માનવજાત સામે નવા સંકટનાં ઘેરાતાં વાદળ: ભારતે ચીનને હંફાવવા રશિયન પ્રમુખને સાધ્યા; સંહારક શસ્ત્રોની હેરાફેરીની રણનીતિ: સરહદી સીમાડાઓ સળગવાનાં સંકેત: માનવજાત માટે કોઈ યુધ્ધ સારૂ નહિ હોવાનો ભૂલાતો ઉપદેશ !
૧૯૬૨માં ચીને ભારત ઉપર અણધાયુર્ં-વિશ્વાસઘાતસમું લશ્કરી આક્રમણ કરીને ભારતનો વિશાળ મૂલક બળજબરીથી હસ્તગત કરી લઈને હમણા સુધી જેમનો તેમ દબાવી રાખ્યાની દાદાગીરી ! ભારતની સંસદે આ મૂલકને પરત મેળવવાના સવાનુમતે ઠરાવ કર્યો હોવા છતાં ચીનના આંખ આડા કાન ! નવી રણનીતિમાં મોદી સરકાર કેવો અભિગમ અપનાવશે? મહત્વનો પ્રશ્ર્ન !
એક બાજુ કોરોનાનો એકધારો હાહાકાર અને તેને કારણે સતત વણસતી આખા દેશની પરિસ્થિતિ તો બીજી બાજુ પૂન: વિશ્વસ્તરનું ડોકાતું શીતયુધ્ધ (કોલ્ડવોર) આખા જગતને કોણ જાણે કયાં લઈ જશે એ આખા જગતનો આજનો સહુથી મુંઝવતો પ્રશ્ર્ન છે.
કોરોના-મહામારીએ તો આપણા ભારતને અને મોદી સરકારને જાણે નાકે દમ લાવી દીધો છે. અને તેના અર્થતંત્રને તેમજ અબજોના ધંધા રોજગારને ઘણે ચૂંથી નાખ્યા છે ! વિશ્વના અમેરિકા, ચીન, ભારત, યુ.કે. તેમજ એશિયા યૂરોપના લગભગ તમામ દેશો આવા બહુમૂખી હાહાકારનો ભોગ બની ચૂકયા છે.
ઓછામાં પૂરૂં વિશ્વને ફરી એકવાર શીતયુધ્ધ (કોલ્ડવોર)ની ભયાનકતા ભરડો લઈ રહી છે.
બીજા વિશ્વયુધ્ધે સમગ્ર વિશ્વને ખેદાનમેદાન કર્યું હતુ, એ દેશકાળ હજૂ ભૂલાયો નથી અને અમેરિકા-રશિયાની એક વખતની મહાસત્તાઓએ કોલ્ડવોર ચાલુ રાખીને માનવજાતને જુદી જુદી યાતનાઓમાં હોમ્યા કરી હતી, એટલામાં નવા વિશ્વ યુધ્ધના હાકલા પડકારા શરૂ થઈ ગયા છે. ભારત અને ચીન વચ્ચે અસાધારણ ગરમાગરમી શરૂ થઈ ચૂકી છે.
નેપાળ, ચીન, ભારત, અમેરિકા, પાકિસ્તાન વગેરે રાષ્ટ્રો છેલ્લા કેટલાક વખતથી એક બીજાની સામે ઝેર ઓકી રહ્યા છે અને જાતજાતના ફૂંફાડા મારી રહ્યા છે. એક બાજૂ, વ્યાપાર- ઉદ્યોગને સાંકળતી લડાઈ છે, તો બીજી બાજુ, સીમા-સરહદોને સાંકળતી લડાઈનો ધૂંધવાટ છે.
આ ઉશ્કેરાટ અને ગરમાગરમી સંહારક શસ્ત્રો સુધી એર સ્ટ્રાઈક સુધી વ્યાપક બની છે.
