માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની સૌથી વધુ પ્રાચીન ભાષા સંસ્કૃતમાં એક મશહુર ઉક્તિ છે જે આપણે શાળાકીય સ્તરે જ સાંભળી છે અને અભ્યાસ કર્યો છે. વસુધેવ કુટુમ્બકમનો વિચાર સમગ્ર વિશ્વને આપનાર આપણી પોતાની અને પોતિકી મહાન સંસ્કૃત ભાષાને આપણે ભલે વિસરી ગયા હોય પરંતુ આ શક્તિશાળી અને સંપૂર્ણ ગણાતી ભાષા ભારતના સીમાડા પાર કરીને વિશ્વભરમાં પહોંચી રહી છે અને વિશ્વની સાઈન્ટિફીક તથા એકેડેમીક દુનિયાને ઘેલુ લગાડી રહી છે. વિશ્વને આજના આધુનિક યુગમાં સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાયું છે એટલે સંસ્કૃત શિખવા માટે દેશ-વિદેશના વિદ્વાનો પડાપડી કરી રહ્યાં છે. કેમ કે મેડિકલ સાયન્સ અને કોમ્પ્યુટર સાયન્ટ માટે તો સૌથી અનુકુળ ભાષા તરીકે સંસ્કૃત પુરવાર થઈ રહી છે જે ભારત માટે ગૌરવ લેવાની હકીકત ગણાય.

કોમ્પ્યુટરની ટોકિંગ લેંગવેજ તરીકે ઉપયોગી બની શકે તેવી એકમાત્ર વિશ્વની ભાષા હોય તો એ સંસ્કૃત

વિશ્વભરના દેશોમાંથી સંસ્કૃત શિખવા માટે ભારત તરફ વિદ્વાનો અને વિદ્યાર્થીઓનો ધસારો

વસુધેવ કુટુંમ્બકમની ઉક્તિ સાર્થક કરશે વેરાવળની શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી

ભારત પોતાની જ મહાન ધરોહરને ભુલી ગયું અને સંસ્કૃત પંડિતોની ભાષા તરીકે સિમીત કરાઈ

કમનસીબે આપણે પોતે આપણો આ મહાન વારસો અભેરાઈ પર ચડાવી દીધો છે અને સંસ્કૃત જેવી સંપૂર્ણકક્ષાની ભાષાને આપણે પંડિતોની ભાષા બનાવીને સિમીત કરી દીધી છે. જો કે, વિજ્ઞાનને સંસ્કૃતનું મહત્વ બરાબર સમજાઈ ગયું છે એટલે સંસ્કૃત શિખવા માટે વિદેશી વિદ્વાનો, વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો પડાપડી કરવા લાગ્યા છે. આ દિશામાં સૌથી સારી પહેલ વેરાવળ ખાતે સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ કરી છે.

વસુધેવ કુટુમ્બકમની ભાવના વેરાવળની આ યુનિવર્સિટી ખરા અર્થમાં સાકાર કરી રહી છે. વેરાવળ યુનિવર્સિટીમાં વિદેશથી અને ખાસ કરીને ઈસ્લામી દેશોના વિદ્યાર્થીઓ પણ સંસ્કૃત શિખવા આવી રહ્યાં છે. ગુજરાત અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ અહીં સંસ્કૃત શીખી જ રહ્યાં છે પરંતુ હવે વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સંસ્કૃત ભાષાના પંડિત બનવા માટે વેરાવળની દિશામાં દોડ લગાવી ર્હયાં છે જે ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ બીના છે.

ગત 2005ની સાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેરાવળ ખાતે સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરાવી હતી. ત્યારથી દેશભરના વિદ્યાર્થીઓ અહીં આવી રહ્યાં છે અને ભારતની સૌથી પ્રાચીન ભાષા શિખવા ઉત્સાહભેર યુનિવર્સિટીમાં નામ નોંધણી કરાવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશમાં અને વિદેશ નીતિ અંગેના જે કાંઈ પ્રવચનો ર્ક્યા છે તેમાના મોટાભાગના પ્રવચનો તેમને સંસ્કૃતના મહત્વ પર અવાર-નવાર ભાર મુક્યો છે જેના કારણે વિશ્વની નજર ખેંચાઈ છે.

