે. આ સાથે વિભાગે રેન્જ ઓફિસરો અને ફિલ્ડ ઓફિસરોને તકેદારી વધારવા અને પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને સુરક્ષિત જંગલોમાં પ્રવેશતા અટકાવવા સૂચનાઓ પણ જારી કરી છે.
રાજ્યના વન મંત્રી વિશ્વજીત રાણેએ દાવો કર્યો હતો કે આગ માનવસર્જિત આપત્તિ હતી. તેમણે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે વન અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. રાણેના વિભાગે ફરજ નિભાવવામાં તેમના તરફથી કોઈ બેદરકારી તો નથી તે જોવા માટે વન રક્ષકો સામે તપાસ પણ શરૂ કરી હતી.પૂર્વ મુખ્ય વન સંરક્ષક રિચર્ડ ડિસોઝાએ સમગ્ર મામલે કહ્યું છે કે,હું 1977 થી ગોવામાં છું અને આ મેં અત્યાર સુધીની સૌથી ભયાનક આગ જોઈ છે. સમગ્ર વિશ્વમાં માનવસર્જિત જંગલોમાં આગની હંમેશા જાણ કરવામાં આવી છે. સદાબહાર જંગલોમાં આગ લાગતી નથી કારણ કે તે ભેજવાળા હોય છે. આ આગ પાછળ કેટલાક લોકો જવાબદાર હોવા જોઈએ. પોતાના અતિક્રમણને વિસ્તારતા લોકોએ આગની શરૂઆત કરી હશે. તેમણે કહ્યું કે વાતાવરણમાં ફેરફાર આગનું કારણ ન હોઈ શકે.
ગોવાના મહાદયી વન્યજીવ અભયારણ્યમાં જંગલમાં લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ રાજ્યની અગ્નિશમન અને કટોકટી સેવાઓ અને વન વિભાગની ટીમો અત્યાર સુધી ઘણી જગ્યાએ આગને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી છે. ઉત્તર ગોવામાં સ્થિત મહાદયી વન્યજીવ અભયારણ્ય તેની સમૃદ્ધ જૈવવિવિધતા માટે પ્રખ્યાત છે અને તેના ઘણા વિસ્તારો આગથી પ્રભાવિત થયા છે.