વિશ્વમાં 250થી વધુ શાર્કની પ્રજાતિ જોવા મળે છે: સમુદ્રી જીવોમાં નાની-મોટી માછલીઓ સાથે કરોડો જીવો પાણીમાં જ પોતાની જીંદગી પુરી કરે છે: વિશાળ શરીર ધરાવતી શાર્ક કલાકમાં 45 કિ.મી. તરી શકે
પાણીમાં વધુ સમય ન રહી શકતી શાર્કને શ્ર્વાસ લેવા સપાટી ઉપર આવવું જ પડે છે: સૌથી વધુ રમતિયાળ અને ચબરાક ડોલ્ફિન માછલી હોય છે: સૌથી નાની સ્પર્મ વ્હેલ અને લેન્ટન શાર્ક માત્ર 8 ઇંચની જોવા મળે છે
પૃથ્વી ઉપર ધરતી ઉપર, નાના-મોટા લાખો જીવો-જંતુ-જાનવરો જોવા મળે છે. દર વર્ષે વિજ્ઞાનિકોને હજારો જીવ નવા પ્રથમવાર જોવા મળે છે. આકાશમાં ઉડતા પક્ષીઓની જેમ પાણીમાં રહેનારા જળચર જીવોની દુનિયા પણ નિરાળી છે. દરિયાઇ જીવોની અલગ દુનિયાની ઘણી રોચક વાતો છે. નાની-મોટી માછલીઓ સાથે મહાકાય માછલીઓ પણ દરિયાઇના પેટાળમાં જોવા મળે છે. સૌથી ભયાનક શાર્ક માછલી હોય છે તો મહાકાય બ્લૂ વ્હેલ પણ ખતરનાક હોય છે. ઘણી વખત નાની બોટ કે સ્ટીમ્બરને પણ ઊંધી વાળી શકે તેવી તાકાત હોય છે.
દુનિયાનું સૌથી મોટું દરિયાઇ પ્રાણી એટલે બ્લૂ વ્હેલ માછલી ખૂબ જ વજનદાર અને મહાકાય માછલી લોકોને બહુ ઓછી જોવા મળે છે. તેના ઉપરથી હોલીવુડની ઘણી ફિલ્મો આવી હતી. દરિયાઇ જીવોનું સંશોધન કરનાર વિજ્ઞાનિકો દરિયામાં દૂર દૂર તેને શોધવા જાય છે. ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં એક ફોટોગ્રાફરે મહાકાય બ્લૂ વ્હેલની તસ્વીર ઝડપી જે 82 ફૂટ લાંબીને એક લાખ કિલો વજન ધરાવતી હોવાનું જાણકારોનું માનવું છે. આવી મહાકાય માછલી છેલ્લા 100 વર્ષોમાં ત્રણવાર જ જોવા મળી હતી. આ માછલીની જીભનું વજન એક હાથીના વજન બરાબર હોવાનું અંદાજવામાં આવ્યું છે.
બ્લૂ વ્હેલ માછલી વિશાળ સમુદ્રી જીવ છે. આ પૃથ્વી પર સૌથી મોટું જળચર જીવ છે. તે પાણીમાં બહુવાર રહી ન શકતા શ્ર્વાસ લેવા માટે દરિયાની સપાટી ઉપર આવે છે, અને વારંવાર સપાટી ઉપરથી મોટી છલાંગ લગાવીને પાણીનો ફૂવારો ઉડાડે છે. પ્રશાંત મહાસાગરમાં તેની સંખ્યા વધુ જોવા મળે છે. દરિયામાં તેની ઘણી નાની મોટી પ્રજાતિઓ જોવા મળે છે. તેના પ્રકારોમાં કિલર વ્હેલ, બ્લૂ વ્હેલ, સ્પર્મ વ્હેલ મુખ્ય છે. દુનિયાની સૌથી નાની પ્રજાતિ સ્પર્મ વ્હેલ છે જે 10 ફૂટ લાંબી જોવા મળે છે. કલાકમાં 45 કિ.મી. ઝડપે પાણીમાં તરી શકે છે. તેના શરીરની રચના પણ કુદરતે એવી જ રીતે બનાવી છે જેને કારણે તેને પાણીમાં તરવાની સરળતા રહે છે. તે એક દિવસમાં નાની ચાર ટન માછલી આરોગી જાય છે. તે સસ્તન જીવ હોવાથી બચ્ચાને જન્મ આપે છે. પ્રસૃતિના ગાળામાં તે ગરમ પાણી તરફ પ્રયાણ કરે છે. માદા વ્હેલનું દૂધ ખૂબ જ ઘટ્ટ હોય છે.
