- સાધુ,સદગુરુ,સંત,આચાર્ય, મહાત્મા, બુદ્ધપુરુષ તમને કાયમ અંધારાનો ડર બતાવે,તો સમજવું કે એ પોતાની ટોર્ચ વેચવા માંગે છે!
- રામકથાગાન ઉપરાંત ગુજરાત અને ભારતભરમાંથી પધારેલા સાહિત્યકારો-સર્જકોની બેઠકો અને સંવાદી કાર્યક્રમો પણ સમાંતરે ચાલતા રહે છે.જેમાં નૃત્ય,પ્રવચન સુફી ગીત ઉપર નૃત્ય,વિદ્વાનોના વક્તવ્ય વગેરે વાકધારાઓ ચાલતી રહી છે એ તરફ બાપુએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી બાપુએ જણાવ્યું કે શંકરાચાર્ય કહે છે પ્રસન્ન ચિત્તે પરમાત્મ દર્શનમ-પરમાત્માના દર્શનનું પહેલું પગથિયું પ્રસન્નચિત્ત હોવું એ છે.
બાપુએ કહ્યું કે કોઈ પણ સાધુ,સદગુરુ,સંત,આચાર્ય, મહાત્મા,બુદ્ધપુરુષ તમને કાયમ અંધારાનો ડર બતાવે,બીક બતાવે અને કહે કે તમે મૂરખ છો,મૂઢ છો,પાપી-દૃષ્ટ છો,નરકમાં જાશો… આવું સતત કહેતો સમજવું કે એ પોતાની ટોર્ચ વેચવા માંગે છે, પોતાનો ધંધો ચલાવવા માંગે છે.એને ખબર નથી કે એની ટોર્ચમાં પાવર પરમાત્માનો છે.
બાપુએ જણાવ્યું કે પ્રયોગ પ્રયાગ ન બને તો માત્ર શ્રમ છે,વિશ્રામ નથી.કારણ કે પ્રયોગનું પરિણામ પ્રયાગ હોવું જોઈએ.જ્યાં ગંગા,યમુના,સરસ્વતી મળે અને વિશ્વાસનું વટવૃક્ષ સર્જાય.
તમને શાંતિ અને ખુશી જોઈએ છે?બાપુએ સુંદર વાત કરતા કહ્યું કે તો તમારી હદ સમજી લ્યો અને હદમાં રહેતા શીખી જાવ! આ વૈશ્વિક શાંતિનું પહેલું પગથિયું છે.સીતા ખુશી છે,શાંતિ છે પણ લક્ષ્મણ રેખાની બહાર ગઈ એટલે એનું હરણ થયું છે.
પ્રેમ કદાચ સંસાર છે તો આ સંસાર અમને મંજૂર છે કારણ કે પ્રેમ જ સંસારમાંથી સંન્યાસ સુધી પહોંચાડશે.સામાન્ય રીતે મંત્ર ત્રણ પ્રકારના હોય છે:યંત્રનો પ્રયોગ કરે ત્યાં પણ મંત્ર હોય છે-એ રજોગુણી હોય છે,ખૂબ જ પ્રવૃત્તિ થાય.તંત્રમાં પણ મંત્ર છે એ તમોગુણી અને આક્રમક હોય છે.અને મંત્રવાદીનો મંત્ર સત્વપ્રધાન હોય છે.સત્વગુણ ઉર્ધ્વગમન કરાવે છે.આ દુનિયાને લેબલનો નહીં પણ લેવલનો સાધુ જોઈએ છે.રામચરિતમાનસના વિવિધ સ્વરૂપમાં મંત્ર શબ્દો આવ્યો છે અને આજે ચોથો મંત્ર-દ્વાદશ અક્ષર મંત્ર એના પર વિશેષ સંવાદ થયો.બાપુએ કહ્યું કે કોઈ અટપટા મંત્ર નહીં પણ શિવ,રામ,કૃષ્ણ,દુર્ગા,ગણેશ, હનુમાન,વિષ્ણુ-આ મંત્ર આપણું લક્ષ્ય છે.તંત્ર અને યંત્રમાં ન જવું.મંત્રની ઉપાસના કરનારનું પ્રથમ દ્વાર છે વાણીનો નિરોધ-બની શકે એટલો મૌન રહેવું.વાણીના નિરોધનો એક મતલબ એ છે કે કડવું ન બોલવું અને શક્ય હોય એટલું સાચું બોલવું.બીજું છે અપરિગ્રહી બનવું.આશા પણ છોડી દેવી કે મંત્રથી કાંઈ સિદ્ધિ મળશે અને ઈચ્છા પણ છોડી દેવી.અને નિત્ય એકાંત શીલતાનું પાલન કરવું-આ પાંચ નાનકડા નિયમ મંત્ર સિદ્ધિ માટે છે.શ્રીમદ ભાગવત એ દ્વાદશ સ્કંધનો ગ્રંથ છે,ભગવત ગીતામાં બારમો અધ્યાય અને આપણે ત્યાં દ્વાદશ જ્યોતિર્લિંગનો પણ વિશાળ અર્થ છે.બાપુએ કહ્યું કે મને અહીં સત્ય,પ્રેમ અને કરુણા દેખાય છે.શ્રીમદ ભાગવતનાં બાર સ્કંધ એ સત્ય છે. ગીતાનો બારમો અધ્યાય જેને આપણે ભક્તિ કહી એ પ્રેમ છે
અને દ્વાદશજ્યોતિર્લિંગ એ કરુણા છે. ત્રણેયના ચાર-ચાર ઉપાંગોને જોડીએ તો એ પણ બાર બને છે.જેમ કે સત્યના ચાર ઉપાંગ:વિચાર, ઉચ્ચાર,આચાર અને મૌન છે.પ્રેમના ચાર ઉપાંગ: શ્રવણ,દર્શન,વાતચીત અને સ્પર્શ છે.કરુણાના ચાર ઉપાંગ: આંસુ, હ્રદય, શિવ અને કરુણા કરનાર પાત્ર છે.