એકવીસમી સદીના ઔદ્યોગીક વ્યાપારીક વિસ્તરણના આ યુગમાં વૈશ્વિક અર્થતંત્ર, વેપાર ઉદ્યોગ અને ટેકનોલોજીના બની આવિષ્કાર અને આયોજનથી વિકસી રહ્યું છે. ત્યારે વિશ્વની તમામ બજારો ઉદ્યોગો અને તક ધરાવતા ઉદ્યોગો માટે ભારતની બજારો સંજીવની બની રહી છે. દાયકાઓથી ભારત અને ખાસ કરીને ગુજરાત વિશ્વ વેપારની ધરોહર બની રહ્યું છે. વહાણવટીના પ્રાચીન યુગ અને વૈજ્ઞાનિક કાળના ઉભરતા યાંત્રીક યુગમાં ગુજરાતના વેપારીઓ અને વેપાર વિશ્વના વેપાર સમાજની નજરમાં સુવર્ણભૂમિ તરીકે ઓળખાતી અને વેપારીઓની એક સમાન મહેચ્છા રહેતી હતી કે કોઈપણ રીતે તે ગુજરાત અને ગુજરાતના વેપારીઓ સાથે સંકળાયેલા રહે ત્યારે વર્તમાન કેન્દ્ર અને રાજય સરકારના પ્રયત્નોથી ફરીથી ગુજરાતને વિશ્વ વેપારની ધરોહર બનવાનું પૂરેપૂરૂ સામથ્ય પ્રાપ્ત થયું છે.

વડાપ્રધાન દ્વારા આજે ગાંધીનગરમાં ૯મી વાઈબ્રન્ટ ગુજરાત સમીટનો જે પ્રારંભ કરવામાં આવ્યો તેમા વિશ્વના અનેક મોટા ગજાના વેપારીઓએ ગુજરાતના માધ્યમથી દેશના વેપાર ઉદ્યોગ સાથે જોડાવવાના તત્પરતા સાથે ઉમળકાભેર પોતાના વ્યવસાયના વિકાસની પ્રતીબધ્ધતા દર્શાવી છે. ૨૦મી જાન્યુઆરી સુધીની આ ગ્લોબલ ઈવેન્ટ ઈન્ડીયામાં ૫૫ દેશના વેપારી પ્રતિનિધિઓ, મોટીકંપનીઓનાં સીઈઓ સહિત ૩૦,૦૦૦ જેટલો વિશાળ સંખ્યામાં ઉમટી પડેલા પ્રતિનિધિઓના માધ્યમથી અનેક નવી વ્યવસાયીક પ્રવૃત્તિઓ અને ધંધા ઉદ્યોગના વિકાસને નવી દિશા મળશે ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગ્લોબલ સમીટની આંતરરાષ્ટ્રીય વેપાર વિકાસની સાથે સાથે અમદાવાદમાં ઘરઆંગણાના ઉદ્યોગ સાહસીકો , વેપારી અને તેમના ઉત્પાદનો પ્રમોટ કરવાની તક આપતા દેશના સૌ પ્રથમ ગણી શકાય તેવા શોપીંગ ફેસ્ટીવલ ૨૦૧૯માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટની ઉજવણીની સાથોસાથ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાથી ગુજરાતનાં ઉદ્યોગ સાહસીકોને વિશ્વ પ્રતિનિધિઓ વચ્ચે ઉપલબ્ધીની તક મળી છે. આમ અત્યારે ગુજરાતમાં વેપાર ઉદ્યોગના વિકાસ માટે આંતરરાષ્ટ્રીય અને સ્થાનીક એમ બંને સ્તરે વિકાસની તકો માટે પ્લેટફોર્મ મળ્યું છે. વડાપ્રધાને જણાવ્યું હતુ કે વૈશ્વિકબજાર ભારત અને ગુજરાત વિશ્વભરની આ લાગણીને સંપૂર્ણ સહયોગની ભાવનાથી ઉજાગર કરવા પ્રતિબધ્ધ બની છે. દેશના દાયકા પૂર્વે ગુજરાતમાં વાયબ્રન્ટ ગ્લોબલ સમીટની જે શરૂઆત કરવામાં આવી હતી. તેનાથી વિશ્વના રોકાણકારોમાં ગુજરાત અને ભારત પસંદગીનું ઈન્ડસ્ટ્રીયલ ડેસ્ટીનેશન બનીને ઉભરી આવ્યું છે.

વિશ્વમાં કેટલાક અનિવાર્ય પરિણામો ના કારણે છેલ્લા બે દાયકા દરમ્યાન વારંવાર આવતી મંદી, અને અમેરિકા, ચીન જેવા વિકસીત રાષ્ટ્રોની મોટી જૂની અને ગૂડવીલ ધરાવતી કંપનીઓ અને બેંકીંગ નાણાંકીય સંસ્થાઓને તાળા મારવાની નોબતની વારંવારની આફતના દૌરમાં ભારતમાં સ્થિર સરકાર અને વ્યવસાયીક તકની સાથે રોકાણકારોની મૂડી રોકાણની સલામતી અને મૂડી વૃધ્ધીના મહત્વના કારણે જ ગુજરાતમાં વિશ્વકક્ષાની ઓટોમોબાઈલ કંપનીઓ સહિતનું આગમન શકય બન્યુ છે. રાજકીય પ્રતિબધ્ધતા અને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે રીતે વિશ્વભરમાં ઉભા કરાયેલા વિશ્વના માહોલનું આ પરિણામ ગણી શકાય. વાઈબ્રન્ટ સમીટમાં નેધરલેન્ડ અને આખાતના દેશોના પ્રતિનિધિઓ દ્વારા ગુજરાત અને ભારતમાં સંરક્ષણ, શિક્ષણ, ઉદ્યોગ અને ખેતીની સાથે સાથે આરોગ્ય સેવાના સહયોગના અસંખ્ય એમઓયુ કરવામા આવ્યા. અમદાવાદ અને ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનીક ક્ષેત્રના વેપાર ઉદ્યોગના વિકાસને પ્રતિસાદ ન આપવાના કાર્યક્રમોએ વધુ એકવાર ભારત અને ગુજરતાની ભૂમિને વિશ્વ વેપારની ધરોહર સાબીત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.