લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત થાય તે પહેલા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

કલમ ૩૭૦ જમ્મુ-કાશ્મીરમાંથી હટયા બાદ દેશનાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિશ્વનાં સૌથી ઉંચા યુદ્ધ મેદાન સિયાચીનને પર્યટકો માટે ખુલ્લુ મુકયું છે. તેઓએ જણાવ્યું હતું કે, સિયાચીન પર્યટકો માટે સ્વર્ગસમાન બની રહેશે. સિયાચીનમાં અનેકવિધ વખત પ્રયાસોમાં નિષ્ફળ નિવડેલા પાકિસ્તાનને ભારતે તમામ મોરચે પરાસ્ત કર્યું છે ત્યારે સિયાચીન વિસ્તાર પર્યટકો માટે ખુલ્લુ મુકવા માટે સરકાર પ્રયત્નો કરી રહ્યું હોય ત્યારે આગામી ૩૧મી ઓકટોબરનાં રોજ લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરતા પહેલા સિયાચીન પર્યટકો માટે જે રીતે ખુલ્લુ મુકવામાં આવ્યું છે તેનાથી લદાખ પર્યટનનાં પણ વિકાસનાં દ્વાર ખુલ્યા છે.

રક્ષામંત્રી રાજનાથસિંહે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, હવે સિયાચીન વિસ્તાર પર્યટકો માટે ખુલ્લો છે. તેમનાં જણાવ્યા અનુસાર લદાખમાં પર્યટનની પુષ્કર સંભાવનાઓ રહેલી છે. સિયાચીન બેઝ કેમ્પથી લઈ કુમાર પોસ્ટ સુધી આખો વિસ્તાર પર્યટકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ અંગે તેઓએ ટવીટ કરીને જાણકારી આપી હતી કે, સિયાચીન ગ્લેશિયર લદાખનો એક ભાગ છે અને તે વિશ્વનું સૌથી ઉંચું યુદ્ધ મેદાન પણ છે. વધુમાં રક્ષામંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઘુસણખોરી સામે ભારતીય સેનાએ પાકિસ્તાનને મુહતોડ જવાબ આપ્યો છે અને તેઓએ ચેતવણી પણ આપતા કહ્યું હતું કે, જો નાપાક પાકિસ્તાન દ્વારા ઘુસણખોરી નહીં અટકે તો પાકિસ્તાન વિરુઘ્ધ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. પૂર્વ લદાખનાં સિયોક નદી પર બનેલા પુલનાં ઉદઘાટન પ્રસંગે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, કલમ ૩૭૦ હટતા હવે સિયાચીન વિસ્તારમાં દુશ્મનો નહીં પરંતુ મિત્રો જોવા મળશે.

ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કામગીરી બદલ ગભરાયેલા પાકિસ્તાને પુંચ ખાતે એલઓસી પર બે સેકટરમાં રહેતા લોકો ઉપર હુમલો કર્યો હતો અને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન પણ કર્યું હતું જેના પ્રતિ ઉતરમાં ભારતે પણ વળતો જવાબ આપતા પાકિસ્તાનની નાપાક હરકતો અને પાક સૈન્યને ખડેદીયું હતું. સિયાચીન પર્યટકો માટે ખુલ્લુ મુકાતા લદાખ માટે વિકાસનાં દ્વારો ખુલ્યા છે. કલમ ૩૭૦ હટાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી લદાખને અલગ કરી કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરવા માટે જે મહેનત કરી છે તેના પરિણામ સ્વરૂપે સિયાચીન પર્યટકો માટે ખુલ્લુ મુકાતા લદાખને પર્યટકો પાસેથી કમાણી પણ થશે અને વિસ્તારનો પણ વિકાસ પણ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.