વેરાવળમાં 3 ઈસ્લામી દેશોના વિદ્યાર્થીઓએ એડમીશન લીધુ છે તે ખુબજ ઉલ્લેખનીય ગણી શકાય. અફઘાનિસ્તાન, ઈરાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓએ સંસ્કૃત શીખવા માટે સોમનાથ યુનિવર્સિટીમાં એડમીશન લીધુ છે. યુનિવર્સિટીના પ્રાધ્યાપક લલીત પટેલે જણાવ્યું હતું કે, ઈસ્લામી દેશોમાંથી વિદ્યાર્થીઓ આવ્યા હોય તેવું પહેલી વખત બન્યું છે. આપણા સૌ માટે આ ગૌરવની ઘટના છે. ઈરાનના ફરઝાદ સાલેહજેલીએ સંસ્કૃત ભાષા અને સાહિત્ય સાથે બીએ કરવા માટે એડમીશન લીધુ છે. એ જ રીતે બાંગ્લાદેશના રતિદ્રો સરકારે પણ પીએચડીની ઉપાધી માટે સંસ્કૃત શીખવા સોમનાથ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે.

અફઘાનિસ્તાનથી માસુર સંગીમ નામના વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો છે. કુલ 9 વિદેશી વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં સોમનાથ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી કરી ચૂક્યા છે. અન્ય 3 વિદેશી વિદ્યાર્થીઓની અરજી નકારવી પડી છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દશરથ જાદવે એવું કારણ આપ્યું હતું કે, 3 વિદેશી વિદ્યાર્થીઓ જે અભ્યાસક્રમ ઈચ્છતા હતા તેઓ હજુ આપણે શરૂ કર્યો નથી જે માટે એમની અરજી નકારવી પડી છે. કેન્દ્ર સરકારના આદેશ મુજબ વિદેશી વિદ્યાર્થીઓના વિઝાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તેમના માટેના વર્ગો શરૂ કરવામાં આવશે.

સંસ્કૃત એ ભારતની સૌથી વધુ પ્રાચીન ભાષા છે જે પ્રાચીન યુગમાં ભારતવાસીઓની સામાન્ય વ્યવહારની ભાષા રહી ચૂકી છે. એ જમાનામાં સંસ્કૃત જ મુખ્ય લોકબોલી હતી. પંડિતો હોય કે સામાન્ય માનવી બધા જ સંસ્કૃતમાં વ્યવહાર કરતા હતા. સાંસ્કૃતિક, શૈક્ષણિક અને જલ વ્યવહારની ભાષા તરીકે સંસ્કૃતનો જ ઉપયોગ થતો હતો પરંતુ કમનસીબી એ છે કે, સમય વિતવા સાથે સંસ્કૃત માત્ર શાસ્ત્રોના ગ્રંથો અને પુસ્તકોમાં જ સીમીત થઈ ગઈ છે અને આમ જનતાના વ્યવહારમાંથી સંસ્કૃત ભાષા અલોપ થઈ જવા પામી છે. સામાન્ય વ્યવહારની ભાષાના બદલે માત્ર બ્રાહ્મણોની ક્રિયાકાંડની ભાષા તરીકે આપણે સંસ્કૃતને સીમીત કરી નાખવાનું પાપ ર્ક્યું છે. હવે ધીમે ધીમે  આપણે સંસ્કૃતનું આજના જમાનામાં પણ કેટલું મહત્વ અને કેટલી જરૂરીયાત છે તે સમજવા લાગ્યા છીએ.

આપણા કરતા પહેલા જર્મનો સંસ્કૃતનું મહત્વ સમજયા હતા. જર્મનીમાં દાયકાઓથી સંસ્કૃતનો અભ્યાસ થઈ રહ્યો છે. ટેકનોલોજીના વિકાસમાં અને ખાસ કરીને ઓટો મોબાઈલ તથા કોમ્પ્યુટરના વિકાસમાં જર્મનીએ સંસ્કૃત ભાષામાં ભારતીય ઋષિઓએ લખેલા ગ્રંથોનો ભરપુર ફાયદો ઉઠાવ્યો છે અને ટેકનોલોજીનો વિકાસ ર્ક્યો છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કોમ્પ્યુટરની લેંગવેજ તરીકે અન્ય કોઈ ભાષા સંપૂર્ણપણે કોમ્પ્યુટર સાથે બંધ બેસતી નથી. ઉચ્ચારણોમાં ગડબડ થઈ જતી હોય છે પરંતુ વિદેશી વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરીને એ પુરવાર ર્ક્યું છે કે, સંસ્કૃત એકમાત્ર એવી ભાષા છે કે જેને કોમ્પ્યુટરની ટોકિંગ લેંગવેજ તરીકે આસાનીથી કોમ્પ્યુટરમાં ફીટ કરી શકાય છે અને ઉચ્ચારણોની પણ કોઈ ભુલ થતી નથી કે જોવા મળી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.