ચીનને ભારતનાં વડાપ્રધાન મોદીએ તેમજ સેના અધ્યક્ષોએ ખૂલ્લી ચેતવણી આપી છે. ઉશ્કેરણી કરનારને જવાબ આપવા ભારત સક્ષમ છે. એવો દાવો તેમણે કર્યો છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોને ‘હાઈએલર્ટ’માં રખાઈ હોવાનું જણાવાયું છે. અને લદાખ સીમા પાસેનાં ગામો ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનો ઘોંઘાટ આરંભાઈ ચૂકયો છે. અહેવાલો અનુસાર ભારત-ચીન વચ્ચે ટેન્શન ચરમસીમાએ પહોચી ચૂકયું છે.
હિમાચલ, ઉત્તરાખંડ, અરૂરાચલમાં સૈન્યને તૈયાર રાખવામાં આવ્યું છે. ભારતના તમામ એરબેઝને કટોકટી માટે તૈયાર રહેવાના આદેશો અપાયા છે. અને નૌકાદળના જહાજો સજજ કરી દેવાયા છે.
સૈન્યના તમામ જવાનોની રજા રદ કરી દેવાઈ છે.
વ્યાપારી સ્તરે ચીનને અલગ અલગ કરવાનો વ્યૂહ અપનાવીને એને આર્થિક રીતે જબરો ફટકો મારવાની ગતિવિધિઓ થઈ રહી છે.
સરદાર વલ્લભભાઈ પટેલે તો સ્પષ્ટ પણે એવી સલાહ આપી હતી કે, ‘તૂર્કી ટોપી’ (અર્થાત પાકિસ્તાન) અને પીળી ચામડી (અર્થાત ચીન)નો કદાપિ ભરોસો કરવો નહિ.
સરદાર પટેલની આ રાજદ્વારી સલાહ અત્યારે પણ એટલી જ સાચી પડે છે.
અહી નોંધપાત્ર બાબત એ છે કે, ૧૯૬૨માં ચીને હિન્દી-ચીની ભાઈ ભાઈના સૂત્રો વચ્ચે ચીને દગાપૂર્વક ભારત ઉપર લશ્કરી આક્રમણ કર્યું હતુ. અને ભારતનો લશ્કરી બળજબરી પૂર્વક વિશાળ પ્રદેશ પડાવી લીધો હતો, જે અત્યારે પણ ચીને તેના કબ્જામાં દબાવી રાખ્યો છે.
ભારતની એ વખતની સંસદે સર્વાનુમતે ચીનની દગાખોરીને વખોડી કાઢીને ભારતનો પ્રદેશ પાછો લઈ લેવાનો ઠરાવ કર્યો હતો. જે હજુ સુધી જેમનો તેમ રહ્યો છે. જો મોદી સરકાર એ પાછો મેળવી લે તો તે એની બહુ મોટી સિધ્ધિ ગણાશે. પરંતુ એ વિષે આ સરકારે પણ હજુ સુધી એવું કૌવત દાખવ્યું નથી!
ભારત-ચીન વચ્ચેનું યુધ્ધના ઓછાયા સમું હાલનું ઘર્ષણ આમતો ઉપર છલ્લુ અને દેખાવ પૂરતું લાગે છે. તો પણ જો ખરેખરા યુધ્ધનાં તણખાં ઝરે તો આ યુધ્ધ બે દેશો વચ્ચે સીમિત ન જ રહી શકે, એમ જણાય છે. વળી, કોઈ યુધ્ધ બંને દેશો માટે અત્યંત હાનિકર્તા બને જ એ નિર્વિવાદ છે.
આપણો દેશ અને અન્ય દેશો કોરોનાગ્રસ્ત છે અને તે બહુ જ બુરી હાલતમાં છે આમ, આજનો સમય ભારત માટે સાનુકુળ નથી એવો ખ્યાલ ઉપસે છે. કોઈ ભયાનક યુધ્ધ કોઈના માટે લાભકર્તા નથી એ વાત ભૂલવા જેવી નથી અને ચીને બળજબરીથી કબ્જે કરેલો તેમજ ભારતની સંસદે તેને પાછો મેળવવાનો ઠરાવ સિધ્ધ કરીને મોદી સરકાર ઐતિહાસિક યશ પ્રાપ્ત કરી શકે તેમ છે. એ વાત ભૂલવા જેવી નથી.