ચીનાલ પુલને ૪૦ કિલો વિસ્ફોટક કે આઠ રિકટર સ્કેલના ભૂકંપની અસર પણ નહીં થાય !
કાશ્મીર ખીણને ભારત સાથે જોડવા માટે ચિનાલ નદી ઉપર વિશ્ર્વના સૌથી ઉંચા રેલવે પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પુલના નિર્માણનું ૮૩ ટકા કામ પૂર્ણ થઇ ચુકયું છે. આ પુલ ૪૦ કીલોગ્રામ ટીએનટી (વિસ્ફોટક) ના ધડાકા અને આઠ રિએકટર સ્કેલના ભૂકંપને સહન કરી શકે છે. આ પુલની લંબાઇ ૧.૩૧૫ કીમીની રહેશે.
ડિઝાઇનના કારણે આ આ પુલ મહત્વનો બન્યો છે. પુલની ડિઝાઇન ભૂકંપ અને બોમ્બ ધડાકાની અસરથી બચાવે છે. પુલ નિર્માણનું કામ આગામી ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં પૂર્ણ થઇ જશે. પુલ ઉપર સીસીટીવી કેમેરાના માઘ્યમથી ર૪ કલાક નજર રાખવામાં આવશે. વર્તમાન સમયે ચીનની બેઇયન નદી ઉપર સુઇબાઇ રેલ પુલ (૨૭૫ મીટર ઉંચો) સૌથી ઉંચો રેલવે પુલ ગણવામાં આવે છે. ભારતની ચિનાલ નદી પરના પુલનું કામ બાજપેયી કાળમાં શરુ થયું હતું. પરંતુ ૨૦૦૮માં સુરક્ષા સહિતના કારણોસર પુલ નિર્માણનું કામ રોકી દેવામાં આવ્યું હતું. ૨૦૧૦માં કામ કરી શરુ થયું હતું. પુલની ગુણવત્તાના વખાણ તાજેતરમાં કરવામાં આવ્યા હતા. પુલ ઉપર બોમ્બ ધડાકા થાય તો ત્યારબાદ પણ પુલ પરથી ટ્રેન ૩૦ કીમીની પ્રતિકલાક ઝડપે પસાર થઇ શકે છે. અહીં નોંધનીય છે કે, બારામુલાને ઉધમપુર કટરા, કાજીગુંડના માર્ગને ચિનાલ પુલથી જોડવામાં આવશે.
પુલ વિશ્ર્વનો સૌથી ઉંચો રેલ પુલ છે. નદીની સપાટીથી ૩૫૯ મીટર ઉપર આ પુલ છે.
પુલની ઉંચાઇ એફિલ ટાવર કરતાં પણ ૩પ મીટર ઉંચી !
ચીનાલ પુલ એફીલ ટાવર કરતા પણ ૩પ મીટર ઉંચો બનશે. કટરા અને બની હાલ વચ્ચે ૧૧૧ કી.મી.ના રસ્તા માટે મહત્વપૂર્ણ ભૂમિકા આ પુલની છે. આ પુલ પરના સીસીટીવીથી વડાપ્રધાન કાર્યાલય સાથે પણ જોડાયેલા રહેશે. એક મીનીટ માટે પણ જો સીસીટીવી બંધ રહેશે તો આ મામલે વડાપ્રધાન કાર્યાલયમાંથી તાકિદ કરવામાં આવશે. આ પુલ ખુબ જ મજબુત રહેશે. ૨૬૦ કીમીની ઝડપી ફુંકાતી હવાને સહન કરવા પણ આ પુલ સક્ષમ રહેશે. પુલની સાથે એક ફુટપાથ અને સાઇકલ માર્ગ બનાવવામાં આવશે.