- બુરા દેખન મૈ ચલા, બુરા ના મિલા કોઈ; જો મન ખોજા અપના,મુજસે બુરા ના કોઈ
આ સુંદર સૃષ્ટિ અને એનું નયનરમ્ય અને આહ્લાદક ચિત્ર તથા પ્રકૃતિના અનેક રંગો એ ભગવાનની માનવજાત અને પ્રાણીઓને એક મોટી દેન છે. પરંતુ આ દુનિયા અને પ્રકૃતિ કેટલી સુંદર છે એ જોનારની આંખો પર આધારિત છે, એટલે કે જોનારના ઈરાદા અને એના મન પર આધારિત હોય છે. મનુષ્યનું શરીર અને એનું મન હંમેશા જોડાયેલું રહે છે. મનની શરીર પર અને શરીરની મન પર સતત અસર થતી રહે છે.જેવું આપણું મન એવું જ આપણું શરીર. વેદો અને શાસ્ત્રોમાં એ સ્પષ્ટ અને સિદ્ધ કરવામાં આવ્યું છે કે આખા સંસારની ગતિવિધિનું નિર્માણ મન દ્વારા જ થાય છે. એટલે એવું કહી શકાય કે શરીર અને મન એ એક સિક્કાની બે બાજુ જેવા છે.
જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, એટલે કે આપણે જેવા હોઈએ તેવી જ આ દુનિયા આપણને લાગે છે. જો આપણો અભિગમ કે દ્રષ્ટિકોણ સકારાત્મક હોય તો આપણને બધું જ સકારાત્મક દેખાશે અને જો આપણો અભિગમ કે દ્રષ્ટિકોણ નકારાત્મક હશે તો આપણને આ દુનિયામાં કશું જ સારું કે સકારાત્મક નહી જ દેખાય. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જેવો આપણો અભિગમ કે દ્રષ્ટિકોણ હોય તેવું આપણે જોઈ, સાંભળી કે સમજી શકીએ છીએ. જેવી આપણી ભાવના, ઈચ્છા, વાસના અથવા કલ્પના હોય તે જ પ્રમાણે આપણને શરીર મળે છે. આપણી બહારની દુનિયા એ આપણો પડછાયો માત્ર છે.
જો આપણી આંખોના ચશ્માં પર ધૂળ જામેલી હોય તો આપણને આખી દુનિયા ધૂંધળી જ દેખાય. જો આંખો પર કોઈ રંગના ચશ્માં પહેર્યા હોય તો આ દુનિયા એ જ રંગની દેખાય. પોતાની દ્રષ્ટિ અનુરૂપ જ આ દુનિયા આપણને દેખાય છે. એક જ પ્રસંગ કે કોઈ બાબતને કોઈ વ્યક્તિ નકારાત્મક રીતે જોશે તો કોઈ એને હકારાત્મક રીતે.કોઈને પ્યાલો અર્ધો ભરેલો દેખાશે તો એ જ પ્યાલો કોઈને અર્ધો ખાલી.
મહાભારત કાળની એક ખૂબ જ પ્રચલિત કથા છે. જેમાં ગુરુ દ્રોણાચાર્ય દુર્યોધન અને યુધિષ્ઠિરની પરીક્ષા કરે છે. સૌ પ્રથમ ગુરુ દ્રોણાચાર્યએ દુર્યોધનને બોલાવ્યો અને કહ્યું કે નગરમાં જાઓ અને કોઈ સારા માણસને શોધી લાવો.ગુરુની આજ્ઞા માની દુર્યોધન નગરમાં સારા માણસની શોધમાં નીકળી પડ્યો. થોડા સમય પછી તે પાછો આવ્યો અને ગુરુને કહે કે હે ગુરુદેવ, હું આખાયે નગરમાં ફર્યો પણ મને કોઈ સારો માણસ જડ્યો નહિ. એ પછી ગુરુએ યુધિષ્ઠિરને બોલાવીને નગરમાંથી કોઈ એક ખરાબ માણસને શોધવાની આજ્ઞા કરી. ગુરુની આજ્ઞા માની યુધિષ્ઠિર નગરમાં ખરાબ માણસની શોધમાં નીકળી પડ્યા. જે રીતે દુર્યોધનને કોઈ સારો માણસ ન મળ્યો તેવી જ રીતે યુધિષ્ઠિરને કોઈ ખરાબ માણસ ન મળ્યો. તે પણ ખાલી હાથે પાછા આવ્યાં અને ગુરુ સમક્ષ કહે કે ગુરુ, મને કોઈ ખરાબ માણસ ન મળ્યો.
