અધિકારીઓના મનઘડ પરિપત્રનો પુન: વિચાર કરવા એડવોકેટ રાજભા ઝાલા અને ડી.ડી.મહેતાની મુખ્યમંત્રીને રજુઆત
રાજય મહેસુલ વિભાગે ખેડુત ખાતેદારની ખરાઈ-પ્રમાણપત્રની કાર્યવાહી ઓનલાઈન કરવાનો પરિપત્ર કરેલો છે. ઓનલાઈન કાર્યવાહી ખુબ જ ખર્ચાળ અને જગતના તાતની મુશ્કેલીરૂપ હોય આ પરિપત્ર અંગે ધરતીપુત્રના હિતમાં પુન:વિચારણા કરવા રેવન્યુ ક્ષેત્રના સિનિયર એડવોકેટ રાજેન્દ્રસિંહ ઝાલા અને એડવોકેટ ડી.ડી.મહેતાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલને લેખિત રજુઆત કરી છે.
મહેસુલ વિભાગે ખેડુત ખરાઈના પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવા પરીપત્ર કરેલો છે પરંતુ આ ઓનલાઈન કાર્યવાહીમાં ખેડુતોને મુશ્કેલી ભોગવવી પડે છે. આ ઓનલાઈન કાર્યવાહીમાં ૨૫ જેટલા મુદાઓનું સ્પષ્ટીકરણ માંગવું પડે છે અને રૂા.૨૦૦૦ પ્રમાણપત્ર લેવા માટે સરકારને ઓનલાઈન ભરવાના છે. આ રકમ ભરવા માટે ખેડુતોએ સાયબર કાફેમાં જવુ પડે છે અને સાયબર કાફેવાળા રકમ ભરવા માટે ફી વસુલે છે. રાજયના તમામ ખેડુતના રેવન્યુ ડેટા ઓનલાઈન ઉપલબ્ધ હોય જે ખરેખર કોઈપણ અધિકારી ઓનલાઈન જોઈ શકે છે અને ખાતેદાર હોવાની ખાત્રી-ખરાઈ કરી શકે છે. ઉતરોતર ખાતેદારની ખરાઈ પણ હકકપત્રક મારફતે કરી શકે છે.
સરકારે ખાતેદાર ખેડુતનું ફોટાવાળુ સોગંદનામું અને છેલ્લે જયા જમીન ધારણકર્તા હોય તે ૭/૧૨, ૮-અ ૬ નંબરના ઉતારાઓ રજુ કર્યેથી નોંધ પ્રમાણિત કરવી જોઈએ અને જે તે સક્ષમ અધિકારીએ આ હકિકત અંગે ઓનલાઈન ખરાઈ કરી લેવી જોઈએ. મહેસુલ વિભાગના તા.૨૬/૧૨/૨૦૦૮ના પરીપત્ર મુજબ ખાતેદાર ખેડુતોએ ખેડુત હોવા અંગેનું સોગંદનામું અને જયા ખાતેદાર ખેડુત ત્યાંના ૭/૧૨, ૮-અ તથા ૬ નંબર રજુ કયેથી જે તે મામલતદાર ખાતેદાર ખેડુતનું પ્રમાણપત્ર આપતા હતા. અમુક અધિકારીઓ ડિઝીટાઈઝેશન કરવાના બહાને આવા મનઘડત પરીપત્રો કરી સરકારની સ્વચ્છ છબીને નુકસાન કરી રહ્યા છે. ખેડુતોને આર્થિક બોજા રૂપ અને હેરાન પરેશાનવાળા પરીપત્ર બાબતે ફેરવિચારણા કરી ખેડુત ખાતેદારના ઓનલાઈનના પરીપત્રની કાર્યવાહી રદ કરવા પુન: વિચારણા કરવા રજુઆત કરી છે.