છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વ ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી રોગનો સામનો રહ્યું છે. જેને આપણે ક્ષયથી પણ ઓળખીએ છીએ. ટીબી ખાંસી દ્વારા ફેલાતો ચેપી રોગ છે. પરંતુ હવે વિજ્ઞાનિકોએ એ વાતની પુષ્ટિ કરી છે કે, ખાંસી તો ઠીક પણ તે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા પણ ફેલાઇ છે. સામાન્યપણે જ્યારે રોગી વ્યક્તિ ખાસી ખાય છે, છીંક ખાય છે કે થુંકે છે ત્યારે આ રોગના બેક્ટેરીયા વાતાવરણમાં ફેલાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોના નવા અભ્યાસમાં એ ઘટસ્ફોટ થયો છે કે ટીબી રોગગ્રસ્ત દર્દી શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા પણ તેના બેક્ટેરિયા વાતાવરણમાં ભેળવે છે. આમ, હવે ટીબીગ્રસ્તને અડકવું પણ જોખમભર્યું છે.
કોરોના વાયરસ પછી તે વિશ્વનો સૌથી મોટો ચેપી રોગ સાબિત થયો છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર, વર્ષ 2020માં આશરે 1.5 મિલિયન એટલે કે 15 લાખ જેટલા લોકોએ ટીબીને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. અને આ આંકડામાં છેલ્લા દાયકામાં પ્રથમ વખત વધારો જોવા મળ્યો છે. ત્યારે હાલ દક્ષિણ આફ્રિકાના સંશોધકોએ ખુલાસો કર્યો કે ક્ષય રોગના ફેલાવા પાછળ ઉધરસ કરતાં શ્વાસ વધુ જવાબદાર હોઈ શકે છે.
સંશોધનના તારણો મંગળવારે ઓનલાઈન વૈજ્ઞાનિક પરિષદમાં બહાર પાડવામાં આવ્યા હતા. સંશોધકોનો અંદાજ છે કે ચેપગ્રસ્ત વ્યક્તિના શ્વાસ દરમિયાન લગભગ 90 ટકા ટીબી બેક્ટેરિયા બહાર નીકળે છે. જેને એરોસોલ્સ કહેવામાં આવે છે. આ શોધ કોવિડ મહામારી પર કરવામાં આવેલા મહત્વના સંશોધન સાથે સંબંધિત છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ એરોસોલ્સ દ્વારા પણ ઝડપથી ફેલાય છે. એમાં પણ ખાસ કરીને ઈન્ડોર સ્પેસમાં એટલે કે ઘર, ઓફીસ કે કોઈ બંધ જગ્યાએ.
જણાવી દઈએ કે ટીબી રોગ માઈકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, જે સામાન્ય રીતે ફેફસા પર હુમલો કરે છે. આ સંદર્ભે સંશોધન સૂચવે છે કે માસ્ક, દરવાજા કે બારીઓ ખુલ્લી રાખવી જેવા ઉપાયો બંધ જગ્યામાં કોરોનાની જેમ ટીબીના ફેલાવાને રોકવા માટે મહત્વના ઉપાયો સાબિત થઈ શકે છે. પહેલાથી અસ્તિત્વમાં રહેલી પદ્ધતિમાં કહેવામાં આવ્યું હતું કે ટીબીના બેક્ટેરિયા ઉધરસ વખતે સૌથી વધુ ફેલાય છે.
અભ્યાસના પરિણામો રજૂ કરનાર રેયાન ડિનકલે કહે છે કે ચેપગ્રસ્ત વ્યક્તિને ખાંસી આવે ત્યારે મોટાભાગના ટીબી ટ્રાન્સમિશન થાય છે. કારણ કે આ સમય દરમિયાન ચેપગ્રસ્ત ટીપું હવામાં ફેલાય છે અને એકવાર શ્વાસ લીધા પછી એક વખત ઉધરસ આવ્યા કરતાં ઓછા ટીપાં બહાર આવે છે. પરંતુ, એક દિવસમાં એક વ્યક્તિ ખાંસી કરતાં ઓછામાં ઓછી ચાર ગણો વધુ વખત શ્વાસ લે છે. તેથી, બંધ જગ્યાએ, જો ચેપગ્રસ્ત વ્યક્તિ ઉધરસ કરતાં વધુ શ્વાસ લે તો પણ ચેપ ફેલાઈ શકે છે.