- પ્રાંસલા સ્વામી ધર્મબંધુજી પ્રેરીત વૈદિક મિશન ટ્રસ્ટની રાષ્ટ્રકથા શિબિરમાં ડો.એન.કલાઇ સેલ્વી, ટી.શશીકુમાર સહિતના મહાનુભાવોનું પ્રેરક ઉદ્બોધન
સ્વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા પ્રાંસલા મુકામે યોજાઇ રહેલ રાષ્ટ્રકથા શિબીરના આજે સાતામા દિવસના સત્રમાં આશરે 15000 જેટલા શિબિરાર્થીઓને પશ્ર્વિમ બંગાળના રાજ્યપાલ સી.વી.આનંદરાજ, નિવૃત એમ્બેસડર અનીલ ત્રિગુનાયત ઉપરાંત સાંપ્રત સમયમાં દેશમાં થઇ રહેલ ઇસરો સહિતની વિવિધ રાષ્ટ્રીય સંસ્થાઓમાં થઇ રહેલ વૈજ્ઞાનિક સંશોધનો, દેશની વિવધ પેરામિલીટ્રી ફોર્સીસ દ્વારા થતાં સુરક્ષા માટેના પ્રયાસો તેમજ સાયબર સિકયુરીટીના તજજ્ઞના માહિતીપ્રદ પ્રવચનોના લાભ મળ્યો હતો.
પશ્ર્વિમ બંગાળના રાજયપાલ સી.વી.આનંદરાજ એ જણાવ્યું હતું કે, ભારત દેશના વિભિન્ન પ્રાંતમાંથી ઉપસ્થિત શિબિરાર્થીઓથી અત્રે મિની ભારત જોવા મળે છે. સતત ઉત્કૃષ્ટતાની ખોજ કરવા અને ઉદ્યમી બનવા પર ભાર મુક્યો હતો.
વધુમાં તેમણે વિકસિત ભારતનો પાયો મજબુત કરવા માટે શિક્ષણ, અર્થવ્યવસ્થા અને એકતાના ક્ષેત્રે વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત છે અને આ દિશામાં અહીંયા શિબિરાર્થીઓને ચિંતન કરવા પ્રેરવામાં આવી રહ્યા છે.
આપણી સભ્યતા માનવતાનો પરિચય આપે છે, આપણી સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકમના આદર્શને અનુસરે છે તેમ જણાવી વિકસિત ભારતમાં જ વિશ્ર્વનું શ્રેય સમાયેલું છે તેમ જણાવેલ. સીએસઆઇઆરના ટુંકાક્ષરી નામથી જાણીતી સંસ્થા કાઉન્સીલ ફોર સાયન્ટીફ એન્ડ ઇન્ડ્સ્ટ્રીયલના દિલ્હીથી પધારેલ ડાયરેકટર જનરલ સુશ્રી ડૉ.એન. કલાઈસેલ્વીએ જણાવ્યું હતું કે, આપણા જીવનના દરેક ક્ષેત્રો વીજળી, ટ્રાન્સ્પોર્ટેશન, દવા, ખોરાક, સંચાર વ્યવ્સ્થા, પર્યાવરણ એમ દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનની મોજુદગી જોવા મળે છે. જે દર્શાવે છે કે, વિજ્ઞાનથી ઉજ્જવળ ભાવિનું નિર્માણ થાય છે.
હવે સંપુર્ણ સ્વદેશી બનાવવા પર વિશેષ ભાર મુકવામાં આવે છે. જેમાં સૌથી વિશેષ ઉપલબ્ધિ તરીકે કોવિડની વેકસીન બનાવવી, મુંબઇ- ગોવાના હાઇવેને સ્ટીલ સ્લેગ ટેકનીકથી બનાવવો વિગેરે લેખાવ્યા હતા.
