માથા ફરેલા માનવીની એક ભૂલે ઈતિહાસ બદલી નાખ્યો
જાપાન ઉપર અમેરિકાએ કરેલા પરમાણુ હુમલાથી બીજા વિશ્ર્વ યુદ્ધનો અંત તો થયો તેની સાથે વિશ્ર્વની દિશા-દશા ફરી ગઈ: રાખમાંથી બેઠા થયેલા જાપાને જગત આખાને અર્થતંત્ર, ટેકનોલોજી અને સમાજ જીવનના નવા સમીકરણો આપ્યા
૬ ઓગષ્ટ ૧૯૪૫નો એ દિવસ આજે પણ વૈશ્ર્વિક સમુદાય ભુલી શકતો નથી. હિરોશીમા ઉપર થયેલા ઘાતક પરમાણુ હુમલાની યાદમાં આખુ વિશ્વ આજે પણ થરથરે છે. ૭૫ વર્ષ પુરા થઈ ચૂકયા છે. પરંતુ તે પરમાણુ બોમ્બથી થયેલી તબાહી રુંવાડા ઉભા કરી દે છે. એક સમયે આ વિધ્વંશક ઘટના બાદ જે અમેરિકાએ જશ્ન મનાવ્યો હતો તે પણ આજે ઘટનાને ભુલાવવા મથામણ કરે છે. જાપાન આજના દિવસે શોકમગ્ન રહેશે. જાપાની લોકો આ યુદ્ધમાં મૃત્યુ પામેલાને યાદ કરશે.
હિરોશીમા ઉપર પરમાણુ હુમલો કર્યાના ત્રણ દિવસ બાદ અમેરિકાએ નાગાસાકી શહેર ઉપર બીજો પરમાણુ પ્રહાર કર્યો હતો. આ બન્ને હુમલામાં લાખો લોકોના મોત થઈ ગયા હતા, કરોડો લોકો ઉપર રેડીયેશનની અસર થઈ હતી. આ હુમલાને ઠેર-ઠેરથી વખોડી કાઢવામાં આવ્યો હતો. જાપાને અમેરિકાના પર્લહર્બલ ઉપર કરેલા હુમલા બાદ અમેરિકાને આ પગલા લેવા પડ્યા હતા.
પરમાણુ હુમલાની આ ઘટના બાદ વિશ્વ આખાએ એક સબક તો શીખયો જ છે. ચીન, રશિયા, અમેરિકા, પાકિસ્તાન, કોરીયા કે ભારત સહિતના જે પણ દેશ પરમાણુ શક્તિ ધરાવે છે તેઓ પરમાણુ હુમલાની ગંભીરતા ખુબ સારી રીતે જાણી ગયા છે.
છેલ્લા વિકલ્પ તરીકે પણ પરમાણુ હુમલો કરવાની ઈચ્છા ધરાવતા નથી. જાપાન પર ફેંકાયેલા બન્ને બોમ્બ તો અત્યારના અણુ બોમ્બની સરખામણીએ માત્ર ૫ ટકા જેટલા જ ગણી શકાય. વર્તમાન સમયે અમેરિકા, ચીન કે રશિયાએ બનાવેલા બોમ્બની ભયાનકતા તો વિકરાળ છે.
૬ અને ૯ ઓગષ્ટ ઈતિહાસના કાળા દિવસ
૬ ઓગષ્ટ, ૧૯૪૫ના રોજ સવારે ૮:૧૫ કલાકે અમેરિકાના બી-૨૯ વિમાને લીટલ બોય નામનો પરમાણુ બોમ્બ હિરોશીમા પર ફેંક્યો હતો. આ બોમ્બથી આખુ શહેર તબાહ થઈ ગયું હતું. આ હુમલાના કારણે સાડા ત્રણ લાખથી વધુ લોકોની વસ્તી ધરાવતા શહેરમાંથી ૧.૪૦ લાખ લોકો મોતને ભેટયા હતા. હજારો લોકોને ગંભીર બીમારીનો ભોગ બનવું પડ્યું હતું. ત્યારબાદ ૯ ઓગષ્ટે અમેરિકાએ નાગાસાકી ઉપર બોમ્બ ફોડ્યો હતો. આ બોમ્બનું નામ ફેટમેન હતું. આ બોમ્બ પડતા જ ૭૫,૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા. પરમાણુ હુમલાના ૬ દિવસ બાદ જાપાને અમેરિકાની શરણાગતિ સ્વીકારી હતી.
જાપાન રાખમાંથી બેઠુ થયું
બે-બે પરમાણુ હુમલાનો ભોગ બનેલા જાપાને ભલે અમેરિકાની શરણાગતિ સ્વીકારી પરંતુ ત્યારબાદ જાપાનના લોકો અને સરકારે જે રીતે વિકાસ માટેના પારાવાર પ્રયત્નો કર્યા તેને આખા વિશ્ર્વની આંખ ઉઘાડી નાખી હતી. પરમાણુ હુમલાના માત્ર ગણતરીના વર્ષોમાં જ જાપાન આર્થિક સામ્રાજ્ય ઉભુ કરવા લાગ્યું. જાપાની લોકોની કર્મનિષ્ઠા વિશ્વમાં કોઈપણ ખુણે જોવા ન મળે તેવી છે. એન્જીનીયરીંગ, વિજ્ઞાન, ગણીત અને ટેકનોલોજી સહિતના સેકટરમાં જાપાને લાવેલી ક્રાંતિ કોઈ ભુલી શકે તેમ નથી. માત્ર નાનકડા દેશનું અર્થતંત્ર ભારત કરતા પણ વિશાળ છે. અમેરિકાને પણ હંફાવે છે. પરમાણુ હુમલાની રાખમાંથી બેઠુ થયેલુ જાપાન આજે શાંતિ ઈચ્છે છે. જાપાનના નાગરિકોની સરેરાશ ઉંમર વિશ્ર્વના કોઈપણ દેશના નાગરિકો કરતા વધુ છે. જાપાનના લોકોની ઉંમર સરેરાશ ૧૦૦ વર્ષ જેટલી થાય છે. જીવન ધોરણ પણ અન્ય દેશોની સરખામણીએ ઘણું ઉંચુ છે.