આ પછી ત્યાં હાજર અન્ય શિષ્યોએ ગુરુ દ્રોણાચાર્યને પૂછ્યું કે હે ગુરુદેવ, આ તે કેવું ? દુર્યોધનને કોઈ સારો માણસ ન દેખાયો. જ્યારે યુધિષ્ઠિરને કોઈ ખરાબ ન દેખાયું. ત્યારે ગુરુ દ્રોણાચાર્યએ કહ્યું કે આપણો જોવાનો દ્રષ્ટિકોણ જેવો હોય તેવું જ આ વિશ્વ આપણને દેખાય છે. એટલે કે વાત આપણી નજરની છે. આપણા દ્રષ્ટિકોણની છે. જો આપણો દ્રષ્ટિકોણ સાફ હોય અને સકારાત્મક હોય તો જીવનની દિશા જ બદલાઈ જાય છે.
પગમાં પહેરેલા જોડામાં ખૂંચતી ખીલીનું દુ:ખ થતું હોય ત્યારે જેને પગ નથી અને જોડા પહેરી શકે એવી સ્થિતિમાં નથી એવા માણસનો વિચાર કરતા ખૂંચતી ખીલીનું આપણું દુ:ખ ભુલાઈ જાય છે.
આ દુનિયાની અંદર ભગવાનની કૃપાથી દરેકને આંખ મળી છે.પરંતુ આંખથી માણસ કેવું જોવે છે તે મહત્વનું છે. આંખથી માણસ સારું પણ જોઈ શકે છે અને ખરાબ પણ જોઈ શકે છે.તેથી માણસે શ્રેષ્ઠ દ્રષ્ટિ કોણ કેળવવો જોઈએ.
સુખ કે દુ:ખ લેવું તે આપણા હાથમાં છે. આપણે સારું કે ખરાબ કેવું જોઈએ છે, કેવું ગ્રહણ કરીએ છીએ તેના ઉપર સુખ અને દુ:ખ મળે છે. તેથી જીવનમાં દરેક પરિસ્થિતિને પોઝિટિવ જોવાથી સુખી થઈ શકાય છે. બાકી ગમે તેટલું તમારી પાસે હશે પણ શ્રેષ્ઠ દ્રષ્ટિકોણ નહીં હોય તો તમે દુ:ખી જ રહેશો.
સંત ઓગસ્ટિનનું જીવન જાણવા જેવું છે. તેઓ ક્યારેય કોઈનું ખરાબ જોતા નહીં, કોઈનું ખરાબ બોલતા નહીં અને કોઈને ખરાબ બોલવા દેતા પણ નહીં.સંત ઓગસ્ટિન તેમની પાસે કોઈ વ્યક્તિ કોઈના અવગુણ, અપરાધ કે નીંદાની વાત કરે તો તેને તેઓ અટકાવતા અને ખોટા માર્ગેથી પાછા વાળતા.એમના ઘરની દિવાલ પર તેમને બોર્ડ લગાવેલું, ‘ચુગલીખોર માટે અહીં જગ્યા નથી, અહીં માત્ર સચ્ચાઈ અને સહાનુભૂતિનું રાજ્ય છે.’
એક દિવસ તેમના ઘેર તેમને મળવા માટે તેમના કેટલાક બાળપણના મિત્રો આવ્યા.વાત વાતમાં એક મિત્રના તેઓ અવગુણ કહેવા લાગ્યા અને નિંદા કરવા લાગ્યા,ત્યારે સંત ઓગસ્ટિને તરત તેમના મિત્રોને કહ્યું તમે મહેરબાની કરીને આવી નબળી વાતો અહીંયા ન કરશો અને તમે મારી આ વિનંતીનો સ્વીકાર નહીં કરો તો મારે આ દિવાલ ઉપર આ બોર્ડ પર લખેલા શબ્દો ભૂંસી નાખવા પડશે.મિત્રોએ તરત જ અવગુણ – નિંદાની વાત બંધ કરી દીધી.
તેથી સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી કહે છે કે, ‘મુક્ત કહે વચનમેં સંત સાર ગ્રહી લેત, જ્યું હંસા પય પીત તબ, નીર સબ હી તજ દેત’ અર્થાત્ જેમ હંસ હોય છે તે મણ પાણીમાંથી પાશેર દૂધને જુદું પાડીને ગ્રહણ કરી લે છે, તેમ આપણે જે સારું હોય તે જોવાની દ્રષ્ટિ કેળવવી જોઈએ.