3D અર્થાત શ્રીમદ ભગવદગીતા એક્સપિરિયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકા નગરીની વ્યૂંઇગ ગેલેરીના નિર્માણની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે
દેવભૂમિ દ્વારા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તો માટે રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાનો સંકલ્પ કર્યો છે. ભાજપ સરકારની કેબિનેટની પ્રથમ બેઠકમાં દ્વારકા માટેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને લીલી ઝંડી અપાઇ હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આ ભવ્ય પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ખર્ચ થશે. ટેકનોલોજીના ઉપયોગથી દ્વારકા નગરી કેવી હતી તેની ઝલક મળે તેને પણ સાકાર કરાશે. તે અંતર્ગત દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવાશે. 3ઉ અર્થાત (કાલ્પનિક-દુનિયાનો વાસ્તવિક અનુભવ) શ્રીમદ ભગવદગીતા એક્સપિરિયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકા નગરીની વ્યૂંઇગ ગેલેરીના નિર્માણની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ માટે 7મી સપ્ટેમ્બર 2023ની જન્માષ્ટમી પહેલા પ્રથમ તબક્કાના કાર્યનું ભૂમિ પૂજન કરવાના લક્ષ્ય સાથે આયોજન અને ડિઝાઇનનું કામ શરૂ કરવામાં આવશે.
સમગ્ર પ્રોજેક્ટ સમયસર પાર પડે અને સુનિયોજીત વ્યવસ્થાપન તૈયાર કરવા મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સિનિયર સચિવોની એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના પણ કરવામાં આવશે. જે સમગ્ર પ્રોજેક્ટની રૂપરેખા ઉપર ધ્યાન આપશે એટલું જ નહીં તે પ્રમાણે કામકાજ થાય અને નિર્ધારીત સમય મર્યાદામાં થાય તેનું ધ્યાન રાખશે. ગુજરાત સાથે સમગ્ર દેશના નાગરિકો માટે આ વિશિષ્ટ આકર્ષણ બની રહે તે રીતે આ પ્રોજેક્ટને પાર પાડવામાં આવશે.