બ્લૂ વ્હેલનું હૃદ્ય એક મિનિટમાં માત્ર નવ વાર ધડકે છે. શ્ર્વાસ લેતી વખતે ફેફ્સામાં પાણી ભરાય અને શ્ર્વાસ છોડે ત્યારે તે જ પાણી ફૂવારા સ્વરૂપે બહાર કાઢે છે. ગાઢ ઊંઘ ન લેનાર માછલી ઘણીવાર ઊંઘમાં પાણીમાં ડૂબીને મરી જાય છે. સુતી વખતે પણ એટલે જ તેનું મગજ સતત કાર્યરત હોય છે. એકબીજા સાથે સંપર્ક કરવા મોટેથી અવાજ કાઢે છે જે બે કિલોમીટર સુધી સંભળાય છે. બ્લૂ વ્હેલ મહાકાય માછલીઓનું 80 થી 90 વર્ષનું આયુષ્ય હોય છે. હાલના યુગમાં દરિયાઇ જીવોના શિકારીને કારણે દિનપ્રતિદિન તેની સંખ્યા ઘટવા લાગી છે જે એક ચિંતાજનક બાબત છે.
બેબી બ્લુ વ્હેલનું આખુ 40 ફૂટ લાંબુ હાડપિંજર જામનગરનાં લાખોટા મ્યુઝિયમમાં જોવા મળે છે. આ પૃથ્વી પર પાંચ કરોડ વર્ષ પહેલા શાર્ક કે બ્લૂ વ્હેલ માછલીઓ જોવા મળી હતી. બ્લૂ વ્હેલનો અવાજ જેટ એન્જીન કરતાં પણ વધારે જોવા મળે છે. 188 ડેસિબલ્સ અવાજ જે કાનના પડદા પણ ફાડી શકે છે. તેનું વજન કુલ 33 હાથી ભેગા કરો તેટલું હોય છે. તેના ઉપરથી બ્લૂ વ્હેલ ગેમ પણ આવી હતી. આપઘાતના બનાવો બાદ પ્રતિબંધ મુકાયો હતો. ઓરિસ્સાના ગંજમ જીલ્લાના સુનાપૂર દરિયા કિનારે ઘણીવાર બ્લૂ વ્હેલ જોવા મળે છે. એકવાર તો 22 ફૂટ લાંબી વ્હેલનું રેસ્ક્યું પણ કરવામાં આવ્યું હતું. તેના હૃદ્યના ધબકારા બે માઇલ સુધી સંભળાય છે. તેમના બચ્ચા દરરોજ 200 થી 300 લીટર માતાનું દુધ પી જાય છે. સતત ત્રણ મહિના ઊંઘ લીધા વગર રહી શકે છે.
આજ પ્રકારના દરિયાઇ જીવોમાં ડોલ્ફિન પણ આવે છે. જે નદી કે સમુદ્રમાં જોવા મળે છે. દુનિયામાં 40 થી વધુ પ્રજાતિઓ ડોલ્ફિનની જોવા મળે છે. જેમાં સામાન્ય, બોટલ નોઝ, સ્પોટેડ, એટલાન્ટિક સ્પોટેડ, કોમેર સન્સ ડસ્કી, કિલર અને એમેઝોન નદીની ડોલ્ફિન મુખ્ય છે. તે ખૂબ જ સુંદર-ચબરાક અને મિલનસાર હોય છે. ડોલ્ફિન એક આંખ ખુલ્લી રાખીને સુઇ જાય છે. હાલ દુનિયામાં તેની 41 પ્રજાતિઓ છે જે પૈકી 37 તો દરિયામાં જોવા મળે છે. તેનું અસ્તિત્વ બે કરોડ વર્ષ પહેલાનું છે. તેની યાદશક્તિ દરિયાઇ જીવોમાં સૌથી વધુ હોય છે, તે બચ્ચાને જન્મ આપે છે. નરને બુલ્સ અને માદા ડોલ્ફિનને કાઉ કહે છે. ગર્ભકાળ દશ મહિનાનો હોય અને તે એક જ બચ્ચાને જન્મ આપે છે. નવાઇની વાત તો એ છે કે તે ક્યારેય પાણી પીતી નથી અને સપાટી ઉપરથી 20 ફૂટ ઊંચો કુદકો લગાવી શકે છે. એકબીજાને બોલાવવા સીટી જેવો અવાજ કરે છે. 10 થી 15 મિનિટ તે પાણીમાં રહી શકે છે પછી શ્ર્વાસ લેવા સપાટીએ આવે છે. મોટાભાગે સમુહમાં રહેનારૂ જળચર પ્રાણી છે. ભારતની ગંગા નદીમાં ડોલ્ફિન જોવા મળે છે.
