અબતક, રાજકોટ

જગત જનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઊજાગર કરવાના સંકલ્પ સાથે રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવા વિશ્વના સૌથી ઊંચા ભવ્યાતિ ભવ્ય મંદિરનું મહાભૂમિપૂજન 2019 અને શિલાન્યાસ  2020ના રોજ ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થયો હતો. હવે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ 22 નવેમ્બર 2021ને સોમવાર થવા જઈ રહ્યો છે. જેમાં શ્રી શતચંડી મહાયજ્ઞ, 31000 દિવડાઓનો દિપોત્સવ, શોભાયાત્રા અને વ્યસન મુક્તિ બાઈક રેલીનું આયોજન કરાયું છે.

મુખ્યમંત્રી સહિત સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સોમવારથી ઉમિયા મંદિરનું નિર્માણ કાર્યનો પ્રારંભ

સાથે જ સાંજે 5 કલાકે કાર્ય પ્રારંભ સમારોહ યોજાશે જેમાં રાજ્યના  મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મંત્રીઓ અને સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.  વિશ્વઉમિયાધામ નિર્માણ કાર્યના શુભપ્રસંગે શ્રી શતચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં પાટીદાર સહિત તમામ સમાજના 100થી વધુ યજમાન પરિવારો મહાયજ્ઞનો લાભ લેશે. શતચંડી મહાયજ્ઞનો પ્રારંભ સવારે 8.30 કલાકે થશે. જેની પૂર્ણાહુતિ સાંજે 5 કલાકે થશે. શ્રી શતચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન પરિવારનો લાભ વિશ્વ ઉમિયાધામના લક્ષ્મી દાત્તા શ્રી ગ.મો.પટેલ પરિવાર (નદાસા) ગોરેગાવ મુંબઈ લીધો છે. શાસ્ત્રો અનુસાર 10 નવચંડી યજ્ઞનું ફળ એક શતચંડી મહાયજ્ઞમાં મળે છે.

હાથી, ઘોડા, ઉંટ સાથેની વિશાળ શોભાયાત્રા, વિશ્ર્વના અનેક દેશોમાં પરિભ્રમણ કરી ગંગાજળથી ભરેલા નિધી કળશ તથા શ્રીયંત્રનું મહાપૂજન ઉપરાંત શ્રી શતચંડી મહાયજ્ઞનું આયોજન

ઉપરાંત જાસપુર ખાતે નિર્માણાધીન જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરની આકૃતિના આકારમાં 31000 દિવાડાઓ પ્રગટાવી ગુજરાતના સૌથી મોટા દિપોત્સવની ઉજવણી કરાશે. વિશેષરૂપે દિપોત્સવમાં 300થી વધુ વિશ્વ ઉમિયાધામની ઉમાસેવિકા બહેનો 31000 દિવાડીઓ પ્રગટાવશે.  જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણ કાર્યપ્રારંભ પ્રસંગે અમદાવાદ એસ.જી.હાઈવે સ્થિત એસજીવીપી ગુરૂકૂળથી વિશ્વ ઉમિયાધામ, જાસપુર સુધી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રામાં હાથી,ઘોડા અને ઉંટ સહિત અનેક મા ઉમિયાના ભક્તો જોડાશે. શોભાયાત્રાનો મુખ્ય હેતુ વ્યસનમુક્તિ જનજાગૃતિ એવમ્ કોરોના અને વેક્સિનેશન જાગૃતિનો છે ઉપરાંતશ્રી શતચંડી મહાયજ્ઞની સાથે સાથે મા ઉમિયાના ભક્તો માટે સવારે 9.30 કલાકે શ્રીયંત્ર મહાપૂજનનું આયોજન કરાયું છે. જેમાં મા ઉમિયાના ભક્તો પૂજા અર્ચના કરી મંદિર નિર્માણનો કાર્યારંભ કરાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.