દરિયાઈ સપાટી સાડા છ મીટર વધવાની શકયતા
વૈશ્વિક સ્તર ઉપર જે રીતે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે તેનાથી વિશ્ર્વના દરિયાકિનારાના શહેરો દરિયામાં ગરક થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જેમાં મુંબઈ, ચેન્નઈ જેવા શહેરોનું પણ નામ સામે આવ્યું છે. બીજી તરફ પૃથ્વીનું વાતાવરણ જે રીતે વધી રહ્યું છે તેને જોતા એન્ટાર્ટીકાનો બરફ ઓગળતા દરિયાઈ સપાટી વધવાની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ બરફ ઓગળતા કુલ દરિયાઈ સપાટીમાં સાડા છ મીટરનો વધારો થશે. મુંબઈથી મિયામી જેવા દરિયાકિનારા પર વસતા શહેરો માટે સંકટ ઉભુ થયું છે જેમાં લાખો લોકોના જીવન ઉપર પણ પ્રશ્ર્નાર્થ ઉભો થયો છે.
વિશ્વ સ્તર ઉપર જે રીતે પ્રદુષણ વધી રહ્યું છે તેને જોતા ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયાઈ સપાટી વધવાની ભીતિ સેવાઈ છે. જે રીતે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે તેને જોતા હિટવેવ, અતિવૃષ્ટિ, વાવાઝોડા જેવી કુદરતી ઘટનાનો પણ સામનો વિશ્વ આખાએ કરવો પડયો છે. ૧૯મી સદીથી સતત પૃથ્વીનું તાપમાન એક ડિગ્રી જેટલું વધી રહ્યું હોવાનું વૈજ્ઞાનિકોએ તેમના અભ્યાસમાં જણાવ્યું છે. વાતાવરણમાં પલટો, ઋતુઓની અનિશ્ચિતતા આ તમામ મુદાઓ ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે વાત સ્પષ્ટ થઈ રહી છે કે હાલ જે પૃથ્વીનું ચલણ જે હોવુ જોઈએ તેમાં અનેકગણો ફેરફાર પણ જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકોના તારણ મુજબ પૃથ્વીના તાપમાનમાં જયારે એક ડિગ્રીનો વધારો નોંધાતો હોય તો પરીણામરૂપે ૧૦ મીટરની સપાટીમાં વધારો થાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામતું હોય છે. વિશ્વના લોકો જે રીતે પર્યાવરણની જાળવણી કરવી જોઈએ તે ન થતા ઘણાખરા પ્રશ્નો પણ ઉદભવિત થયા છે. અંતે તમામ લોકોને આ વૈશ્ર્વિક આપતિનો સામનો કરવો પડયો છે.
વિશ્વનાં વૈજ્ઞાનિકો અને જે પેરિસ કરાર સાથે સંકળાયેલા દેશો છે તે હાલ પૃથ્વી પરના તાપમાનને નિયંત્રણ રાખવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરી રહ્યા છે જેનું મુખ્ય કારણ એ છે કે દરિયાઈ સપાટીમાં સહેજ પણ વધારો ન થાય. સરકાર પણ વાતાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ જેવા અનેકવિધ કાર્યો હાથ ધરતું હોય છે અને લોકોને અપીલ પણ કરવામાં આવે છે કે પર્યાવરણની જાળવણી પૂર્ણત: કરવામાં આવે અને એન્ટાર્ટીકા બરફીલો પ્રદેશ હોવાના કારણે મુખ્યત્વે ત્યાંનો તમામ વિસ્તાર બરફથી ઢંકાયેલો જોવા મળે છે અને જે રીતે તાપમાન વૈશ્ર્વિક સ્તર ઉપર વધી રહ્યું છે ત્યારે જામેલો બરફ પાણી થતા દરિયાઈ સપાટી વધવાની શકયતા જોવામાં આવે છે પરંતુ આ પરિસ્થિતિને કેવી રીતે નિવારી શકાય તે દિશામાં વિશ્વનાં નામાંકિત વૈજ્ઞાનિકો કાર્ય કરી રહ્યા છે.