ભગવાન શંકર એકમાત્ર તેવા દેવ છે જેમની મૂર્તિ કરતા વધારે પૂજા લિંગ સ્વરુપે થાય છે. શિવપૂરાણમાં પણ તેમની મૂર્તિ કરતા લિંગ પૂજાનું વધુ મહત્વ જણાવ્યું છે. ત્યારે સવાલ થાય કે ભગવાન શિવનું આ લિંગ સૌથી પહેલા ક્યાં પ્રગટ થયું હશે.
શિવપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ છે જ્યાં મહાદેવ સૌ પ્રથમવાર લિંગ સ્વરુપે પ્રગટ થયા હતા. આ સ્થાન છે તામિલનાડુમાં આવેલ અરુણાચલની ગુફાઓમાં જ્યાં શિવ જ્યોતિર્લિંગ સ્વરુપે પ્રગટ થયા હતા. તો ચાલો આવો જાણીએ શિવાના આ અદભૂત સ્થાન વિશે તામિલનાડુ રાજ્યના અન્નામલાઈ પર્વત ક્ષેત્રમાં આવેલ ગુફાઓમાં અરુણાચલેશ્વર મહાદેવ બિરાજે છે. પર્વતની તળેટીમાં આવેલ અરુણાચલેશ્વર મહાદેવના આ મંદિરે નવેમ્બર-ડિસેમ્બરમાં કાર્તિગઈ દીપમ નામથી ઉત્સવ મનાવવામાં આવે છે.
આ સમયે પર્વતના શીખર પર એક ઘીનો અગ્નિ પુંજ પ્રગટાવવામાં આવે છે. જે શિવના મુખ્ય લિંગ અગ્નિ સ્તંભનું પ્રતીક છે. આ ઉત્સવ અને મહાશિવરાત્રિ આ બંને સમયે લાખોની સંખ્યામાં લોકો અહીં દર્શન માટે ઉમટી પડે છે.અરુણાચલેશ્વર મંદિરની 8 દિશાઓમાં 8 શિવલિંગ સ્થાપિત છે. જેને અલગ અલગ 8 રાશિના નામથી ઓળખવામાં આવે છે.
જેમ કે ઇંદ્રલિંગમનો સંભંધ વૃષભ સાથે, અગ્નિ લિંગમનો સંબંધ સિંહ રાશિ સાથે, યમ લિંગનો વૃશ્ચિક સાથે, નૈઋત્ય લિંગનો સંબંધ મેષ રાશિ સાથે, વરુણ લિંગનો સંબંધ મકર અને કુંભ સાથે, વાયુ લિંગનો સંબંધ કર્ક રાશિ સાથે, કુબેર લિંગનો સંબંધ ધન અને મીન સાથે, ઈશાન લિંગનો સંબંધ મિથુન અને કન્યા સાથે છે. લોકો પોતાની રાશિ અનુસાર ગ્રહોના દોષ દૂર કરવા અહીં વિશેષ પૂજા કરાવે છે. હિંદુ પુરાણોમાં કહેવામાં આવેલ મુજબ એકવાર કૈલાશ પર્વત પર રમત-રમતમાં માતા પાર્વતિએ ભગવાન શિવની આંખો પોતાના હાથથી બંધ કરી લીધી હતી. જેના કારણે સમગ્ર બ્રહ્માંડમાં અંધકાર વ્યાપ્ત થઈ ગયો હતો. જે બાદ કેટલાય વર્ષો સુધી બ્રહ્માંડમાં અંધકાર જ રહ્યો હતો.
જે બાદ માતા પાર્વતી અને દેવતાઓની સ્તુતિથી પ્રસન્ન થઈ અન્નામલાઈ પર્વતમાળાની શ્રૃંખલા પર શિવજી અગ્નિપુંજ સ્વરુપે પ્રગટ થયા. જે બાદ શિવજીએ માતા પાર્વતીના શરીરમાં વિલય કર્યો અને અર્ધનારીશ્વર સ્વરુપે દર્શન આપ્યા. અહીં પર્વત પર અર્ધનારીશ્વર સ્વરુપે પણ શિવજીનું એક મંદિર છે.