વગર સોયે રસી અપાશે; ડીસેમ્બર સુધીમાં ઝાયડસ કેડિલા પાંચ કરોડ ડોઝ તૈયાર કરે તેવી શકયતા
કોરોના સામેની વૈશ્વિક લડાઈ વધુ મજબૂત બની છે. કોરોનાને મ્હાત આપવા વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ અભિયાન જોરોશોરમાં ચાલી રહ્યું છે ત્યારે હવે ભારતમાં પણ વધુ એક રસીને આપાતકાલીન ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ રસી અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલા દ્વારા વિકસાવવામાં આવી છે. આ રસીની ખાસિયત એ છે કે તે વિશ્વની પ્રથમ ડીએનએ બેઝડ રસી છે. તેમજ રસી 12 વર્ષથી 18 વર્ષ સુધીના લોકોને પણ આપી શકાશે. ઝાયકોવ-ડી નામની આ રસીની અન્ય એક વિશેષતા એ પણ છે કે તેને સોય વગર જ આપી શકાય છે.
નોંધનીય છે કે ડીઓક્સી રીબોન્યુક્લિક એસિડ- ડીએનએ રસી સૌથી સુરક્ષિત અને અસરકારક પણ ગણાય છે. જે વિશ્વમાં સૌપ્રથમ અમદાવાદની કંપની ઝાયડસ કેડિલા દ્વારા વિકસાવવામાં આવી છે. અને સમગ્ર વિશ્વમાં રસીકરણ ક્ષેત્રે ભારતનું નામ વધુ ઉજળુ કર્યું છે. 12 થી 18 વર્ષના વયજુથને પણ અપાતી હોવાથી ભારતમાં આગામી સમયમાં બાળકોને પણ રસી આપવાનું શરૂ થશે. સંભવિત ત્રીજી લહેરનો ખતરો સૌથી વધુ બાળકો પર તોળાઈ રહ્યો છે ત્યારે બાળકો માટેની આ રસીને મંજૂરી મળતાં રસીકરણ ઝુંબેશને વેગ મળશે. બાળકોને કોરોના સામે સુરક્ષિત કરી શકાશે.
ઝાયડ્સ કેડીલાએ જણાવ્યું છે કે તે ડિસેમ્બર સુધીમાં આ રસીના અંદાજે પાંચ કરોડ ડોઝ તૈયાર કરી દેશે. જો કે માર્ચ 2022 પહેલા રસીકરણ શરૂ ન થાય તેવી શક્યતા છે.