- ત્રિ-દિવસીય કોન્ફરન્સ 450 ન્યુરો સર્જનો મગજ અને મણકાની આધુનિક સારવાર પધ્ધતિ અંગે થશે ગહન ચર્ચા
આજના આધુનિક યુગમાં પણ મગજ અને મણકાની વૈશ્વિક સારવાર પદ્ધતિની ભારતમાં કમી છે ત્યારે રાજકોટના આંગણે ર5 વર્ષના અંતરાલ બાદ રાજકોટ ન્યુરોસર્જન એસોસીએશનના યજમાન પદે ન્યુરોલોજીકલ સર્જન સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ત્રણ દિવસીય ન્યુરો સર્જન કોન્ફરન્સ યોજાઈ રહી છે જેમાં રશિયા, કોરિયા, જાપાન, અમરિકા, ઇન્ડોનેશિયા, લંડન અને મલેશિયાના ર0 વિશ્વપ્રસિદ્ધ તબીબો ઉપરાંત ભારતના ખ્યાતનામ ન્યુરો અને સ્પાઈન સર્જન હાજર રહી મગજ અને મણકાની આધુનિકમાં આધુનિક સારવાર પદ્ધતિ અંગે ભારતભરના ન્યુરો અને સ્પાઇન સર્જનને પ્રત્યક્ષ માર્ગદર્શન આપશે. ન્યુરો સર્જન કોન્ફરન્સમાં ન્યુરો નર્સીગ સ્ટાફ માટે પણ ટ્રેનિંગ સેશન રાખવામાં આવ્યું છે.
રાજકોટ ન્યુરોસર્જન એસોસીએશનના યજમાનપદે રાજકોટના આંગણે એઇમ્સ હોસ્પિટલ તેમજ રીજન્સી લગૂન ખાતે આગામી તા.ર8 ફેબ્રુઆરીથી લઈ 1 અને ર માર્ચના રોજ ન્યુરોલોજીકલ સર્જન સોસાયટી ઓફ ઇન્ડિયાના ઉપક્રમે ત્રિ-દિવસીય ન્યુરો સર્જન કોન્ફરન્સ યોજવા જઈ રહી છે. આ કોન્ફરન્સ અંગે રાજકોટના ખ્યાતનામ ન્યુરો સર્જન અને રાજકોટ NSSICON RAJKOT -ર0ર5 ના પ્રમુખ ડો.પ્રકાશ મોઢાએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ન્યુરો અને સ્પાઇન સર્જરી ક્ષેત્રે થઇ રહેલા નવા શોધ સંશોધનો અને નવી સારવાર પદ્ધતિ અંગે રાજકોટ સહિત દેશભરના ન્યુરો સર્જન લાભ લઇ શકે તે માટે રાજકોટ ખાતે નેશનલ લેવલની ન્યુરો સર્જન કોન્ફરન્સ યોજાઈ રહી છે. આ કોન્ફરન્સમાં દેશના 450થી વધુ ન્યુરો સર્જન ભાગ લઈ રહ્યા છે જેઓને વિદેશથી આવી રહેલા ર0 તેમજ દેશના ટોચના 70 ન્યુરોસર્જન પોતાના બહોળા અનુભવ અને આધુનિક સારવાર પદ્ધતિ અંગે માહિતી ઉપરાંત વર્કશોપમાં પ્રત્યક્ષ સમજ આપશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના આંગણે યોજાઈ રહેલી આ ન્યુરો સર્જન કોન્ફરન્સ માટે અંદાજે ર0 કરોડથી વધુના વિવિધ ન્યુરોસર્જીકલ ઈન્સ્ટ્રુમેન્ટ મંગાવવામાં આવ્યા છે જે વર્કશોપ સ્થળે ખાસ ઓપરેશન થિયેટરમાં નિર્દશન કરવાની સાથે એઇમ્સ હોસ્પિટલ ખાતે યોજાનાર કેડેવરી વર્કશોપમાં ઉપયોગમાં લઈ દરેક ન્યુરો સર્જનને આધુનિક સારવાર પદ્ધતિ અંગે પ્રત્યક્ષ રીતે સમજણ આપવામાં આવશે, ઉલ્લેખનીય છે કે, કે ન્યુરો અને સ્પાઇન સર્જરી માટે એઇમ્સ ખાતે દેહદાનમાં આવેલ બોડી ઉપર જ આધુનિક સર્જરી અંગેના ઓપરેશનો પણ કરવામાં આવનાર હોવાનું ડો.પ્રકાશ મોઢાએ જણાવ્યું હતું.