વડાપ્રધાન કાર્યાલયના સાયબર સુરક્ષાના પૂર્વ ડિરેકટર ગુલશન રાય એ જણાવેલ કે, સાંપ્રત સમયમાં આપણી જીવન શૈલી એવી બની ગઇ છે કે, જેમાં ઓનલાઇન ટ્રાન્જેકશન અને સોશીયલ મિડીયા ઉપર રહેવું જીવનની અનિવાર્યતા છે પરંતુ તે માટે સજાગતાથી જ આર્થિક સહિતની મુશ્કેલીઓથી બચી શકાય.
તેમણે ઉમેર્યુ હતું કે, પ્રતિદિન 500 મિલીયન યુપીઆઇ ટ્રાન્જેકશન થાય છે. સાયબર ક્રાઇમથી રાષ્ટ્રમાં પ્રતિદિન 700 કરોડ રૂા.ના ફ્રોડ થાય છે. વર્ષે 15 લાખ જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ થાય છે. આનાથી બચવું હોય તો કયારેય અજાણ્યા ફોન કે વિડીયો કોલને ના લેવો. આવી જ રીતે અજાણ્યા મેઇલને ઓપન ના કરવો.
સીસીએમબીના ડિરેકટર ડૉ. વિનય નંદીકુરીએ માનવ શરીરમાં બેકટરીયા, ઇન્ફેશન, ડીએનએની રચના તેમજ રોગોથી બચવા માટે તબીબી ઉપાયો વિશે વિસ્તારથી પીપીટીથી સમજાવ્યું હતું.
ઇસરોના એચએસએફસીના ડિરેકટર ડૉ. ડી. કે.સિંઘ ભારત દ્વારા અંતરિક્ષમાં માનવ વસાહત કરવાની દિશામાં પ્રયાસો, ભારતીય સ્પેસ સ્ટેશનની સ્થાપના કરવી, ચંદ્ર ઉપર રોબોટીક ઉતરાણની સફળતા પછી હવે માનવનું ચંદ્ર ઉપર ઉતરાણ અને ગગનયાન અંગે થઇ રહેલા પ્રયાસોની ડોકયુમેન્ટરીથી તાદ્રશ્ય રીતે સમજાવ્યું હતું.
ભારતીય તટરક્ષક દળના ટી. શશીકુમારએ શિબિરાર્થીઓને પ્રેરક સંબોધન કરતાં જણાવેલ કે, પ્રત્યેક વ્યક્તિમાં વિશિષ્ટ શકયતાઓ હોય છે જે તેણે સ્વમુલ્યાંકન કરીને પારખવી જોઇએ અને તેને અનુરૂપ પોતાના જીવનની કારકિર્દી નિયત કરવી જોઇએ.
જાણીતા નિવૃત એમ્બેસડર અનીલ ત્રિગુનાયતએ જણાવ્યું હતું કે, જ્યારે યુધ્ધ થાય છે ત્યારે જે તે બે દેશ જ નહીં પરંતુ અનેક દેશોને તેની અસર થાય છે. આથી જ એમ્બેસડરનું મુખ્ય કાર્ય છે ડીપ્લોમસીથી બે રાષ્ટ્રો વચ્ચેનું યુધ્ધ નિવારવું.
વધુમાં વૈશ્ર્વિક કોવિડ મહામારીના સમયમાં આપણે વિશ્ર્વના 100થી અધિક દેશોને વિનામુલ્યે વેકસિન આપી જેને વૈશ્ર્વિક મૈત્રીની આપણી અનુપમ ડીપ્લોમસી લેખાવી હતી.
ઝારખંડમાં સ્વામી ધર્મબંધુજી નામથી કોલેજની સ્થાપના કરનાર ધારાસભ્ય મનોજકુમાર યાદવ, પૂર્વ મંત્રી ડો.વલ્લભભાઇ કથીરીયા, મોરબીના દાતા ડી.સી.પટેલ સહિતના કર્મશીલોને આજે સન્માનિત કરાયા હતા.
આવતી કાલે રવિવારે બપોરના પહેલા સત્ર પછી રાષ્ટ્રકથાનું સમાપન થશે.