ડોલ્ફિન સુંદર રમતિયાળ જીવ છે, તે માછલી નથી પણ વ્હેલની જેમ સસ્તન સમુદ્રી જીવ છે જે બચ્ચાને જન્મ આપે છે. તેના માથાની ટોચ પર આવેલા બ્લો હોલ દ્વારા શ્ર્વાસ લે છે. હવા બહાર કાઢવા તે પાણીની સપાટીએ આવે છે. મોટેભાગે તે દર વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે. તેના બચ્ચા 18 મહિના સુધી માતાનું દુધ પીવે છે. તે કિલર વ્હેલ કે ઓર્કા, ડોલ્ફિન પરિવારની સભ્ય છે. તે અત્યંત બુધ્ધિશાળી જીવ છે. 40થી વધુ વર્ષ ડોલ્ફિનનું આયુષ્ય ગણાય છે. તેની લંબાઇ 4 ફૂટ થી 30 ફૂટ અને 400 ગ્રામથી 10 ટન વજન હોય છે. તેની ઉત્પતી મિયોસીન કાળમાં દશ કરોડ વર્ષ પહેલા થઇ હતી. ખેલ કરાવવામાં ડોલ્ફિનનો ઉપયોગ વધુ થાય છે. તે કંપન વાળો અવાજ કાઢે છે.
શાર્ક વિશે અજાણી માહિતી
દુનિયાના મહાસાગરોમાં 250 પ્રકારની શાર્ક જોવા મળે છે, જેમાં મુખ્ય ત્રણ પ્રકારમાં ગ્રેટ વ્હાઇટ શાર્ક, વ્હેલ શાર્ક અને હેમર હેડ શાર્ક વધુ જાણિતી છે. શાર્કને નક્કર હાડપિંજર જ હોતું નથી. તે સતત તર્યા ન કરે તો ડુબવા લાગે છે. શિકારને જડબામાં સંકજો કરવાથી તેના દાંત ઘણીવાર તૂટી જાય છે પણ તે ફરી નવા આવી જાય છે. ગુજરાતનાં તટવર્તી સમુદ્રમાં થતી વ્હેલ શાર્ક બધી શાર્ક કરતા મોટી જોવા મળે છે, જેનો 7 મીટરનો ઘેરાવો અને 15000 કિલો વજન હોય છે. વિકરાળ અને વિરાટ એમ બે વિશેષણો શાર્ક માટે વપરાય છે. લેન્ટન શાર્કનું કદ માત્ર 8 ઇંચ હોય છે. ઊંધા સમુદ્રના અંધારામાં તે ફાનસની માફક ચમકે છે. લેમન શાર્કને દર બે અઠવાડીયે જુના દાંતને બદલે નવા દાંત ઉગી જાય છે, તેને એક વર્ષમાં 24 હજાર નવા દાંત મળે છે. ટાઇગર શાર્કના દાંત સ્પ્રિંગની જેમ જડબુ બંધ કરે તો પેઢામાં દબાઇ જાય છે.
પૃથ્વી પરનું સૌથી મોટુ જળચર જીવ
દુનિયાનું સૌથી મોટું જળચર જીવ એટલે બ્લુ વ્હેલ ખૂબ જ વજનદાર અને મહાકાય માછલી લોકોને બહું ઓછી જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં એકવાર 82 ફૂટ લાંબી વ્હેલ જોવા મળી હતી. આવી મોટી માછલી છેલ્લા 100 વર્ષમાં ત્રણ જ વાર જોવા મળી છે. તેનું હૃદ્ય એક મિનિટમાં માત્ર નવ વાર ધબકે છે. આ મહાકાય માછલીનું આયુષ્ય 80 થી 90 વર્ષ જેવું ગણાય છે. તે દરિયાઇ સપાટી ઉપરથી 20 ફૂટ ઊંચો કુદકો લગાવી શકે છે. તેનો અવાજ જેટ એન્જીન કરતાં વધારે હોવાથી ક્યારેક આ 188 ડેસીબલ્સનો અવાજ કાનના પડદા પણ ફાડી શકે છે.